Editorial

દેશની કિંમતી કલાકૃતિઓ વિદેશોમાંથી પરત લાવવાનું અભિયાન ખરેખર પ્રશંસનીય

આપણા દેશ પર લાંબા સમય સુધી બ્રિટિશરોનું શાસન રહ્યું છે અને તેમણે ભારતમાં પોતાના શાસક દરમ્યાન ઘણો ખજાનો ઘરભેગો કર્યો છે તે જાણીતી હકીકત છે. ભારતમાં વેપાર કરવાના બહાને આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બાદમાં પગદંડો જમાવવા માંડ્યો, રાજકીય બાબતોમાં દખલગીરી શરૂ કરી, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ભારતના રાજા રજવાડાઓને પોતાના તાબે કરવા માંડયા અને છેવટે ૧૮પ૭ના નિષ્ફળ બળવા પછી તો સીધે સીધું બ્રિટિશ શાહી કુટુંબનું અને બ્રિટિશ સરકારનું ભારતમાં શાસન આવી ગયું.

પોતાના શાસન કાળ દરમ્યાન બ્રિટિશરોએ અનેક કિંમતી અને મૂલ્યવાન ખજાનાની વસ્તુઓ ધીમે ધીમે પોતાના દેશમાં મોકલી દીધી. હિન્દુ, મુઘલ અને શીખ રાજવીઓના ખજાનાઓમાં શોભતા ઝવેરાત અને કલાકૃતિઓ, કિંમતી હીરાઓ સહિતની અનેક વસ્તુઓ બ્રિટિશરોએ પોતાના દેશમાં મોકલી આપી. દેશને આઝાદી મળ્યા બાદ ભારતની સરકારોએ આ ખજાનો પરત મેળવવાના પ્રયાસો કર્યા અને તેમાં થોડીક સફળતા મળી પણ ખરી, પરંતુ ન્યાય ખાતર પણ કહેવું જોઇએ કે હાલની સરકારે જે મક્કમતાથી આ પ્રયાસો કર્યા છે તેવા પ્રયાસો અગાઉની સરકારોએ કર્યા નથી. હાલની સરકારે કેટલીક વસ્તુઓ પરત મેળવ્યા બાદ હવે તો બ્રિટિશરો પાસેથી દેશની મૂલ્યવાન ઐતિહાસિક વસ્તુઓ પાછી મેળવવા માટે એક વ્યવસ્થિત અભિયાન જ શરૂ કર્યું છે અને તેની નોંધ બ્રિટિશ મીડિયાએ પણ લીધી છે.

ભારતે બ્રિટનને તેના શાસન વખતે કરેલી ઉઠાંતરીઓનો હિસાબ માગવાની દેખીતી ચિમકીમાં ભારતે હવે આ દેશ પાસેથી પોતાના એવા ઐતિહાસિક ખજાનાને પાછો માગવાની તૈયારી શરૂ કરી છે જે ખજાનો તેણે પોતાના શાસન વખતે ઘરભેગો કર્યો હતો એમ એક બ્રિટિશ મીડિયા અહેવાલ જણાવે છે. ભારતમાં બ્રિટિશ શાસન વખતે ભારતનો જે મૂલ્યવાન ખજાનો બ્રિટિશરોએ પોતાના દેશભેગો કરી દીધો છે તેમાંની ઘણી વસ્તુઓ તો ઐતિહાસિક રીતે અમૂલ્ય છે. અને આમાંની એક વસ્તુ કોહીનૂર હીરો છે જે હાલ બ્રિટિશ રાજવીના મુગટોમાંના એક મુગટમાં છે.

આ કોહીનુર હીરાની કથા પણ ઘણી રસપ્રદ અને રહસ્યમય છે. અગાઉ તે મુઘલો પાસે હતો, જેમની પાસેથી નાદીર શાહે આ હીરો લૂંટી લીધો અને બાદમાં માલિકી બદલાતા બદલાતા તે શીખ રાજવી રણજીત સિંહ પાસે ગયો અને તેમની પાસેથી બ્રિટિશરો લઇ ગયા એમ મનાય છે. વિશ્વના સૌથી મોટા અને સૌથી કિંમતી હીરાઓમાંનો આ અએક હીરો છે. આ ઉપરાંત હજારો કલાકૃતિઓ સંસ્થાનવાદી શાસનમાં ભારતમાંથી પગ કરી ગઇ છે. હવે ભારતના વિદેશી રાજદ્વારીઓ એક મિશન હાથ ધરી રહ્યા છે – જેને તેઓ ભૂતકાળનો હિસાબ કિતાબ માગવાનું મિશન ગણાવનાર છે.

એમ માનવામાં આવે છે કે યુકેને કોઇ દેશ દ્વારા ખજાનો પાછો માગવા માટેના આ સૌથી મોટા દાવાનો સામનો કરવો પડશે એમ ધ ટેલિગ્રાફ દૈનિકે અહેવાલ આપ્યો છે. ઐતિહાસિક કલાકૃતિઓ પાછી માગવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું એક મહત્વનું લક્ષ્ય છે. જો કે આનાથી બ્રિટન સાથેના સંબંધો બગડવાનો ભય પણ રહેલો છે, ખાસ કરીને વેપારની બાબતમાં વાત વણસી શકે છે. પરંતુ ભારત પોતાની માગણીમાં મક્કમ રહેશે એમ માનવામાં આવે છે.

આ અભિયાનની આગેવાની ભારતીય પુરાતત્વ વિભાગ લઇ રહ્યું છે અને લંડન ખાતેના ભારતીય રાજદ્વારીઓ દ્વારા આ વસ્તુઓ પરત મેળવવા વિધિવત વિનંતી સાથે શરૂઆત કરવામાં આવશે એમ માનવામાં આવે છે. બ્રિટન પાસેથી જે વસ્તુઓ પાછી માગવામાં આવનાર છે તેમાં કોહીનૂર હિરા પર ખાસ ભાર આપવામાં આવશે એમ માનવામાં આવે છે. આ ઉપરાંત બ્રિટન પાસેથી જે વસ્તુઓ પાછી માગવામાં આવશે તેમાં મધ્ય લંડનમાં રોયલ એકેડેમી ઓફ આર્ટ્સમાં મૂકવામાં આવેલ નટરાજનું અગિયારમી સદીનું એક ચિત્ર, હિન્દુ દેવ દેવીઓની કાંસાની પ્રતિમાઓ વગેરે અનેક વસ્તુઓનો સમાવેશ થઇ શકે છે.

બ્રિટિશ શાસન વખતે ભારતમાંથી પગ કરી ગયેલી કલાકૃતિઓ, હીરા, ઝવેરાત વગેરેમાંથી કેટલીક વસ્તુઓ બ્રિટનના શાહી ખાનદાનના ખજાનામાં અને કેટલીક વસ્તુઓ યુકેના વિવિધ સંગ્રહાલયોમાં હોવાનું જાણવા મળે છે. સ્વતંત્રતાથી અત્યાર સુધીમાં ૨૫૧ કલાકૃતિઓ વિદેશોમાંથી પરત લાવવામાં આવી છે અને ૧૦૦ જેટલી કલાકૃતિઓ યુકે, અમેરિકા જેવા દેશોથી પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે એમ એએસઆઇએ જણાવ્યું છે.

દેશની પ્રાચીન અને મૂલ્યવાન કલાકૃતિઓ અને ખજાનો ફક્ત બ્રિટિશરો જ લઇ ગયા તેવું પણ નથી. અન્ય કોઇ રીતે, ચોરી તફડંચીથી ખજાનાઓમાંથી આ વસ્તુઓ ગાયબ થઇ હોય અને બાદમાં વિદેશીઓને વેચી દેવામાં આવી હોય તેવી પણ અનેક ઘટનાઓ બની છે. કોઇ નાના રાજકુટુંબ કે ધનવાન કુટુંબ પાસે અમુક કોઇ કિંમતી કલાકૃતિ હોય, જેનું કલા અને ઇતિહાસની રીતે અમૂલ્ય હોય, પરંતુ કોઇ ચાકર કે વારસદારે થોડા નાણાના બદલામાં આ વસ્તુ કોઇ વિદેશીને કે તસ્કરને વેચી દીધી હોય તેવા પણ અનેક બનાવો છે.

આવી વસ્તુઓના ભૌતિક મૂલ્ય કરતા ઘણી વખત તેમનું ઐતિહાસિક અને કલાની દષ્ટિએ ઘણું મૂલ્ય હોય છે અને સરકારે આ વસ્તુઓ દેશમાં પાછી લાવવા માટેનું વ્યવસ્થિત અભિયાન શરુ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે, હવે તેને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top