SURAT

સુરત પાલિકાએ પુણા-સીમાડાના આ બજારને બંધ કરાવ્યું

સુરત: સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત મનપાના અધિકારીઓ દ્વારા ગેરકાયદે દબાણ ઉભા કરતા લારી ગલ્લા, બજારો અને ધાર્મિક સ્થાનોને દૂર કરવાની ઝૂંબેશ છેડવામાં આવી છે, તેના ભાગરૂપે ગુરુવારે સુરત મનપા દ્વારા પુણા સીમાડામાં ભરાતી ગુરુવારી બજારને બંધ કરાવવામાં આવી હતી.

  • ગેરકાયદે ભરાતી અઠવાડિક બજારો મુદ્દે સરથાણા ઝોનનો સપાટો, બુધવારે બુધવારી બજાર બંધ કરાવી હતી
  • બજારો ભરતાં આયોજકોને તાકીદ, તમામ ગેરકાયદે બજારોને બંધ કરવા કે સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે

ડ્રા.ટી.પી. 68 (પુણા-સીમાડા)માં સ્વાગત બી.આર.ટી.એસ. બસ સ્ટોપની સામે, સંતકૃપા સોસાયટીની બાજુવાળી મિલ્કતમાં ગેરકાયદેસર રીતે ભરાતી ગુરૂવારી બજાર મનપાના વરાછા ઝોન-બી દ્વારા બંધ કરાવાઈ હતી. આ બજારને કારણે ખુબ જ ટ્રાફિકનું ન્યુસન્સ થતું હોય મનપા દ્વારા આ બજારના દબાણો હટાવી બજાર બંધ કરાવવામાં આવી હતી.

આ બજારમાં વાણીજય હેતુ માટેના તથા કોઈ પણ ફાયર સેફ્ટીની સુવિધા વગર ટેમ્પરરી સ્ટ્રકચરો ઉભા કરાયા હતા. ગુરૂવારી બજાર ભરાવાના કારણે ખુબ મોટા પ્રમાણમાં ટ્રાફીક, ગંદકી વગેરેની સમસ્યાઓ ઉદ્દભવતી હતી. આ બાબતે મનપા દ્વારા સંબંધિતોને વારંવાર લેખિત તથા મૌખિક સુચના આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી તેઓ દ્વારા કરાઈ ન હતી.

દર ગુરૂવારે બજાર ભરાતી હોવાના લીધે જાહેર રસ્તા ઉપર દબાણની તેમજ ટ્રાફીકની ખુબ જ ફરીયાદો આવતી હતી. ગુરૂવારી બજારમાં વિપુલ પ્રમાણમાં પાથરણાવાળા બેઠા હોય છે અને જેના કારણે ખુબ સાંકડા એરીયામાં ગીચ પ્રમાણમાં જાહેર જનતા એકત્ર થતી હોય છે.

ઈમરજન્સીના કિસ્સામાં ફાયર, સીકયુરીટી, પાર્કીંગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી. જેથી ખુબ જ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોય, મનપાના વરાછા ઝોન-બીની ટીમ દ્વારા અહીના તમામ દબાણો દુર કરી બજાર બંધ કરાવવામાં આવી હતી.

ઝુંબેશનાં ભાગરૂપે આગામી દિવસોમાં ઝોન વિસ્તારમાં અન્ય સ્થળો પર ભરાતી અઠવાડીક બજારો પણ બંધ કરવાની કે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. અન્ય અઠવાડીક બજારોનાં આયોજકોને આ બાબતે સુચના આપી દેવામાં આવી છે.

Most Popular

To Top