Columns

પોર્ન ફિલ્મોનો ગંદો ધંધો સરકારની મહેરબાનીથી બેરોકટોક ચાલે છે

મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મો બનાવીને તેને ઓટીટી પ્લેટફોર્મ પર અપલોડ કરવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ અને મોટા ગજાના વેપારી રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા એક સમયે શાલ વેચતો હતો. આજે તેની પાસે ૨,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.  તેની પાસે આટલી સંપત્તિ કેવી રીતે આવી? તે સંશોધનનો વિષય છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી મળીને આઇપીએલની ક્રિકેટ ટીમની માલિકી પણ ધરાવે છે. રાજ કુન્દ્રા ક્રિકેટમાં સટ્ટો રમવાના આરોપ હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. રાજ કુન્દ્રા પર બોલિવૂડમાં કામ કરવા આવતી નવોદિત અભિનેત્રીઓને ફસાવીને તેમને પોર્ન ઉદ્યોગમાં ધકેલવાનો પણ આરોપ છે. આવો આરોપ પૂનમ પાંડે અને શર્લિન ચોપરા નામની જાણીતી પોર્ટસ્ટારો દ્વારા મૂકવામાં આવ્યો છે, જેમણે પોર્નમાંથી ચિક્કાર કમાણી કરી છે.

રાજ કુન્દ્રાને જે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યો છે તેનો ભારતમાં અને ભારત બહાર બહોળો કારોબાર છે. જ્યારથી ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મો શરૂ થયા છે ત્યારથી આ કારોબાર બેફામ વધી ગયા છે. રાજ કુન્દ્રાની ધરપકડ તો હિમશિલાનો ટોચ ઉપરનો ભાગ છે. હવે પોર્ન ફિલ્મોનો કારોબાર ચલાવવા માટે વેબસાઇટની જરૂર પડતી નથી પણ તે પેમેન્ટ એપના માધ્યમથી થાય છે. કોઈ પણ વ્યક્તિ ગુગલ પ્લેસ્ટોર પરથી ઉલ્લુ કે હોટ શોટ જેવી એપ ડાઉનલોડ કરી લે એટલે તે પોર્ન ફિલ્મો જોઈ શકે છે.

ગુગલ પ્લેસ્ટોર પર આવી સેંકડો એપ મૂકવામાં આવી છે, જેમાં હજારો પોર્ન ફિલ્મો અપલોડ કરવામાં આવી છે. મુંબઇમાં જેમ હિન્દી ફિલ્મોદ્યોગ છે તેમ પોર્ન ફિલ્મોનો સમાંતર ઉદ્યોગ ચાલે છે. તેમાં લાખો લોકો સંડોવાયેલા છે. મઢ ટાપુના બંગલા કે લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ફ્લેટો ભાડે રાખીને પોર્ન ફિલ્મોનું શૂટીંગ કરવામાં આવે છે. તેમાં રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સંગીતકાર, સ્ક્રીપ્ટ રાઇટર, સેટ મેકર, મેક અપ મેન વગેરે બધા સંડોવાયેલા હોય છે. જો મુંબઈ પોલીસમાં તાકાત હોય તો આ સમાંતર ઉદ્યોગ બંધ કરાવવો જોઈએ.

જે પ્રકરણમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી તેનો પ્રારંભ ગયા વર્ષની તા. ૪ ફેબ્રુઆરીના થયો હતો. મુંબઈની પોલીસને ટીપ મળી હતી કે મઢ ટાપુ પર આવેલા બંગલામાં પોર્ન ફિલ્મનું શૂટીંગ થવાનું છે. પોલીસ ત્યાં પહોંચી ગઈ તો જોયું કે એક સ્ત્રી-પુરુષ તદ્દન નિર્વસ્ત્ર થઇને રતિક્રીડા કરી રહ્યાં હતાં અને કેમેરામેનો તેમનું શૂટીંગ કરી રહ્યા હતા. તે ટીમના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિલા કલાકારને મુક્ત કરાવવામાં આવી હતી.  આ મહિલાને પાછળથી ફરિયાદી બનાવવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ આ ટોળકીના સભ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડ જેવાં રાજ્યોમાંથી હિન્દી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા આવતી યુવતીઓને બોલિવૂડમાં બ્રેક આપવાની લાલચ આપતા અને ઓડિશન માટે બોલાવતા. ઓડિશન દરમિયાન યુવતીને કહેવામાં આવતું કે સ્ટોરીની જરૂરિયાત મુજબ તારે કેટલાક બોલ્ડ સીન આપવા પડશે. ફિલ્મોમાં ચમકવાની અને પૈસાની લાલચથી યુવતીઓ બોલ્ડ સીન આપવા તૈયાર થાય ત્યારે તેનું શૂટીંગ કરી લેવામાં આવતું. આ ફિલ્મોનો ઉપયોગ યુવતીની જાણ બહાર પોર્નોગ્રાફી માટે કરવામાં આવતો. ઘણી યુવતીઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને તેમને પોર્ન ફિલ્મોમાં કામ કરવા સમજાવી લેવામાં આવતી. તેનાં ઉદાહરણો શર્લિન ચોપરા અને પૂનમ પાંડે છે.

પૂનમ પાંડે હિન્દી ફિલ્મોની હીરોઈન બનવા મુંબઈ આવી હતી, પણ તેને ખાસ કોઈ મોટાં બેનરની ફિલ્મો ન મળી ત્યારે તે બી ગ્રેડની ફિલ્મોમાં હીરોઇન બની ગઈ. લોકડાઉન દરમિયાન તેમાં પણ કામ મળતું બંધ થઈ ગયું ત્યારે તેણે રાજ કુન્દ્રાની કંપની આર્મ્સ પ્રાઇમ મીડિયાનો સંપર્ક કર્યો. પૂનમ પાંડેએ તેમને એક એપ બનાવી આપવાનું કહ્યું, જેની કિંમત ૬૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પૂનમ પાંડે પાસે તેટલા રૂપિયા નહોતા એટલે કોન્ટ્રેક્ટ પડી ભાંગ્યો. પૂનમ પાંડેનો આરોપ છે કે તેનાં જે બોલ્ડ દૃશ્યોનું શૂટીંગ કરવામાં આવ્યું હતું તેનો ઉપયોગ રાજ કુન્દ્રા આજે પણ કરે છે.

પૂનમ પાંડેની જેમ શર્લિન ચોપરા પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા આવી હતી, પણ કામ ન મળતાં બોલ્ડ ફિલ્મો તરફ વળી હતી. તેને એક પોર્ન ફિલ્મમાં કામ કરવાના ૩૦ લાખ રૂપિયા મળતા હતા. રાજ કુન્દ્રા સાથે તેણે ૧૫ થી ૨૦ ફિલ્મોમાં કામ કર્યું છે. ગેહના વશિષ્ઠ નામની મોડેલે પણ રાજ કુન્દ્રાનો સંપર્ક કર્યો હતો. રાજ કુન્દ્રાએ તેને પોર્ન ફિલ્મોમાં કામ આપ્યું હતું. મઢ ટાપુના બંગલામાં પોલીસે દરોડો પાડ્યો તેમાં ગેહનાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તે જામીન પર છે. ગેહના કહે છે કે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં સેંકડોની સંખ્યામાં પોર્ન ફિલ્મો બને છે.

રાજ કુન્દ્રાનો બચાવ કરતાં વીડિયો નિવેદનમાં ગેહના વશિષ્ઠ કહે છે કે રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મો નથી બનાવતા પણ શૃંગારિક ફિલ્મો બનાવે છે, જેમાં બોલ્ડ સીન હોય છે. તેના કરતાં ક્યાંય વધુ બોલ્ડ સીન તો એકતા કપૂરની ગંદી બાત સિરિયલમાં જોવા મળે છે, પણ તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. ગુગલ પર આવી ફિલ્મોની યાદી જોવા મળે છે. આ બધી પોર્ન ફિલ્મો કોઈ ને કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળે છે, જેની જાહેરાત સોશિયલ મીડિયામાં કરાય છે. થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા ઓટીટી પ્લેટફોર્મનું નિયમન કરવાને બહાને ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. તેમાં કોઈ પણ ફિલ્મને સેન્સર કરવાને બદલે ફિલ્મના નિર્માતા પર જ તેને રેટિંગ આપવાની જવાબદારી નાખવામાં આવી હતી. ત્યારથી પોર્ન ફિલ્મોના નિર્માતાઓ પોતાની ફિલ્મને ૧૮+ નું રેટિંગ આપીને તેને બિનધાસ્ત અપલોડ કરવા લાગ્યા છે.

આ ફિલ્મો એપના માધ્યમથી જોઈ શકાય છે. આ એપ લાખો અને ક્યારેક કરોડોની સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવે છે. દરેક પોર્ન ફિલ્મ જોવા માટે અલગથી ચાર્જ ચૂકવવાનો હોય છે. પોર્ન ફિલ્મના નિર્માતા અને એપના માલિકો અલગ હોય છે. પોર્ન ફિલ્મોના નિર્માતાને એડલ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડરના સોહામણા નામે ઓળખવામાં આવે છે. તેઓ ફિલ્મ બનાવીને એપનું સંચાલન કરતી કંપનીને વેચી મારે છે. એપનું સર્વર વિદેશમાં હોવાથી તેને ભારતના કાયદાઓ લાગુ પડતા નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન ફિલ્મો પર ખરેખર ત્રાટકવા માગતી હોય તો ગુગલ પ્લેસ્ટોર પર વેચાતી આવી તમામ એપ પર પ્રતિબંધ મૂકીને ફિલ્મો સાથે સંકળાયેલા તમામ કલાકારોને જેલમાં નાખી દેવા જોઈએ.

પોર્ન ફિલ્મો બાબતમાં આપણી સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. સરકાર બાહ્ય રીતે પોર્ન ઉદ્યોગ પર પ્રતિબંધ લાવવાની વાત કરે છે, પણ અંદરખાને તેને પ્રોત્સાહન આપે છે. જ્યારે સેન્ટ ઝેવિયર્સનાં પ્રોફેસર પ્રતિભા નૈથાણીએ પોર્ન ફિલ્મો સામે સુપ્રિમ કોર્ટમાં કેસ કર્યો ત્યારે સુપ્રિમ કોર્ટે પોર્ન ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં એવી દલીલ કરી હતી કે દેશના નાગરિકો ઘરની ચાર દિવાલો વચ્ચે શું જુએ એ તેમનો અંગત મામલો છે. શું સુપ્રિમ કોર્ટના જજોને પોર્ન ફિલ્મોના નામે નવી પેઢીમાં થઈ રહેલો અશ્લીલતાનો પ્રચાર દેખાતો નથી. તેમ છતાં ઉત્તરાખંડ હાઇ કોર્ટ દ્વારા પોર્ન ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે પોર્ન ફિલ્મો વિદેશમાંથી પ્રસારિત થઈ રહી હોવાથી સરકાર કાંઈ કરી શકે તેમ નથી. પોર્ન ફિલ્મોના કેસમાં સરકાર ગંભીર હોય તો તમામ પોર્ન ફિલ્મો તાત્કાલિક બંધ થવી જોઈએ.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top