Editorial

લેપટોપ, ટેબ્લેટ વગેરેની આયાત પર નિયંત્રણો મૂકવાનો નિર્ણય વાજબી છે

ભારત સરકારે લેપટોપ, ટેબ્લેટ અને કેટલાક ચોક્કસ પ્રકારના કોમ્પ્યુટરોની વિદેશોથી આયાત કરવા પર ગુરુવારે તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો. સુરક્ષાના કારણોસર અને ઘરઆંગણેના ઉત્પાદનને વેગ આપવા માટે આ પગલું ભરાયું હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નોટિસમાં જણાવાયું કે આ પ્રતિબંધ તત્કાળ અસરથી અમલમાં આવે છે અને નિયંત્રિત આયાત માટે માન્ય લાયસન્સ ધરાવનારા આયાતકાર જ હવે આ ઉત્પાદનોની આયાત કરી શકશે. તે આયાત નિયંત્રિત પ્રકારની હશે એટલે કે બેરોકટોક આયાત કરી શકાશે નહીં.

જેઓ નિયમિત રીતે આ વસ્તુઓની વિદેશોથી આયાત કરતા હોય તેવા આયાતકારોને જ આ આયાત માટેનું લાયસન્સ મળશે. આ નિયંત્રણને કારણે ચીન અને કોરીયા જેવા દેશોમાંથી આવતી આવી વસ્તુઓની આયાત પર મોટો કાપ મૂકાશે. જો કે બાદમાં આ પ્રતિબંધ ૩૧ ઓકટોબર સુધી મોકૂફ રાખવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે પહેલી નવેમ્બરથી આ વસ્તુઓની વિદેશથી આયાત કરવા માટે લાયસન્સની જરૂર પડશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ નિયંત્રણો મૂકવા માટેના અનેક કારણો છે તેમાં મહત્વનું કારણ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. દેશમાં જ થતા આ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે પણ એક મહત્વનો હેતુ છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળે તે એક મહત્વનો હેતુ છે. આમાં લેપટોપ્સ, ટેબ્લેટ, ઓલ ઇન વન પર્સનલ કોમ્પ્યુટરો અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેકટર કોમ્પ્યુટરો, સર્વરોની આયાત પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે છે એમ નોટીસમાં જણાવાયું હતું. આ પ્રતિબંધથી ડેલ, એસર, સેમસંગ, પેનાસોનિક, એપલ, લેનોવો વગેરે કંપનીઓને મોટી અસર થઇ શકે છે જેઓ ભારતમાં મોટા પાયે આ વસ્તુઓની નિકાસ કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે સલામતી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને આ પગલું વિશ્વ વ્યાપાર સંગઠન(ડબલ્યુટીઓ)ના નિયમોને અનુરૂપ છે.

વિદેશ વ્યાપાર નિર્દેશાલય(ડીજીએફટી) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એમ પણ જણાવાયું છે કે કેટલીક વસ્તુઓને અપવાદ આપવામાં આવ્યો છે અને તે મંગાવવા માટે લાયસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં જેમાં શોધ સંશોધન માટેની, ટેસ્ટિંગ માટેની વસ્તુઓ, બેન્ચમાર્કંગ અને ઇવેલ્યુએશન માટેની તથા રિપેર એન્ડ રિટર્ન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની વસ્તુઓનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ ઘણો વધી રહ્યો છે અને તેનાથી નાગરિકો જો જોખમી સાધનો વાપરે તો તેમની અંગત માહિતી લીક થવાનો ભય રહે છે.

કેટલાક હાર્ડવેર સંભવિતપણે સુરક્ષાને લગતી સમસ્યાઓ ધરાવતા હોઇ શકે છે અને તેનાથી સંવેદનશીલ અને અંગત ડેટા બાબતે બાંધછોડ થઇ શકે છે. અને આ પ્રતિબંધ માટેનો સૌથી મહતવનો મુદ્દો જ સુરક્ષાનો છે. કેટલાક આયાતી હાર્ડવેરમાં પહેલાથી જ એવી કરામત કરેલી હોય કે જેના કારણે તેના વપરાશકારનો બધો ડેટા આ સાધનના ઉત્પાદક કે પછી અન્યત્ર પહોંચતો રહે! ચીન આવી બધી જાસૂસી કરવા માટે કુખ્યાત છે અને કમનસીબે ચીનથી જ આવી ઘણી વસ્તુઓની આયાત કરવી પડે છે. જે આયાતકાર આવી ગોઠવણોને ચકાસવા માટે સક્ષમ હશે તેમને જ લાયસન્સ આપવામાં આવશે એમ માનવમાં આવે છે. જો કે આયાતી વસ્તુઓની મોટી માગ અને મૂકાયેલા ઓર્ડર જેવા કારણોસર જ કદાચ પ્રતિબંધ હાલ લંબાવવો પડ્યો છે.

એવું જણાવાયું છે કે આ નિયંત્રિત વસ્તુઓની આયાત કરવા માગતા આયાતકારો લાયસન્સ માટે ચોથી ઓગસ્ટથી અરજી કરી શકશે. જો કે લાયસન્સ તે વેપારીને જ મળશે જે આ વસ્તુઓનો નિયમિત આયાતકાર હોય. આ નિયમ પણ વાજબી છે. આ વસ્તુઓની આયાત પર નિયંત્રણ મૂકવા માટેનું એક મહત્વનું કારણ ઘરઆંગણેના ઉત્પાદનને વેગ આપવાનો પણ છે. ભારતમાં સ્મારટ્રોન ઇન્ડિયા એ ઘણી સારી લેપટોપ ઉત્પાદક બ્રાન્ડ મનાય છે.

આ ઉપરાંત એબીજી, એચસીએલ, માઇક્રોમેક્ી ઇન્ફર્મેટિક્સ, આઇબોલ, લાવા વગેરે પણ સાર ઉત્પાદકો છે. સ્વદેશી ઉત્પાદકો પોતાની ગુણવત્તા હજી સુધારે અને તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે જરૂરી છે. આપણે ત્યાં કેટલીક મોબાઇલ ફોન ઉત્પાદક ભારતીય કંપનીઓ ચીની અને કોરિયન કંપનીઓને ટક્કર આપે તેવા સ્માર્ટફોન બનાવે છે છતાં લોકોને ચીની બ્રાન્ડોનો જ મોહ વધારે છે. લોકોની માનસિકતા બદલાય તે પણ જરૂરી છે.

Most Popular

To Top