SURAT

રાજકોટની કોલેજમાં B.Edનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તાવ, માથાનો દુખાવો અને ખેંચની સારવાર માટે સુરત લાવતા જ મોત

સુરત: તાપીના (Tapi) ડોલવણની એક વિદ્યાર્થીનીનું (Student) રાજકોર્ટમાં બીએડના (B.Ed) અભ્યાસ દરમિયાન અચાનક તાવ આવ્યા બાદ સુરત (Surat) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ આવતા સારવાર મળે એ પહેલાં જ મોત (Death) નીપજ્યું હતું. સેજલકુમારી ને બે દિવસ રાજકોટની ખાનગી હોસ્પિટલ માં સારવાર અપાઈ હતી. કોલેજના પ્રોફેસર વિપુલભાઈએ કહ્યું હતું કે તાવ, માથાનો દુખાવો અને ખેંચ આવતા સેજલના પરિવાર ને જાણ કરી સુરત રીફર કરી હતી. સેજલને 2017માં પણ ખેંચ આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે સોમવારની રાત્રે 22 વર્ષની યુવતી સેજલકુમારી રાજેશભાઇ ચૌધરીને પરિવાર તાવ, માથાનો દુખાવો અને ખેંચની ફરિયાદ સાથે સારવાર માટે લઈ આવ્યું હતું. જોકે સેજલકુમારીને કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું. સેજલકુમારી રાજકોટની બીએડ કોલેજની વિદ્યાર્થીની હોવાનું પરિવારે જણાવ્યું હતું. જોકે મૃત્યુ નું કોઈ કારણ જાણી ન શકાતા પોલીસને જાણ કરાઈ હતી. હવે પોસ્ટ મોર્ટમ બાદ જ મૃત્યુ નું સચોટ કારણ કહી શકાય એમ છે.

વિપુલ વસાવા (પ્રોફેસર, શ્રી મુરલીધર બીએડ કોલેજ, રાજકોટ)એ જણાવ્યું હતું કે યુનિવર્સીટી દ્વારા સેજલકુમારીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોલેજમાં આવી ને માત્ર એક મહિનો જ થયો હતો. હજી તમામ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પણ બાકી હતા. સેજલકુમારી કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે કોલેજ નજીક સોસાયટીમાં રૂમ રાખીને રહેતી હતી. 6 ઓગસ્ટે સેજલકુમારીને તાવ આવ્યો હતો. ત્યારબાદ માથું દુખાવાની ફરિયાદ કરી હતી. બસ હોસ્પિટલ લઈ જતા જ ખેંચ પણ આવી હતી. બે દિવસની સારવાર બાદ પણ તબિયત માં કોઈ સુધારો ન થતા આખરે પરિવાર ને જાણ કરી સુરત રીફર કરી હતી. એના મૃત્યુના સમાચાર મળ્યા એ આઘાત જનક હતા. કોલેજના તમામ વિદ્યાર્થીઓ શોકમાં આવી ગયા છે.

રાજેશ ચૌધરી (મૃતક વિદ્યાર્થીના પિતા) એ કહ્યું હતું કે સાહેબ ખેત મજૂરી કરી બાળકોને એજ્યુકેટેડ બનાવી રહ્યો છું. બે દીકરી અને એક દીકરામાં સેજલકુમારી મોટી દીકરી હતી. હાલ જ એને રાજકોટની કોલેજમાં બીએડમાં પ્રવેશ મળ્યો હતો. જેની ખુશી સેજલકુમારીના મોઢા પર દેખાય રહી હતી. અભ્યાસ કરી શિક્ષિકા બનવાના સ્વપ્ન સાથે રાજકોટ ગઈ હતી. બસ 6 ઠ્ઠીએ ફોન આવ્યો હતો અને કહેતી હતી પપ્પા બીમાર પડી ગઈ છું હોસ્પિટલ માં છું, સારું થઈ જશે પછી આરામ કરવા ઘરે આવીશ, બે દિવસ બાદ કોલેજમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીની તબિયત સારી નથી સુરતની સારી હોસ્પિટલમાં બતાવો, બસ સુરત લાવ્યા તો આવું થઈ ગયું,

વધુમાં જણાવ્યું હતું કે સેજલને 2017માં પહેલીવાર ખેંચ આવી હતી. ખાનગીમાં સારવાર કરાવતા સારી થઈ હતી. ત્યારબાદ આ બીજીવાર ખેંચ સાથે તાવ આવ્યો હતો. જો કે સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું. ડોક્ટરો કહે છે મૃત્યુ નું કારણ જાણવું હોય તો પોસ્ટ મોર્ટમ કરાવવું જ પડશે અમને કઈ જ ખબર નથી પડતી. હવે પોલીસ જે કરે એ જ સારું.

Most Popular

To Top