SURAT

માસ્ક નહીં પહેરવા બાબતે દંપતીએ પોલીસને આપી ધમકી

surat : શહેરના ભેસ્તાન વિસ્તારમાં સચીન જીઆઈડીસી પોલીસ સાથે માસ્ક ( mask) નહીં પહેરવા બાબતે અસભ્ય વર્તન કરનાર દંપત્તિની સામે પોલીસે ફરજમાં રૂકાવટ અને જાહેરાનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

સચીન જીઆઈડીસી પોલીસની ટીમ કોરોનાની ગાઈડલાઈન સંદર્ભે પાલન થાય છે કે નહીં તે અંગે ચેકિંગમાં હતી. ત્યારે ભેસ્તાન સુમન શક્તિ આવાસ તરફથી આવી રહેલી ઇન્ડીગો કાર (જીજે-05-સીપી-4607) ને અટકાવી હતી. કારમાં બેસેલી મહિલા અને પુરૂષ બંને જણાએ માસ્ક પહેર્યું નહોતું. પોલીસે તેમને રોકીને સાઈડ ઉપર ઉભા રાખી તેમની પાસેથી માસ્ક નહી પહેરવા બદલ હજાર રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું. મહિલાએ અમારો કોઈ ગુનો નથી અમે દંડ ભરવાના નથી તમે અમને ઓળખતા નથી તેવું કહી ગુસ્સે થઈ હતી.

મહિલાએ તમે પોલીસ બધાને લૂંટવા બેસેલા છો, જો હું ધારીશ તો તમારા પટ્ટા ટોપી ઉતારી નખાવું તેમ છું અને મીડિયા ( media) ભેગું કરી તમને બદનામ કરી નાંખીશ તેવી ધમકી આપી અસભ્ય વર્તન કર્યું હતું. પોલીસે તેમનું નામ પુછતા સુનિલભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.43, રહે.સાઈરાજ રેસીડેન્સી, જીયાવ, ભેસ્તાન) અને તેમની પત્ની તેજસ્વીની (ઉ.વ.42) હોવાનું જણાવ્યું હતું. સચીન જીઆઈડીસી પોલીસે બંનેની સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

Most Popular

To Top