Gujarat Main

નમાઝ પઢવા મામલે ગુજરાત યુનિ.માં વિદેશી સ્ટુડન્ટ્સને મારવાના મામલામાં વિદેશમાં પડઘાં પડ્યાં

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) હોસ્ટેલમાં (Hostel) નમાજ (Namaz) અદા કરવાના મામલે ગઈ 14મી માર્ચની મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ (Foreign Students) સાથે મારામારીની ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને પગલે ગામ્બિયા (Gambia) દેશનું ડેલીગેશન ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવ્યું હતું. આ ડેલીગેશને હોસ્ટેલની મુલાકાત લઈ પીડિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

  • નમાઝનો વિવાદ : ગામ્બિયા દેશના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી
  • વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાત હુજ ચાલુ
  • ડેલિગેશને પીડિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. જેના પગલે ગુજરાત પોલીસ દ્વારા તાત્કાલિક આ ઘટનામાં કાર્યવાહી હાથ ધરીને પાંચ લોકોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના બાદ ગામ્બિયા દેશનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે આવી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી તેમજ પીડિત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ વિભાગે પણ રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા અને આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ તરત જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરી રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓની બેઠક કરી સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.

શું બની હતી ઘટના?
તા. 14મી માર્ચની રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા.

Most Popular

To Top