Columns

માનવ તસ્કરી માટે ભારતના લોકોનો અમેરિકા માટેનો આંધળો મોહ જવાબદાર છે

સેંકડો ભારતીયોને નિકારાગુઆ લઈ જતું લિજેન્ડ એરલાઈન્સનું વિમાન ફ્રાન્સમાં એક સૂચનાના આધારે અટકાવવામાં આવ્યું હતું. ફ્રેન્ચ એજન્સીઓને શંકા હતી કે માનવતસ્કરી થઈ રહી છે. આ પ્લેન મંગળવારના રોજ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું, પરંતુ આ પછી માનવતસ્કરી જેવા ગંભીર ગુનાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર આને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવે છે. આ તમામ મુસાફરો દુબઈમાં એક જગ્યાએ એકઠાં થયાં હતાં. તેમાં ગુજરાતીઓ પણ હતાં. ત્યાંથી તેઓ ચાર્ટર પ્લેનમાં નિકારાગુઆ જવા નીકળ્યા હતા. આ તમામનો એક સાથે કોણે સંપર્ક કર્યો અને ટિકિટ કોણે આપી તે એજન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભારત પરત ન ફરેલાં મુસાફરો વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મેક્સિકોમાં મર્યાદિત ઈમિગ્રેશનને કારણે આ તમામ મુસાફરો અલગ અલગ માર્ગ અપનાવીને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવા માંગતાં હતાં. અગાઉ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને અમેરિકી કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટાને ટાંકીને સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ એક લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રાન્સમાં દુબઈના જે વિમાનને રોકવામાં આવ્યું હતું તે નિકારાગુઆ જઈ રહ્યું હતું. અમેરિકાએ નિકારાગુઆને એવા દેશોની શ્રેણીમાં સામેલ કર્યું છે જે માનવતસ્કરીને ખતમ કરવા માટે લઘુતમ માપદંડોને પૂર્ણ કરતા નથી. અમેરિકાએ નિકારાગુઆને છેલ્લા ટાયર ૩માં સ્થાન આપ્યું છે જ્યારે ભારત તે દેશોમાં ટાયર ૨ના સ્થાન પર છે.

માનવતસ્કરીના દલાલો પીડિતોને ઓછા પગારવાળી નોકરીમાં રાખે છે અને લોન લેવા માટે તેમના પર દબાણ પણ કરે છે. તેઓ પીડિતોને મોટી રકમની એડવાન્સ આપવાનું વચન પણ આપે છે અને અતિશય ઊંચા વ્યાજદરો ઉમેરીને તેમનું શોષણ કરે છે. આવાસ અને આરોગ્ય સુવિધાઓના નામે તેમનો પગાર પણ કાપવામાં આવે છે. ભારતથી વિદેશોમાં ગયેલા ઓછામાં ઓછા ૮૦ લાખ લોકો તસ્કરીનો શિકાર બનેલા છે, જેમાંથી મોટા ભાગના વેઠિયા મજૂરો બન્યા છે.

તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ ઈમિગ્રેશનના મુદ્દા પર બનાવવામાં આવી છે. ડંકી એ પંજાબી રૂઢિપ્રયોગ પરથી ઊતરી આવેલ શબ્દ છે, જેનો અર્થ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે લોકોને જુદા જુદા દેશોમાં રોકીને ગેરકાયદેસર રીતે બીજા દેશમાં મોકલવામાં આવે છે, ત્યારે તેને ડંકીનો માર્ગ કહેવામાં આવે છે. પંજાબીમાં ડંકી શબ્દનો અર્થ થાય છે કૂદીને ગેરકાયદેસર રીતે કોઈ જગ્યાએ જવું. અમેરિકા, કેનેડા અને કેટલાક યુરોપિયન દેશો સુધી પહોંચવાનો આ એક ખતરનાક રસ્તો છે, જેને ગેરકાયદેસર ઇમિગ્રેશન પણ કહેવામાં આવે છે. આ ગેરકાયદેસર માર્ગો દ્વારા લોકોને કેનેડા, અમેરિકા કે યુરોપ મોકલવામાં આવે છે. અમેરિકામાં આશ્રય શોધનારાઓ માટે નિકારાગુઆ એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. એટલા માટે લોકો આ પ્લેન માટે ડંકી ફ્લાઇટ નામનો ઉપયોગ કરી રહ્યા છે. શું આ લોકો ખરેખર માનવતસ્કરીનો શિકાર બન્યા છે?

યુએન ચાર્ટરમાં એક કન્વેન્શન એક્ટ છે, જેમાં ૧૬૬ દેશો સામેલ છે. જો આ દેશોને માનવતસ્કરી, બાળતસ્કરી અથવા ડ્રગ્સની હેરાફેરી સંબંધિત કોઈ માહિતી મળે છે, તો સંબંધિત દેશ ભાગીદાર દેશ સાથે માહિતી શેર કરે છે. તે વિશે સંબંધિત દેશના અધિકારીઓને તપાસ કરવાનો સંપૂર્ણ અધિકાર હોય છે. જ્યાં સુધી અધિકારીઓ તપાસથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તપાસ ચાલુ રહે છે. સામાન્ય રીતે ભારતમાંથી ઘણાં લોકો ગેરકાયદેસર રીતે કેનેડા અને અમેરિકા જાય છે. કારણ એ છે કે જ્યારે આ લોકો નોકરી માટે અરજી કરે છે ત્યારે તેમની પાસે શૈક્ષણિક લાયકાતનો અભાવ હોય છે. આવી સ્થિતિમાં આ લોકો એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં જાય છે. આ પહેલો કેસ છે જાણવા મળ્યો છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો પકડાયા હોય.

પંજાબ, હરિયાણા અને બિહારનાં યુવાનોમાં બહાર જવાનો ક્રેઝ વધુ છે, કારણ કે ત્યાં નોકરીઓની અછત છે. આથી લોકો પોતાની જમીન વેચીને વિદેશ જવા માગે છે. જ્યારે કોઈ વ્યક્તિ એક દેશથી બીજા દેશમાં ગેરકાયદેસર રીતે જવા માંગે છે ત્યારે ડંકી રૂટ વપરાય છે. આ માર્ગ દ્વારા લોકો સામાન્ય રીતે ફ્રાન્સ પછી યુરોપ અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં જાય છે. જ્યાં તેઓ જે તે દેશના એજન્ટનો સંપર્ક કરે છે. એજન્ટનું કામ ગેરકાયદેસર રીતે સંબંધિત વ્યક્તિને તેના દેશની સરહદ પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું હોય છે. આમાં જીવને પણ ખતરો છે. પછી જ્યારે લોકો પકડાય છે, ત્યારે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. એવું પણ ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો મેજિસ્ટ્રેટ સમક્ષ ખોટું બોલે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો પોતાના દેશમાં પરેશાન હોય છે, તેથી તેઓ તેમને દેશમાં આશ્રય આપવાની માંગણી કરે છે.

ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પરની એક પોસ્ટમાં ભારતીય મુસાફરોને ઘરે પાછા ફરવાની અને પરિસ્થિતિના તાત્કાલિક નિરાકરણની મંજૂરી આપવા બદલ ફ્રેન્ચ સરકાર અને વત્રી એરપોર્ટનો આભાર માન્યો હતો. ફ્રાન્સથી મુંબઈ પરત ફરી રહેલી ફ્લાઈટ પર કેન્દ્રીય એજન્સીઓ નજર રાખી રહી છે. તમામ મુસાફરોનાં ઓળખપત્રો તપાસવામાં આવ્યાં હતાં અને તેમનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. ઇમિગ્રેશન પાસ, પાસપોર્ટ, ભારતીય ઓળખપત્ર, ભારતીય સરનામું, તેઓ મધ્ય અમેરિકામાં જ્યાં પણ જઈ રહ્યા છે તેનું સરનામું, ફ્લાઇટ ટિકિટ, દુબઈનો રૂટ અને માહિતી રેકોર્ડ કર્યા પછી જ તપાસ એજન્સીઓએ મુસાફરોને મુંબઈ જવાની મંજૂરી આપી હતી. ફરી સંપર્ક કરવામાં આવે ત્યારે તમામ મુસાફરોને હાજર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

તમામ મુસાફરો દુબઈમાં એક જગ્યાએ એકઠાં થયાં હતાં અને નિકારાગુઆ જવા માટે ચાર્ટર પ્લેનમાં એકસાથે રવાના થયાં હતાં. જે યાત્રીઓ ભારત પરત ફર્યા નથી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મેક્સિકોમાં મર્યાદિત ઈમિગ્રેશનને કારણે આ તમામ મુસાફરો અલગ અલગ રૂટ અપનાવીને તેમના ગંતવ્યસ્થાને પહોંચવા માંગતા હતા. જો કેન્દ્રીય એજન્સીઓ આ મામલે કેસ નોંધે તો તમામ પરત ફરેલાં મુસાફરો, જેઓ હાલમાં પીડિત છે, તેઓ આ કેસમાં સાક્ષી બનશે. જો નકલી ઓળખપત્રો મળી આવશે, તો તેમને બનાવનારા એજન્ટોની માહિતીની તપાસ કરવામાં આવશે. આ તમામ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નોંધવામાં આવશે.

ઝડપથી પૈસાદાર બનવા માટે અમેરિકા જવાનો ગુજરાતીઓનો ક્રેઝ પણ જાણીતો છે. કેનેડાની સરહદેથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરનારામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં હોય છે. થોડા સમય પહેલાં કેનેડાની સરહદે એક ગુજરાતી પરિવાર ઠંડીમાં ઠૂંઠવાઈને મરી ગયો તેની કાળજું કંપાવનારી વિગતો બહાર આવી હતી. ગુજરાત CID ક્રાઈમના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દુબઈથી ફ્રાન્સ પહોંચી ગયેલી ફ્લાઈટમાં ગુજરાતનાં ૨૧ મુસાફરોનાં નામો પણ બહાર આવ્યાં છે, જેઓ પાટણ, બનાસકાંઠા અને આણંદ જિલ્લાનાં છે.

જેમાં કેટલાંક મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનાં હોવાનું પણ કહેવાય છે. તેમનાં નામ સામે આવતા ગુજરાતના CID ક્રાઈમે તેમના પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ માટે ચાર નાયબ અધિક્ષક અને ૧૬ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો તેમના પરિવાર સાથે વાત કરી રહી છે. પોલીસ પરત ફરતાં મુસાફરોને પણ મળશે અને તેમનાં નિવેદનો નોંધશે. જ્યાં સુધી ભારતનાં લોકોને અમેરિકાના મોહમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી માનવતસ્કરી ચાલુ જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top