Columns

સૌથી મોટું દુઃખ

એક દિવસ દીકરી પ્રિયાએ પોતાના સાસરેથી પિયરે આવીને પોક મૂકી.ઘરનાં બધાં ચિંતામાં પડી ગયાં.ઘણી વાર સુધી મમ્મી,પપ્પા અને ભાઈએ પૂછ્યું કે શું થયું કેમ રડે છે?  પ્રિયા રડતી જ રહી અને પછી રડવાનું ધીમે ધીમે ઓછું થયું અને મનનો આક્રોશ બહાર આવવાનું શરૂ થયું. ‘મારી બધી  ફ્રેન્ડસ ફોરેન વેકેશન પર જવાની છે અને અમે કેરેલા જવાનાં છીએ.’— મારી બધી ફ્રેન્ડસને તેમના પતિ પર્સનલ કાર ગીફ્ટમાં આપે છે અને મને રીતેશ બાઈક પર લેવા મૂકવા આવે છે.’—- ‘બધા પાસે ક્રેડીટ કાર્ડ છે બસ મારી પાસે જ ડેબીટ કાર્ડ છે.’—- ‘મારી નણંદે મોટો બંગલો લીધો અને અમે ત્રણ બેડરૂમના ફ્લેટમાં જ રહીએ છીએ.’— ‘

વર્ષમાં એક વાર જ રીતેશ મને કોઈ એક દાગીનો અપાવે છે.’……આવી ફરિયાદ ન લાગે તેવી ઘણી ઘણી ફરિયાદ પ્રિયાએ કરી અને આગળ બોલી. ‘ આવા જીવનથી હું તો કંટાળી ગઈ છું. મને લાગે છે કે બધાને મનગમતું –ઘણું ઘણું મળ્યું છે અને મને જ ઓછું મળ્યું છે.મારે જ ચલાવી લેવું પડે છે.પપ્પા તમે બરાબર સાસરું શોધ્યું નહિ. મારા માટે રીતેશ સારો છે પણ મને જે જોઈએ છે તે બધું જ અપાવી શકતો નથી.’

ક્યારના પ્રિયાની બાલિશ વાતો સાંભળી રહેલા પપ્પા હવે ગુસ્સે થવાની તૈયારીમાં જ હતા પણ ભાભી રીનાએ તેમને ઇશારાથી શાંત રહેવા કહ્યું.મમ્મીને પણ પ્રિયાની ફરિયાદો નકામી લાગતી હતી, પણ તેઓ દીકરીનો પક્ષ લઇ રહ્યાં હતાં અને બોલ્યાં, ‘એમ રડ નહિ પ્રિયા , ઓછું ન લાવ, તને શું જોઈએ છે, બોલ ભાઈ જે જોઈએ તે અપાવી દેશે.’ ભાઈ કંઈ બોલ્યો નહિ, ભાભી રીનાએ કહ્યું, ‘પ્રિયાબહેન, તમને જે જોઈએ તે અમે આપીશું પણ પછી તમને તે ઓછું તો નહિ લાગે ને?’ ભાભીનો આ સવાલ પ્રિયાને ગમ્યો નહિ. તે ગુસ્સે થઇ ગઈ.

હવે પપ્પા ચૂપ ન રહી શક્યા. તેમણે કહ્યું, ‘તને ખબર છે પ્રિયા, તને સૌથી મોટું દુઃખ છે અને તારું એ દુઃખ કોઈ દૂર કરી શકે તેમ નથી. રીના વહુએ બરાબર જ સવાલ કર્યો છે, કારણ તારું દુઃખ એ નથી કે તને ઓછું મળ્યું છે.તું ઘણી ઘણી સુખી છે.નાનો પરિવાર છે ,પ્રેમાળ પતિ છે ,સાસરાવાળા સારા છે ,ઘર છે ,ગાડી છે ,બાઈક છે ,તમે બંને કમાવ છો ,બચત કરો છો ,વેકેશન પર ફરવા જાવ છો ,તું દર વર્ષે નવા દાગીના લે છે , કપડાંની તો કોઈ કમી નથી.આમ તું ઘણી સુખી છે, પણ અફસોસ કે તને જે મળ્યું છે તે તને ઓછું લાગી રહ્યું છે અને એ જ તારું સૌથી મોટું દુઃખ છે અને આ દુઃખ કોઈ દૂર કરી શકે તેમ નથી સમજી.’ પપ્પાની ચાબખા જેવી વાત સાંભળી પ્રિયા ચૂપ થઈ ગઈ.   
 -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top