Madhya Gujarat

આણંદ પાલિકાના બાકિદારોના નળ-ગટર જોડાણ કપાશે

આણંદ : આણંદ જિલ્લાની 11 નગરપાલિકાની બાકી કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિલકત વેરા સહિત બાકિદારોનો પ્રશ્ન ઉઠ્યો હતો. પ્રાદેશિક કમિશનરે બાકિદારો સામે કડક પગલાં ભરવા આદેશ કર્યો હતો.
આણંદ જિલ્લાની આણંદ, વિદ્યાનગર, કરમસદ બોરિયાવી, બોરસદ, ઓડ, ઉમરેઠ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા અને ખંભાત મળી કુલ 11 નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન પ્રાદેશિક કમિશનર પાલિકા વડોદરા ઝોન પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રાદેશિક કમિશનર પ્રશસ્તિ પારીક દ્વારા મિલકત વેરાની વસુલાત માટે ઘનિષ્ઠ ઝુંબેશ ચલાવવા અને મોટા બાકીદારો જો મિલકત વેરો સમયસર ન ભરે તો તેઓની સામે નળ જોડાણ, ગટર જોડાણ કાપવા જેવા સખતાઇના પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જીયુડીસી દ્વારા અમલીકરણ થઇ રહેલા પ્રોજેક્ટ જેવા કે રેલવે ઓવરબ્રિજ, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, સિવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વગેરેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી તથા આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા માર્ગ અને મકાન વિભાગ, વીજ કંપની, સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ, ડીઆઈએલઆર કચેરીના અધિકારીને આ પ્રોજેક્ટની તેઓના હસ્તકની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.

ફ્લેગશીપ કાર્યક્રમો હેઠળના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરો
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક કમિશનર દ્વારા સરકારના વિવિધ ફ્લેગશીપ કાર્યક્રમો જેવા કે નલ સે જલ, પીએમ સ્વાનિધી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત – 2.0 અને સ્વચ્છ ભારત મિશનથી વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી તથા આ ફ્લેગશીપ કાર્યક્રમો હેઠળના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પાલિકાના પદાધિકારીઓ તથા ચીફ ઓફિસરને સુચના આપવામાં આવી હતી. જાે કે આ સુચનાનાે કેટલાે અમલ થશે. તે આગામી સમયમાં ખ્યાલ આવશે. બાકી “શેઠની શીખામણ જાંપા સુધી” તેવાે ઘાટ જાેવા મળશે.

Most Popular

To Top