Charchapatra

કટકી કરવાની કળા

હું પણ મૂળ તો સૌરાષ્ટ્રનો આમ છતાં છ દાયકા અહીં થઈ જતાં સુરતીનું લેબલ લાગી જાય એ શકય છે.ભણવામાં ગુજરાતીના પેપરમાં પ્રાથમિક ધોરણમાં સમાનાર્થી શબ્દ જણાવો .એમ એક પ્રશ્ન પૂછાતો જેમ કે ભાઈ એટલે બંધુ,સહોદર વગેરે.મારા એક મિત્ર રાજકોટ વાસી મને મળ્યા ત્યારે બોલ્યા કે અમારા રાજકોટમાં સુરત કરતાં ઓછી કટકી ખવાય છે.એટલે હું સમજયો કે સોપારી કે પાનબીડું કે માવાની પડીકી ખાવાની વાત હશે.પણ પછી ખબર પડી કે કટકીનાં સમાનાર્થી શબ્દ એટલે ‘વજન મૂકવું ‘તોડ કરવો,લાંચ આપવી, વહેવાર કરવો…વગેરે વગેરે.કોઈ વાર સરકારી ઓફિસમાં ધકકા ખાવાથી કામ ન બને ત્યારે કટકી કરો તો તરત થઇ જાય છે.

જો કે મારૂં કટકી ચિંતન કહે છે કે આમ કહેવામાં સરકારી બાબુઓનું ઘોર અપમાન અને અન્યાય છે.આવા તો ગણ્યા ગણાય નહિ એટલા બધા બીજા ક્ષેત્રો છે કે જેમાં અટકેલાં,ટલ્લે ચડેલાં, અટવાયેલાં કામો કટકી દેવીને શરણે જતાં તુરંત થઇ જાય છે.આમાનાં સાવ થોડાં ઉદાહરણ વાચકોની સેવામાં સમર્પિત છે. હા, કટકી આપવી કે કટકી લેવી એમાં પણ આવડત અને એક પ્રકારની કળા સમાયેલી છે.એટલે આ કળાનાં કસબીઓ પાસેથી તાલીમ લઈ કટકીનાં ક્ષેત્રમા આગળ વધી શકાય છે.માર્કસ કે મેરીટ ઓછાં પડે છે? તો એડમિશન માટે શાળાના ટ્રસ્ટીને મળો, કટકી કરો.

પ્રેમિકા બહુ પ્રેમ નથી કરતી ?તો મલ્ટીપ્લેકસ કે સારી હોટલમાં જઈ કટકી કરો.ટ્રેનમાં રિઝર્વેશન નથી કે વેઈટીંગ છે? મળો ટી સી ને કટકી કરો.સામી ચૂંટણીએ પોલ કે કૌભાંડ ખુલવાની બીક છે? તો વિપક્ષની છાવણીમાં પાછલે બારણેથી કટકી કરો.એક વાર ઠાકોરજીના દર્શનમા ગેલેરીમા હું પહેલો હતો ને બીજા ચારેક ભકતો હતા બધાના હાથમાં એકસરખી ફૂલછાબ હતી.આમ છતાં મને બાજુએ કરી બીજા ભક્તની ફૂલછાબ મુખિયાજીએ પહેલાં લીધી.એટલે હું ખાસ્સો અકળાયો.મેં પૂછ્યું કે હું પહેલો હોવા છતાં મારી છાબ પછી કેમ સ્વીકારી? તો મુખિયાજીએ સહેજ હસતાં મને કહ્યું,’ સાહેબ , ફૂલછાબ તો સરખી હતી ,પણ ફૂલમાળા નીચે એક નાનું કવર પણ હતું !!!’
સુરત     -પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top