Entertainment

ફિલ્મ ‘બ્લર’થી તાપસી પન્નુનું ભવિષ્ય ધૂંધળું બન્યું?

તાપસી પન્નુએ એક અભિનેત્રી તરીકે સારી ફિલ્મો કર્યા બાદ સ્પેનિશ ફિલ્મ ‘જુલિયાઝ આઇઝ’ ની હિન્દી રીમેક ‘બ્લર’ થી નિર્માત્રી તરીકે શરૂઆત કરી છે ત્યારે એમાં એનું ભવિષ્ય ઉજળું દેખાતું નથી. તાપસીની અગાઉની ફિલ્મ ‘દોબારા’ ની પ્રેરણા સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ માંથી લેવામાં આવી હતી. તાપસી ભલે અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની કોશિશ કરી રહી છે પરંતુ ફિલ્મોમાં તે ‘તાપસી’ જ દેખાય છે. જો કે, તાપસીએ હમણાં એક મુલાકાતમાં કહ્યું છે કે મારી પાસે એવી ફિલ્મો આવે છે જે કોઇ કરી શકે એમ હોતું નથી. મેં ‘બ્લર’ માં આંખ પર ખરેખર પટ્ટી બાંધીને કામ કર્યું હતું. ‘બ્લર’ માં તે ડબલ રોલમાં છે અને અંધ છોકરી તરીકે મહેનત કરી છે.

તેમ છતાં એમાં કોઇ નવીનતા આપી શકી નથી. છેલ્લી કેટલીક ફિલ્મો ‘લૂપલપેટા’, ‘શાબાશ મિઠ્ઠુ’ વગેરેની યાદી પરથી કોઇ પણ કહેશે કે તેની મહેનત વ્યર્થ જ જઇ રહી છે. નિર્દેશક અજય બહલની ‘બ્લર’ એનું વધુ એક ઉદાહરણ છે. તેનો અભિનય હવે ઘણા દ્રશ્યોમાં બનાવટી લાગે છે. ‘બ્લર’ માં તેનો અભિનય ઠીક જ કહી શકાય એમ છે. તાપસીએ હવે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ફિલ્મો કરવાની જરૂર છે. સતત તણાવમાં રહેતા પાત્રની ભૂમિકાઓ તે ઘણા સમયથી કરી રહી છે. ફિલ્મ OTT પર રજૂ થઇ હોવા છતાં પણ જોવાનો કંટાળો આવે એવી બની છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર સાયકોલૉજિકલ થ્રીલરની માંગ રહે છે પણ ‘બ્લર’ જેવી નબળી પટકથાવાળી ફિલ્મના કેટલાક ભાગને ફાસ્ટ ફોરવર્ડ કરવો પડે એ નિરાશાજનક બાબત છે. તાપસી સ્પેનિશ ફિલ્મ ‘જુલિયાઝ આઇઝ’ થી એટલી પ્રભાવિત થઇ હતી કે જાતે જ નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. એનું ભારતીયકરણ કરી શકી નથી. સ્પેનના વાતાવરણથી લઇ બીજી અનેક બાબતોમાં ફેરફાર કરવાનું એને સૂઝ્યું નથી. નકલ કરવામાં ખરેખર અક્કલ વાપરવામાં આવી નથી. ક્યારેક એક દ્રશ્યનું બીજા દ્રશ્ય સાથે જોડાણ શોધવાનું મુશ્કેલ બને છે.

રહસ્ય અને રોમાંચ ઊભો કરે એવું બેકગ્રાઉન્ડ સંગીત નથી. તાપસીએ બે જોડિયા બહેનોની ભૂમિકા ભજવી છે. એમાં લૉજિક શોધવાનું મુશ્કેલ છે. ગાયત્રીની જેમ જ ગૌતમી પણ કેમ અંધ બની જાય છે? ગૌતમીને દેખાતું ન હતું તો એ એકલી કેમ રહેતી હતી? એનું કોઇ તાર્કિક કારણ નથી. ફિલ્મની વાર્તા 3-4 પાત્રોની આસપાસ ફરતી રહેતી હોવાથી હત્યા કરનાર વિશે અનુમાન લગાવવાનું સરળ રહે છે. એક યુવતી અંધ બન્યા પછી કેવી રીતે પોતાની બહેનના મોતનો બદલે લે છે એ એકમાત્ર આ ફિલ્મની વિશેષતા છે.

તાપસીની ‘બ્લર’ ની જેમ જ કાજોલની ‘સલામ વેન્કી’ ની વાર્તા ગુંચવાડો ઊભો કરે એવી અને દર્શકને સતત તણાવમાં રાખે એવી હોવાથી ખાસ પસંદ કરવામાં આવી નથી. શ્રીકાંત મૂર્તિના પુસ્તક ‘ધ લાસ્ટ હુર્રાહ’ પરથી લેખકોએ ફિલ્મને અનુરૂપ સ્ક્રીપ્ટ લખી નથી. ઘણી બાબતો બોલીને દર્શકોને સમજાવવી પડે એવી સ્થિતિ છે. જેનો ઇલાજ નથી એવી બીમારી વિશે વાત કરવા માટે શરૂઆતમાં જ બધું જાહેર કરી દેવું પડ્યું છે. તેથી સસ્પેન્સ જેવું કંઇ રહેતું નથી. ફિલ્મને વીકએન્ડમાં રૂ. 2 કરોડ મળી શક્યા છે.

અભિનેત્રી રેવતીએ 14 વર્ષ પછી નિર્દેશનમાં એક ઇમોશનલ ફિલ્મ સાથે પુનરાગમન કર્યું છે. કાજોલ એક મા તરીકેની ભૂમિકાને ન્યાય આપી જાય છે. તે આવી જ ભૂમિકાઓમાં વધુ જોવા મળી રહી છે. હવે કંઇક નવું કરવાની જરૂર છે. નવાઇની વાત એ છે કે ફિલ્મના પ્રચાર વખતે કાજોલે પતિ અજય દેવગન સાથે તેની શાહરૂખ ખાન સાથેની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના દ્રશ્યો રજૂ કરી લોકપ્રિયતાને વટાવવી પડે છે. અને આમિરને મહેમાન ભૂમિકામાં ચમકાવવો પડે છે. દર્શકોએ કાજોલ કરતાં અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ ને ચોથા સપ્તાહમાં પણ પસંદ કરી છે અને વીકએન્ડમાં રૂ.13 કરોડ કમાઇ આપ્યા છે.

‘સલામ વેન્કી’ માં કાજોલના પુત્રની ભૂમિકામાં વિશાલ જેઠવાએ પ્રભાવિત કર્યા છે. એક લાઇલાજ બીમારીના શિકાર યુવાનની ભૂમિકાને તેણે સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે. નાના પડદે ‘કૃષ્ણ’ કે મોટા પડદે ‘મર્દાની 2’ માં વિલનના રૂપમાં આવી ચૂકેલા વિશાલ માટે આ ભૂમિકા પડકારરૂપ હતી. કાજોલના પહેલા હીરો કમલ સદાનાની પણ એક ભૂમિકા છે. રાજીવ ખંડેલવાલ, રાહુલ બોઝ વગેરે પોતાની ભૂમિકાને બસ ભજવી જાય છે. ફિલ્મનો વિષય ‘જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ’ જેવો હોવાથી એમાં રોમાન્સ અને કોમેડી માટે સ્થાન બની શક્યું નથી. તેથી માત્ર મનોરંજનની અપેક્ષા રાખનારા નિરાશ થાય છે.

Most Popular

To Top