Sports

T-20 રેન્કિંગ : સૂર્યકુમારે પ્રથમ સ્થાને મજબૂતાઇ મેળવી

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા આજે બુધવારે જાહેર કરવામાં આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતના (India) ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના રેન્કિંગ પોઇન્ટમાં (Rainking Point) નજીવો વધારો કરીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું, જ્યારે યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહે બોલિંગ રેન્કિંગમાં મોટો કુદકો મારીને કેરિયર બેસ્ટ 23માં સ્થાને પહોંચી ગયો હતો.

સૂર્યકુમાર યાદવા હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં પાંચ મેચમાં 200ની સ્ટ્રાઇક રેટ સાથે 225 રન બનાવી ચૂક્યો છે અને તેણે પોતાના કેરિયરના સર્વોચ્ચ 869 રેટિંગ પોઇન્ટ મેળવ્યા છે. સૂર્યા બીજા ક્રમાંકે બેઠેલા પાકિસ્તાનના મહંમદ રિઝવાન પર 39 પોઇન્ટ, ત્રીજા સ્થાને બેઠેલા ડેવોન કોન્વે પર 90 પોઇન્ટ અને બાબર આઝમ પર 97 પોઇન્ટની સરસાઇ ધરાવે છે.

શ્રીલંકાના વનિન્દુ હસરંગા રાશિદ ખાનને હડસેલીને નંબર વન બોલર બન્યો
શ્રીલંકન લેગ સ્પિનર ​​વનિન્દુ હસરંગા ટી-20 રેન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. ટી-20 વર્લ્ડ કપમાં હસરંગાએ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતાં તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. હસરંગા અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ હડસેલીને નંબર વન બોલર બન્યો છે. રેન્કિંગમાં હસરંગાના હવે 704 પોઈન્ટ છે. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર ​​રાશિદ 698 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયાના જોસ હેઝલવુડ ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકાના તબરેઝ શમ્સી ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા પાંચમા સ્થાને છે. ટોપ ટેનમાં એકપણ ભારતીય બોલર સામેલ નથી.

ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને પહોંચ્યો
આઇસીસી ટી-20 ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ભારતનો હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 252 રેટિંગ્સ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાનનો કેપ્ટન મંહમદ નબી 233 રેટીંગ્સ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને પહોંચેલા હાર્દિક પંડ્યાના 187 પોઇન્ટ છે. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સીન વિલિયમ્સે પણ 163 પોઇન્ટ સાથે આશ્ચર્યજનક રીતે ટોપ ટેનમાં 9માં ક્રમે પોતાની એન્ટ્રી કરી છે. ટોપ ટેનની બહાર પાકિસ્તાની સ્પીનર શાદાબ ખાન 10 ક્રમની છલાંગ લગાવીને 15માં સ્થાને છે.

Most Popular

To Top