SURAT

‘જોખમ’ સાથે રિક્ષામાં બેસવાનું મહીધરપુરાના હીરાના વેપારીને ભારે પડ્યું!

સુરત (Surat): સુરતના મહીધરપુરાના (Mahidharpura) હીરાના વેપારીને (Diamond Trader) 1 કિલોમીટરથી ઓછા અંતરની રિક્ષાની (Auto) મુસાફરી ખૂબ મોંઘી પડી હતી. આટલા ઓછા અંતરની મુસાફરી વેપારીને રૂપિયા 3.50 લાખમાં પડી હતી. બન્યું એવું કે, હીરાનો વેપારી પર્સમાં 3.50 લાખની કિંમતના હીરાના પડીકા લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રિક્ષાચાલક ટોળકીએ પર્સ ચોરી (Purse Theft) લીધું હતું. પર્સની સાથે વેપારીએ 3.50 લાખની કિંમતના હીરા પણ ગુમાવ્યા હતા. વેપારીએ ફરિયાદ (Complaint) આપતા રાંદેર પોલીસે (Police) ગુનો નોંધી તપાસ (Inquiry) કાર્યવાહી શરૂ કરી છે.

  • રિક્ષાચાલક ટોળકીએ મહીધરપુરાના હીરાના વેપારીના 3.50 લાખની કિંમતના હીરા ચોર્યા
  • મહીધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી ધવલ સોની ઘરે હીરા લઈ જતા હતા
  • હીરાના વેપારી ધવલ સોનીએ ફરિયાદ આપતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી

પાલનપુર ગામની સ્મિત રેસીડેન્સીમાં રહેતા ધવલ મહેન્દ્ર સોનીએ રાંદેર પોલીસને અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ આપી છે. ધવલ સોનીએ પોલીસને આપેલી ફરિયાદ અનુસાર ધવલ સોની ભાગીદાર રમેશ બારૈયા સાથે મહીધરપુરાના જદાખાડીની શ્રી હરિ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ ધરાવે છે. ગઈ તા. 15મી જુલાઈના રોજ સાંજે 7.45 કલાકે ધવલ ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની પાસે 234.71 કેરેટ વજનના 21 નંગ હીરાનું પડીકું હતું. જેની અંદાજિત કિંમત 3.50 લાખ હતી

ધવલ મહીધરપુરાથી ઋષભ પેટ્રોલપંપ સુધી મિત્ર સાથે બાઈક પર ગયો હતો ત્યાર બાદ તે પાલનપુર જકાતનાકા જવા રિક્ષામાં બેઠો હતો. ધવલ જે રિક્ષામાં બેઠો હતો તેમાં પહેલાંથી જ એક મહિલા અને બે પુરુષો બેઠાં હતાં. છતાં રિક્ષાચાલકે આગળના ટાયરમાં ઓછી હવા હોવાનું બહાનું કાઢી ધવલને પાછળ બેસવા કહ્યું હતું. જેથી ધવલ સોની પાછળ બેઠો હતો ત્યારે સાથી મુસાફરોએ ફાવતું નથી આગળ-પાછળ બેસો એમ કહી ત્રણથી ચાર વાર ખસવા કહ્યું હતું. દરમિયાન શેલ્બી હોસ્પિટલ પાસે રિક્ષા પહોંચી ત્યારે રિક્ષાચાલકે ફાવતું નહીં હોય તો ઉતરી જાવ એમ કહી ઉતારી દીધા હતા. રિક્ષાચાલકે ભાડુ જોઈતું નથી એમ કહી રિક્ષા ભગાવી મુકી હતી, ત્યાર બાદ પેન્ટના ગજવામાં ચેક કરતા પર્સ ચોરાઈ ગયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી બીજી રિક્ષામાં ચોરોનો પીછો કર્યો હતો પરંતુ તે પકડાયા નહોતા. રિક્ષાચાલક ટોળકીએ 1 કિલોમીટરથી ઓછા અંતરમાં ધવલ સોનીનું પર્સ ચોરી લીધું હતું. આ અંગે 22 દિવસ બાદ ધવલ સોનીએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top