SURAT

સુરતના ચૌટા બજારમાં દોરડા વડે દુકાનમાં ઉતરી ફિલ્મી ઢબે ચોરી કરતી જોધપુરની 007 ગેંગ પકડાઈ

સુરતના (Surat) ચૌટાબજારની દુકાનમાંથી લાખોની ચોરી (Theft) કરનાર જોધપુરની ગેંગ (Gang) ઝડપાઈ છે. હોલિવૂડ મુવીના હીરો જેમ્સ બોન્ડના 007 નંબરની જેમ 007થી ગેંગ ચલાવતા લોકોને સુરત ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch) ટીમે પકડી પાડ્યા છે. થોડા દિવસ પહેલા સુરતના ચૌટા બજારમાં સાડી તથા ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી થયું હતું. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં દુકાનના કર્મચારી સહીત 4 ઈસમોની ધરપકડ કરી છે.

ગેંગના મુખ્ય સૂત્રધારોને દુકાનમાં ચોરી કરવા માટે દુકાનના કર્મચારીઓએ જ મદદ કરી હતી. દુકાન બંધ થાય તે પહેલા સેલ્સમેન તરીકે કામ કરતા પ્રવીણ પુરી ગોસ્વામી એ ધાબા પર લોખંડની ગ્રિલ સાથે દોરડું બાંધીને નીચે લટકાવી રાખ્યું હતું. રાત્રે માર્કેટ બંધ થયા બાદ તસ્કરો આ દોરડા મારફતે દુકાનની છત ઉપર ચડી ગયા હતા અને ત્યાંથી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.

સુરતના ચૌટાબજારમાં મહાવીર ફેર પ્રાઈસ ક્લોથ શોપ નામની સાડી તથા ડ્રેસ મટીરીયલસની દુકાનમાં 18 જાન્યુઆરીના રોજ ચોરોએ ફિલ્મી ઢબે ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો દુકાનની લોખંડની ગ્રિલ સાથે દોરડું બાંધી ધાબા પર ચઢ્યા હતા. તસ્કરોએ લોખંડની ગ્રિલ અને લાકડાના દરવાજાનો લોક તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી ગયા હતા. દુકાન માલિક પ્રકાશભાઈ મેરઠવાલાની ફરિયાદના આધારે અઠવા પોલીસે તપાસ શરૂ કરી હતી. મળેલ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. અહીં પ્રયાગ સિહ જોધાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમ્યાન અન્ય આરોપીઓ પર ચોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંથી એક પ્રવીણપૂરી ગૌસ્વામી દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો જ્યારે અનુપસિહ રાજપૂત ચૌટામાં ચાની દુકાન ચલાવતો હતો.

જોધપુર 007 ગેંગના બે મુખ્ય સાગરીતોને રાજસ્થાનથી ઝડપી પાડ્યા બાદ તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દુકાનમાં ચોરી કરવા પહેલા ગુલાબસિંગ અને મોહિતકુમાર શ્રીકિશને સરથાણા વિસ્તારમાંથી એક બાઈકની ચોરી કરી હતી અને આ બાઈક પર ચૌટાબજારમાં રેકી કરી હતી. રેકી કર્યા બાદ ચાની દુકાન ચલાવતા અનુપસિંહને રૂપિયાની લાલચ આપી મહાવીર ફેર દુકાનમાં રહેતી રકમ અંગેની માહિતી મેળવી હતી. માહિતી મેળવ્યા બાદ 007 ગેંગના સાગરીતો પૈકી દલપત પટેલ તેમજ મોહિતકુમારે દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.

Most Popular

To Top