SURAT

સુરત : નવી સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત

સુરત : નવી સિવિલ હોસ્પિટલના વહીવટકર્તા અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે બે દિવસથી ચોથા વર્ગના કર્મચારીઓએ પોતાની મહેનતનું વળતર મેળવવા માટે હડતાળ ઉપર ઉતરવું પડ્યું છે. બે મહિના બાદ પગાર મળ્યો પરંતુ તેમાં પણ 2 હજાર કપાઇને આવતા કર્મચારીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો. અને કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી હતી, જેના કારણે સમગ્ર હોસ્પિટલની સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. કર્મચારીઓને બે હજાર પગાર કેવી રીતે ઓછો આવ્યો..? તેને લઇને સિવિલ હોસ્પિટલનું તંત્ર અને કોન્ટ્રાક્ટર આંકડા મેળવવા મંડાઇ પડ્યા છે. આ મડાગાંઠનું હજુ પણ નિરાકરણ આવ્યું નથી અને કર્મચારીઓ પોતાના નિર્ણય ઉપર મક્કમ રહીને આવતીકાલે પણ હડતાળ શરૂ જ રાખશે તેવું જણાવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના આશરે 400 થી વધુ કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી. હોસ્પિટલમાં પગારનો મુદ્દો હવે વિવાદનું ઘર બની ગયુ છે. બે ટકનું કમાઇને બે ટકનું ખાતા મજૂર પરિવારના સફાઇ કામદારોનો પગાર નહીં થતા તેઓ અકળાયા હતા. બુધવારે સફાઇ કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી અને પગારની માંગણી કરી હતી. બપોરના સમયે જ તેઓના ખાતામાં પગાર આવી ગયો હતો. પરંતુ તમામ કર્મચારીઓના ખાતામાં 2000 જેટલો પગાર ઓછો આવ્યો હતો.

જેને લઇને કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે વધારે ઘર્ષણ થયુ હતુ. બાકી પગાર આપવાને લઇને કર્મચારીઓએ હડતાળ પાડી દીધી હતી. ગુરૂવારે પણ આ હડતાળ યથાવત રહી હતી, આ મુદ્દે સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે, તેઓનો બાકી પગાર પણ ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હડતાળ યથાવત જ રહેશે. કર્મચારીઓની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલની સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી પરંતુ તંત્રના પેટનું પાણી હલતુ નથી. વિશ્વા એન્ટરપ્રાઇજના કોન્ટ્રાક્ટર અને સિવિલ હોસ્પિટલના વહીવટકર્તા અધિકારીઓ સવારથી સાંજ સુધી આંકડાઓનું બેલેન્સ કરવામાં લાગી પડ્યા હતા. કર્મચારીઓને બે હજાર પગાર કેવી રીતે ઓછો મળ્યો છે તેને લઇને દિવસ દરમિયાન ચર્ચા થઇ હતી પરંતુ તેનું કોઇ નિરાકરણ આવ્યું ન હતું.

સફાઇ કર્મચારીઓએ રસોડુ જ બંધ કરાવી દીધુ, બાદમાં પોલીસની હાજરીમાં રસોડું શરૂ કરાયું

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સવાર-બપોર- અને સાંજનું જમવા માટે અલગથી રસોડુ છે. દર્દીઓને ચોથા વર્ગના કર્મચારીઓ જ જમવાનું પીરસ્તા હોય છે, પરંતુ બે દિવસની હડતાળને કારણે જમવાની સિસ્ટમમાં ભંગાણ પડ્યુ છે. સવારના સમયે સિવિલના અધિકારીઓએ કેટલાક કર્મચારીઓને સમજાવીને રસોડુ શરૂ કર્યું હતું. આ ઘટનાની જાણ હડતાળ કરનારા કર્મચારીઓને થતા તેઓ ટોળાશાહીમાં સીધા જ રસોડા વિભાગમાં પહોંચ્યા હતા અને હોબાળો કરી નાંખ્યો હતો. આખરે પોલીસને બોલાવવામાં આવ્યા બાદ સ્થિતિ શાંત પડી હતી. ત્યારબાદ પોલીસની હાજરીમાં જ દર્દીઓ માટે બપોરનું જમવાનું બન્યું હતું.

નર્સિંગનો પગાર વધ્યો પરંતુ સફાઇ કર્મચારીઓનો પગાર ઘટતા વિરોધ વધુ થયો

પ્રાપ્ત વિગતો મુજબ સરકારે બનાવેલા નવા નિયમ પ્રમાણે નર્સિંગનો પગાર વધીને આવ્યો હતો, જ્યારે સફાઇ કર્મચારીઓનો પગાર 2000 જેટલો ઘટી ગયો હતો. સફાઇ કર્મચારીઓની બેલેન્સ સીટ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટી વિગતો સરકારમાં મોકલવામાં આવી હોવાની ચર્ચા થઇ હતી. પરંતુ આ બાબતે ડોક્ટરોએ કોઇ સત્તાવાર માહિતી આપવાની ના પાડી હતી. નર્સિંગનો પગાર વધતા જ સફાઇ કર્મચારીઓમાં વધારે રોષ જોવા મળ્યો હતો. આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી પણ શક્યતા છે.

દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલવા માટે સુપ્રિટેન્ડન્ટએ 108ના કર્મચારીઓને જણાવ્યું

સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓને ઇમરજન્સી ન હોય તેઓને દાખલ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત 108માં આવતા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલવા માટે જણાવવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં જો ઓછો સ્ટાફ હશે તો સુરત સિવિલ હોસ્પિટલમાં જે કાયમી કર્મચારીઓ છે તેઓને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત સુરત મનપાના કમિશનર સાથે ચર્ચા કરીને સ્મીમેર હોસ્પિટલમાંથી જરૂરી સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કર્મચારીઓનો પગાર વહેલામાં વહેલા થઇ જશે તેમ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top