SURAT

યુનિ.માં ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દમનને લઈ એબીવીપીમાં ભારે રોષ

સુરત: (Surat) રાજકારણીઓની રેલીને છાવરી રહેલી પોલીસ દ્વારા આજે યુનિ.માં ચાલી રહેલા ગરબામાં (Garba) વિદ્યાર્થીઓ (Students) પર પોતાનું જોર બતાવવામાં આવ્યું હતું. જેમાં પોલીસે યુનિ.માં કેમ્પસમાં ચાલી રહેલા ગરબામાં પહોંચી જઈ વિદ્યાર્થી નેતાઓને ઉંચકી જઈ તેઓને માર મારતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ઉમરા પોલીસ મથકે મોરચો લઈ જવામાં આવ્યો હતો અને પોલીસની તાનાશાહી (Police Repression) સામે ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી પોલીસ મથકમાં આ માથાકૂટ ચાલી હતી. આ મામલે બીજા દિવસે પણ ભારે રોષ દેખાયો હતો. સુરતમાં પોલીસ દમનગીરીની ઘટનાના પગલે દોષિત પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે રાજ્યના વિવિધ શહેરોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. બીજી તરફ ડી સ્ટાફ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા કાર્યકર્તાઓના નામ પૂછી પૂછીને તેમને જાતિ વિશે ગાળો આપતા તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થઇ શકે તેવી શક્યતા દેખાઈ વર્તાઈ રહી છે.

પોલીસ તેમજ અન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે એબીવીપી દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું હતું. આ માટે માત્ર યુનિવર્સિટીનાં કેમ્પસનો ઉપયોગ માટેની મંજૂરી મેળવાઈ હતી. પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. પોલીસ મંજૂરી વગર જ એબીવીપી દ્રારા નવરાત્રીનું આયોજન કરાયુ હતુ. જેમાં આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ઉમરા પોલીસની ટીમ કેમ્પસમાં પહોંચી ગઈ હતી. મહિલા પીએસઆઇ એન.વી.ચૌધરી અને ડી સ્ટાફના પીએસઆઇ બી.એસ.પરમાર સહિતના સ્ટાફે ગરબાના આયોજન અંગેની પોલીસ પરવાનગીની માંગણી કરી હતી. ત્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા કથિત રીતે ગેરવર્તણુંક કરવામાં આવી હતી.

જેથી પોલીસ અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે અન્ય સ્ટાફ બોલાવી ઘર્ષણ કરનારા વિદ્યાર્થી નેતાઓને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આ બનાવ બાદ વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઉમરા પીઆઈની ચેમ્બરની બહાર, પોલીસ સ્ટેશનની અંદર અને બહાર પોલીસ સામે નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતુ. પોલીસને બળ પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને બહાર કાઢવા પડ્યા હતા. ઉમરા પોલીસે આ સમગ્ર ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ કરનારાઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે ઉમરા પીઆઈ સાથે વાત કરવા પ્રયત્ન કરતા કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો. પોલીસે 500થી વધુ વિદ્યાર્થીઓ હોવાથી ગરબા બંધ કરાવતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓને ઘસડી ઘસડીને માર્યા હતા.

એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલય સિંહ ઝાલા અને યૂનિવર્સિટી (University) ના કેમ્પસ મંત્રી ઇશાન મટ્ટૂ સહિત પાંચ વિદ્યાર્થીઓને ઉપાડી ગઇ અને લોકઅપમાં નાખી દીધા. તેને લઇને જોરદાર હંગામો થયો. એબીવીપી (ABVP) એ આરોપ લગાવ્યો કે યૂનિવર્સિટી (University) કેમ્પસ પોલીસે યૂનિવર્સિટી કેમ્પસ પોલીસ સ્ટેશન (Police Station) માં પણ વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી હતી. એબીવીપીએ જણાવ્યું કે પોલીસની મારઝૂડથી ઘણા વિદ્યાર્થીઓના કપડાં ફાટી ગયા હતા અને હિમાલય સિંહ ઝાલાને ઇજા પહોંચી હતી. પ્રદેશ સંગઠન મંત્રી સાથે કેટલાક વિદ્યાર્થીઓને લોહી નિકળી રહ્યું હતું.

પોલીસ દ્વારા પાંચેક વિદ્યાર્થીઓને માર મરાયો હતો
વિદ્યાર્થીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસે વિના મંજૂરીએ કેમ્પસમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તુણંક કરીને તેમને ઉંચકી જઈને માર માર્યો હતો. જેને કારણે વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ મથકે મોરચો લઈ જવો પડ્યો હતો.

વિદ્યાર્થીઓ સાથે દમનકારી વલણ અપનાવનાર પોલીસ અધિકારી સામે પગલા ભરો: યુનિ.ના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર
ઉમરા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલી માથાકૂટને પગલે નર્મદ યુનિ.ના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર જયદીપ ચૌધરીએ ઉમરા પીઆઈને લેખિત પત્ર લખી રજૂઆત કરી હતી કે યુનિ.માં કુલપતિની પરવાનગી વિના જ સાંજે 7 કલાકે પ્રવેશીને શાંતિથી પ્રોટોકોલ પ્રમાણે ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી હતી. જેથી પરવાનગી વિના યુનિ.ના કેમ્પસમાં ઘૂસવું યોગ્ય નથી. જેથી યુનિ. કેમ્પસમાં ઘૂસી આવેલા આ બે પીએસઆઈ સહિતના અધિકારીઓ સામે પગલા લેવામાં આવે.

બે દિવસ પહેલાં જ ગૃહરાજ્યમંત્રીની સુરતમાં માસ્ક વગર રેલી નિકળી હતી? પોલીસે શું કર્યું?

Most Popular

To Top