SURAT

વિદેશની જેમ હવે સુરતમાં બનશે વોટર પ્લાઝા, પ્રતિમાઓના વિસર્જન, રમત-ગમત માટે ઉપયોગ કરી શકાશે

સુરત: (Surat) ક્લાઈમેટ ચેન્જ અને સિટી રિઝિલિઅન્સ ના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા આઈ.યુ.સી (ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન)ના સહયોગથી રોટરડેમના માર્ગદર્શનમાં સુરતમાં ‘વોટર પ્લાઝા – ખેલ કુંડ’નો (Water Plaza) બહુહેતુ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું આજે મેયરના અધ્યક્ષસ્થાને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પદાધિકારીઓ, મનપા કમિશનર, સિટી ઈજનેર, હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર અને પ્રોજેક્ટના આર્કિટેક્ટ હાજર રહ્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અર્બન ફ્લડિંગ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ તથા એની સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ આવરી લેવાશે. શહેરના તમામ ઝોનમાં વોટર પ્લાઝા સાકાર થતા જ આવનારા દિવસોમાં કૃત્રિમ તળાવો બનાવવાની જરૂરીયાત રહેશે નહી. કતારગામ ઝોનમાં સિંગણપોર(ટી.પી 75) ખાતે પાયલોટ પ્રોજેક્ટ 5500 સ્કે.મી. ના પ્લોટ પર સાકાર થઈ રહેલા આ વોટર પ્લાઝામાં રેન વોટર હાર્વેસ્ટિંગ, અર્બન કુલિંગ, રિ-ક્રિએશન અને પ્લેગ્રાઉન્ડ (Play Ground) ફેસિલિટી, એમ્ફી થિએટર, સોશિઅલ ગેધરિંગના વિવિધ હેતુઓનો સમાવેશ કરાયો છે.

આ સાથે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ઉપયોગ તેના શુદ્ધિકરણ સહિત આજુ બાજુના વિસ્તારોમાંથી રૂફટોપ વરસાદી પાણીનું સંગ્રહ અને સિંચન માટે પણ વોટર પ્લાઝા નો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી ભુગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થશે અને અર્બન ફલડિંગથી પણ છુટકારો મળશે. ભવિષ્યમાં તમામ ઝોનમાં આ પ્રોજેક્ટ સાકાર કરવાની વિચારણા છે. હાલ અન્ય એક સાઈટ તાપી રિવરફ્રન્ટની બાજુની વિચારાઈ છે. જ્યાં 12,200 સ્કે.મીટરની જગ્યા છે પરંતુ આ જગ્યા પાળા યોજના અંતર્ગત સિંચાઈ વિભાગ હસ્તક છે.

કૃત્રિમ તળાવની સાઈઝ કરતા બમણા આ વોટર પ્લાઝા હશે, ભવિષ્યમાં પ્રતિમાઓના વિસર્જન થશે
ગણેશ વિસર્જન, દશામાં વિસર્જન, છઠ્ઠ પૂજા અને આવા અનેક ધાર્મિક કાર્યક્રમના વિસર્જન માટે વોટર પ્લાઝાનો જ ઉપયોગ થશે. વોટર પ્લાઝા સાકાર થતાં જ મનપાએ દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવાનો ખર્ચ બચશે. કૃત્રિમ તળાવ બનાવવા માટે •દર વર્ષે લગભગ રૂા. 3 કરોડ જેટલો ખર્ચ થાય છે અને 10 દિવસ બાદ આ ખર્ચનું કોઈ જ વળતર મળતું નથી. •ઝોન વાઈઝ લગભગ 21 કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેમાં 18 બિલીયન લીટર જેટલું પાણી લાવવામાં આવે છે.

વરસાદ ન હોય ત્યારે અન્ય પ્રવૃત્તિ તેમજ પ્લોટ ભાડે આપવાનું આયોજન
જયારે વરસાદ ન પડે ત્યારે પી.પી.પી. ધોરણે પ્લોટ રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિ માટે પ્લોટ ભાડે આપવાનું આયોજન હાલમાં કરાયું છે. ડ્રાય સીઝન દરમિયાન વોટર પ્લાઝાનો ઉપયોગ વિવિધ રમતગમત અને સામાજિક પ્રવૃત્તિ માટે કરાશે અને મનપા માટે આવકના સ્ત્રોત ઉભા થશે. પ્લે ગ્રાઉન્ડ, પાર્કિંગ તેમજ અન્ય પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવા અંગેનો કોન્સેપ્ટ હાલમાં વિચારાયો છે.

Most Popular

To Top