SURAT

આવનારા 8 વર્ષમાં સુરતના દરેક ઘરમાં આ વસ્તુ હશે, જે દર મહિને હજારો રૂપિયા બચાવશે

સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ તરફ શહેરીજનો જાય તેવા આશય સાથે પોલિસીમાં મનપા દ્વારા ઈ-વ્હીકલ ખરીદનારને પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે સુરત શહેરમાં ઈ-વ્હીકલની સંખ્યા વધી છે.

  • પોલિસી જાહેર થયા બાદ ઈ-વ્હીકલની સંખ્યામાં મોટો ઉછાળો, 1043માંથી સીધા 5631 થઇ ગયા
  • રજિસ્ટ્રેશન ના થયા હોય તેવા પણ પાંચ હજાર ઇ-વ્હીકલ હોવાનો અંદાજ

સુરતના મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-2020માં 147 ઈ-વ્હીકલ હતા. પોલિસીની જાહેરાત બાદ ઈ-વ્હીકલની સંખ્યા વધીને 1043 થઈ હતી અને હાલમાં આ આંકડો વધીને 5631 પર પહોંચ્યો છે. અનુમાન છે કે, વર્ષ 2030 સુધીમાં 20 ટકા ગ્રોથ પ્રમાણે સુરતમાં 11 લાખ ઈ-વ્હીકલ દોડશે. ભારત દેશમાં ઈ-વ્હીકલ ઈકો-સીસ્ટમ માટે 9 શહેરોની પસંદગી થઈ છે. જેમાં સુરત શહેરની પણ પસંદગી કરાઈ છે. અને તે સિવાય મુંબઈ, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ, કલકત્તા અને અમદાવાદની પણ પસંદગી કરવામાં આવી છે.

મનપા દ્વારા ઈ-વ્હીકલ પોલિસીનો અમલ શરૂ થાય તે પહેલાં વર્ષે વાહન કરમાં 100 ટકા મુક્તિ આપવાની જાહેરાત કરી છે. આ પોલિસીના અમલ થવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવશે. હાલ ઇલેક્ટ્રિક વાહનોને 50 ટકા આજીવન વાહન કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે સૂચિત પોલિસીમાં વિભાગ દ્વારા પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાની ભલામણ કરવામાં આવી છે. મનપા સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવા ભલામણ કરવામાં આવી છે.

વર્ષ 2030 સુધીમાં શહેરમાં 1100 ચાર્જિંગ સ્ટેશન હશે
હાલમાં શહેરમાં મનપા દ્વારા ઈ-વ્હીકલના ચાર્જિંગ માટે 80 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ મનપા દ્વારા પાલનપુર, અલથાણ અને મગોબમાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. જેની ક્ષમતા વધારાશે. હાલમાં પાલનપુરમાં 13 સ્ટેશનની કામગીરી ચાલુ છે જે વધીને 39 થશે. મગોબમાં 40 તો અલથાણમાં 39 ચાર્જિંગ સ્ટેશન બનશે. જે મનપાની ઈ-બસ માટે છે. હાલમાં ખાનગી તેમજ મનપાના મળી કુલ 191 ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. પરંતુ વર્ષ 2030માં શહેરમાં કુલ 1100 ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થશે તેવું અનુમાન છે તેમ પણ કમિ.એ જણાવ્યું હતું.

મનપા કોમન યુઝ માટે 5 ઈ-વ્હીકલ ખરીદશે: મનપા કમિશનર
મનપા દ્વારા હાલ શહેરમાં પ્રદુષણને નાથવા માટે ઈ-બસ શરૂ કરવામાં આવી છે. હાલ શહેરમાં 49 ઈ-બસ દોડી રહી છે. પરંતુ આવનારા સમયમાં અન્ય કોમન ઉપયોગ માટે મનપા 5 ઈ-વ્હીકલ ખરીદશે. ટાટા નેક્સનની પાંચ ઈ-વ્હીકલ મનપા ખરીદવા જઈ રહી છે. જેનો કોમનલી ઉપયોગમાં લેવાશે તેમ કમિશનરે જણાવ્યું હતું.

2030 સુધીમાં શહેરમાં 1500 ઈ-બસ દોડશે
હાલમાં મનપા દ્વારા શહેરમાં પિંક ઓટો પણ દોડાવવામાં આવી રહી છે. જે પણ ઈ-ઓટો છે. અને ઈ-બસ પણ દોડાવવામાં આવે છે. જેની સંખ્યા પણ વધારાશે. અને વર્ષ 2030 સુધીમાં શહેરમાં 1500 ઈ-બસ દોડશે.

2019-20 અને 2022 માં ઈ-વ્હીકલની સંખ્યા
વર્ષ 4 વ્હીલ 3-વ્હીલ 2વ્હીલ
2019 15 8 124
2022 300 146 5121

Most Popular

To Top