Surat Main

સુરતની એસ.ડી. જૈન સ્કૂલના 43 વિદ્યાર્થી ઉમરપાડાના જંગલમાં ખોવાયા, અંધારામાં 4 કલાક ભટકતા રહ્યાં

સુરતના વેસુ ખાતે આવેલી એસ.ડી. જૈન ઈન્ટરનેશનલ સ્કૂલના 43 વિદ્યાર્થીઓ ઉમરપાડાના દેવઘાટના જંગલમાં ખોવાઈ ગયા હતા. (Surat S.D. Jain School 43 students were lost in the forest of Umarpada) જંગલમાં નેટવર્ક ઝીરો અને વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નહીં હોય ગાઢ જંગલમાં અટવાયેલા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. આ 43 જણામાં કેટલીક વિદ્યાર્થીનીઓ પણ હતી, જેની હાલત કફોડી બની હતી. સાંજે 5.00 કલાકે ખોવાયેલા આ વિદ્યાર્થીઓ 4 કલાક સુધી અંધારામાં કેમ્પથી 6 કિલોમીટર દૂર નીકળી ગયા હતા અને અવાવરૂં જંગલમાં ભટકતા રહ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે ઉમરપાડાનો આ જંગલ વિસ્તારમાં દીપડા સહિતના જંગલી જનાવર હોઈ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, તે જાણતા હોવા છતાં એસ.ડી. જૈન સ્કૂલના સંચાલકો વિદ્યાર્થીઓને કેમ ટ્રેકિંગ પર લઈ ગયા? વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકનાર શાળા વિરુદ્ધ તપાસની માંગ ઉઠી છે.

મળતી માહિતી અનુસાર એસ.ડી. જૈન ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. અંદાજે 400 વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઉમરપાડાના ગાઢ જંગલમાં લઈ જવામાં આવ્યા હતા. આ જંગલમાં કાર જઈ શકતી નથી. અહીં મોબાઈલના નેટવર્ક નથી. વિદ્યાર્થીઓને ટ્રેકિંગ પર લઈ જવાયા હતા. દરમિયાન 43 વિદ્યાર્થીઓનું ગ્રુપ પરત ફરતી વેળા ખોવાઈ ગયું હતું. સાંજનો સમય હોય અંધારૂ ઝડપથી ગાઢ થઈ રહ્યું હોઈ અટવાયેલા વિદ્યાર્થીઓની શું હાલત થઈ હશે તે સમજી શકાય છે.

સુરત શહેરમાં આવેલી એસ.ડી.જૈન કોલેજના સંચાલકો ગઈ ૧ તારીખે કોલેજના 400 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેકિંગ માટે લઈ ગયા હતા. ઉમરપાડા તાલુકામાં જિલ્લાનું સૌથી ગાઢ જંગલ આવેલું છે. દેવઘાટના જંગલમાં કેટલાક જંગલી જનાવરો પણ ફરતા હોય છે. તેમ છતાં કોલેજના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ પ્રતિબંધિત વિસ્તારમાં વિદ્યાર્થીઓને જીવના જોખમે લઈ ગયા હતા. દરમિયાન બપોરે ૪૩ જેટલા વિદ્યાર્થી કોલેજના શિક્ષકોની નજર ચૂકવી જંગલની અંદર ઘૂસી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓ રસ્તો ચૂકી જતાં અટવાઈ ગયા હતા.

તે પૈકી એક વિદ્યાર્થીના મોબાઇલમાં એક પોઈન્ટ જેટલો નેટવર્ક બતાવતા તેણે તેના પિતાને ફોન કરી જાણ કરી હતી. આ વિદ્યાર્થીના વાલીએ વનવિભાગના અધિકારી પુનિત નૈયરને ફોન કરી આ અંગે માહિતી આપતા પુનિત નૈયરે તાત્કાલિક વન વિભાગની ટીમને રેસ્ક્યુ માટે જંગલમાં ઉતારી હતી. વનવિભાગના 35થી વધુ કર્મચારીઓ રેસ્ક્યુ ટીમ બનાવી કામે લાગી હતી. સાંજે ૫ વાગે વિદ્યાર્થીઓ ખોવાયાનો મેસેજ મળ્યો હતો. જે શોધખોળ દરમિયાન રાત્રે નવ વાગે વિદ્યાર્થીઓને શોધી સહીસલામત બચાવી લેવાયા હતા.

40 વનકમર્ચારીઓ ઘનઘોર અંધકારમાં જંગલ ખૂંદી ભટકી ગયેલા યુવાનોને શોધી કાઢયા

લોકેશનને આધારે વિદ્યાર્થીઓને ટ્રેસ કરી લેવાયા વનવિભાગની ટીમ જ્યારે આ વિદ્યાર્થીઓની શોધખોળ માટે આ ગાઢ જંગલમાં ઉતરી ત્યારે તેમને શોધવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. ૪૦ જેટલા વનકર્મીઓ રાતના અંધકારમાં વિદ્યાર્થીઓને શોધખોળમાં હતા. આ શોધખોળ દરિમયાન એક વિદ્યાર્થીના મોબાઇલમાં એક પોઈન્ટ નેટવર્ક પકડાતાં તેને પોતાનું લોકેશન શેયર કર્યું હતું. જેના આધારે વન વિભાગની ટીમે આ વિદ્યાર્થીઓને રાત્રે 9 વાગે સુધી બચાવી લીધા હતા.

વિદ્યાર્થીઓ ૬ કીમી અંદર ઘુસી ગયા હતા: નાયબ વન સંરક્ષક અધિકારી

નાયબ વન સંરક્ષક અધિકારી પુનિત નૈયરે જણાવ્યુ હતુ કે આ વિદ્યાર્થીઓ પ્રતિબંધિત વિસ્તારમાં ૬ કિલોમીટર અંદર જંગલમાં ઘૂસી ગયા હતા. આવા સંજોગોમાં તેમને શોધવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. સદનસીબે એક વિદ્યાર્થીના મોબાઇલ નેટવર્ક મળી જતાં તેમને ટ્રેસ કરી શકાયા હતા. નહીંતર વધુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકી હોત.

નોંધનીય છે કે જાણવા મળ્યું છે કે શાળા સંચાલકો દ્વારા પ્રતિ વિદ્યાર્થી 1100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. કુલ 400 વિદ્યાર્થીઓને જંગલમાં ટ્રેકિંગ માટે લઈ જવાયા હતા. કોરોનાની સ્થિતિ વચ્ચે એસ.ડી. જૈન સ્કૂલ દ્વારા કેમ્પનું આયોજન કેમ કરાયું તે સવાલ ઉઠી રહ્યાં છે.

Most Popular

To Top