SURAT

લો બોલો, મનપાના ધોરણ-11ના ગુજરાતીના વર્ગમાં સંખ્યા ફુલ થઈ ગઈ, હવે આ નિર્ણય કરાયો

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા નવી પહેલ કરીને સુમન હાઇસ્કુલોમાં (High School) ધોરણ-11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં ગુજરાતીના 11, હિન્દીના 2 અને મરાઠી માધ્યમમાં 11 મળી 24 વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ગુજરાતી માધ્યમની લિંબાયત સ્થિત શાળા નં.7માં વેઇટિંગ લિસ્ટ મોટું થયું હોવાથી આ વિદ્યાર્થીઓને (Students) પણ સમાવી લેવાય તેવા હેતુથી અહીં ગુજરાતી માધ્યમનો વધુ એક વર્ગ શરૂ કરવાની જાહેરાત સ્થાયી સમિતિ ચેરમેને સામાન્ય સભામાં કરી હતી. આ સાથે મનપા દ્વારા શરૂ થઇ રહેલા ધોરણ-11ના વર્ગની સંખ્યા 25 થશે.

સરકારી સ્કૂલમાં જ્યારે ધોરણ-11ની શાળાઓ શરૂ થઇ ત્યારે મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા શિક્ષકોને લઈને પણ હતો. પરંતુ મનપાના ધો.11ના વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરતના ચાર્ટડ એકાઉન્ટટોએ તૈયારી બતાવી છે. સુરતમાં આવા 78 ચાર્ટડ એકાઉન્ટન્ટ તૈયાર થયા છે. જે સરકારી શાળામાં જઈ અભ્યાસ કરાવશે. મનપાના ધો.11માં કોમર્સમાં 1592 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના માટે 48 શિક્ષકની ભરતી કરવામાં આવી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ જ્યારે આ વિષયોનો અભ્યાસ કરાવશે ત્યારે વિદ્યાર્થીઓ અઘરા વિષયો ખૂબ જ સરળતાથી સમજી શકશે.

શાળાઓમાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાયા

કોરોનાની બીજી લહેર પુર્ણ થઈ ચુકી છે. પરંતુ સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ અસર થાય તેવી આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલમાં સુરતમાં ધોરણ 9થી 12ની શાળાઓ પણ શરૂ કરી દેવાઈ છે. જેથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા વિવિધ શાળાઓમાં ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા તબક્કાવાર વિવિધ ઝોનની શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં બુધવારે મનપા દ્વારા લિંબાયત ઝોનની કુલ 15 શાળાના 970 વિદ્યાર્થીઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ વિદ્યાર્થી પોઝિટિવ ન મળતા તંત્રને પણ હાશકારો થયો હતો.

સ્કૂલ બસ ચાલકો દ્વારા રાજ્ય સરકાર દ્વારા આરટીઓ ટેક્સમાં માફી માટેની રજૂઆત

સુરત: કોરોનાકાળ દરમિયાન સ્કૂલ બંઘ હોવાથી સ્કૂલબસ અને વેન બંધ રહી હતી. શહેરમાં હજ્જારો સ્કૂલ બસ અને વેનની સેવા બંધ રહી હતી. જેથી વાહનચાલકોને રોજગારી ગુમાવવી પડી હતી. આવા સ્કૂલ બસ ચાલકો દ્વારા રાજ્ય સરકાર દ્વારા આરટીઓ ટેક્સમાં માફી માટેની રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યભરમાંથી લાખો સ્કૂલ બસ ચાલકોએ આ રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ સરકારે આજે આ અંગે સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામા આવેલા પરિપત્રમાં જે બસો સ્કૂલો સાથે કોન્ટ્રાક્ટ હેઠળ હોય અને તેમનો વપરાશ કરવામાં નહીં આવ્યો હોય તેવી બસોનેજ આરટીઓ ટેક્સમાંથી માફી આપવામાં આવશે. જોકે આ સાબિત કરવા માટે બસ ડ્રાઇવરોએ શાળા તરફથી પ્રમાણપત્ર આરટીઓમાં સબમિટ કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને અવર-જવર માટે ઉપયોગમા લેવાતા વાહનો પણ બંધ રહ્યા હતા. તે સમયગાળા દરમિયાના મોટી સંખ્યામા સ્કૂલ વેન સંચાલકો બેરોજગાર બની ગયા હતા.

Most Popular

To Top