SURAT

સુરતમાંથી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટ ઝડપાયું, નવ બાંગ્લાદેશી પકડાયા

સુરત: (Surat) સુરત પોલીસે (Police) આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી કૌભાંડ (Human Trafficking Scam) ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે સુરતમાં ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશીઓને (Bangladeshi) પકડી પાડ્યા છે. નકલી દસ્તાવેજી પુરાવાઓ પણ મળી આવ્યા છે. નવ આરોપીઓમાં બે મહિલા હતી જેને બાંગ્લાદેશથી સુરતમાં દેહ વ્યાપારના ધંધા માટે લાવવામાં આવી હતી.

સુરતની પીસીબી અને એસઓજી પોલીસે માનવ તસ્કરીનુ રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસની ટીમે ગેરકાયદેસર સુરતમાં વસતા અને બાંગ્લાદેશીઓને ધુસણખોરી કરાવવા એજન્ટની ભૂમિકા ભજવનાર સહિત દેહ વેપાર કરવા લાવેલ બે મહિલા સાથે 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. પી.સી.બી. પીઆઈ આર.એસ.સુવેરા તથા એસ.ઓ.જી.ના પીઆઇ એ.પી.ચૌધરી દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતમાં કેટલાક બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. તેઓએ ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરી બોગસ આધાર પુરાવાઓ પણ બનાવ્યા છે જેને આધારે પોલીસની જુદી જુદી ટીમે રેડ કરી એક સાથે નવ બાંગ્લાદેશી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બાતમીને આધારે એસ.ઓ.જીની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી રેઇડ કરી ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી વસવાટ કરનાર સાત પુરુષ અને બે મહિલા બાંગ્લાદેશી આરોપીને ઝડપી પાડી હતી. જેમાં પોલીસે બાંગ્લાદેશથી ગેરકાયદેસર સુરતમાં લાવનાર મુખ્ય એજન્ટ મો.હારૂનુરરશીદ મોહમીદને સૌપ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ મંસુર બક્કર મોલ્લા ઉ.વ.૩૩, શિયાન મો.મન્ન ખલીફા ઉ.વ.૨૯,શર્મીનખાનમ W/0 ઈનાયત શેખ ઉં.વ.૨૯,મો. કારૂખહુસૈન મો.હમીદ ઉ.વ.21,તુલી D/G મો.આલમ મંડલ ઉ.વ. 20, કાજોલીબેગમ Wo/o મો.નાસીર સરદાર ઉ.વ.34, મો.રાણા લીયાકત મોલ્લા ઉ.વ.35, બહાદર રફીક ખા ઉ.વ.28 ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, 11 ભારતીય આધારકાર્ડની કોપી, 8 ભારતીય પાનકાર્ડની કોપી, 8 બાંગ્લાદેશના નેશનલ આઇડી કાર્ડની લેમીનેશન કોપી,1 ભારતીય ચુંટણી કાર્ડની લેમીનેશન કોપી, 1 ભારતીય ડ્રાઈવીંગ લાયસન્સની લેમીનેશન કોપી,3 આર.સી. બુક, 5 અલગ અલગ બેંકના ડેબીડ કાર્ડ, 1 સ્પાઈસજેટ ફ્લાઈટનો બોડીંગ પાસ, પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મ, 5 બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર,અને બનાવટી ડોક્યુમેન્ટ આધારે લોન મેળવી ખરીદી કરેલ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે કડોદરા વિસ્તારમાં રહેતા એજન્ટ આકાશ સંજયભાઈ માનકરની મદદથી નકલી ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજી પુરાવા બનાવતા હતા. પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જેમાં આ આરોપી ફોટોશોપનો ઉપયોગ કરી બનાવટી પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ, લાયસન્સ વિગેરે ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા. જેના આધારે તમામને ભારતના નાગરિક હોવાના આધારકાર્ડ બનાવી આપ્યા હતા. આરોપીઓની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળી છે કે મુખ્ય આરોપી મો.હારૂનુરરશીદ બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર સુરત લાવતો હતો. આ મહિલાઓ પાસે સુરતમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો કરાવતો હતો.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાને લાવવા માટે આરોપી બાંગ્લાદેશના સતખીતમરા અને જોશેરે જીલ્લાની બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી પશ્ચિમ બંગાળ રાજ્યના બંગોનથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા હતા. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બાંગ્લાદેશી આરોપીઓમાંથી માસ્ટર માઇન્ડ આરોપી મો.હારૂનુરરશીદએ બનાવટી ડોક્યુમેન્ટના ભારતીય પુરાવાઓને લઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું જેના પર લોન મેળવી આરોપીએ એક કાર અને બે બાઈક પણ ખરીદ્યા છે.

Most Popular

To Top