Dakshin Gujarat

માંડવીના આંબા ગામના બાળકનું રમતાં રમતાં ચેકડેમમાં પડી જતાં મોત

માંડવી: (Mandvi) માંડવીના આંબા ગામ ખાતે એક બાળક (Child) રમી રહ્યું હતું. એ દરમિયાન રમતા રમતા ચેકડેમ પાસે પહોંચી ગયું હતું. અને આકસ્મિક રીતે ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ડાંગના આહવાના સાદડવિહિર ગામના રહેવાસી હાલ પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરીકામ અર્થે માંડવીના આંબા ગામે ગામની સીમમાં પરિવાર સાથે પડાવ નાંખી રહેતા ભરતભાઈ હાડગુભાઈ બરડેનો અઢી વર્ષનો દીકરો કાયરૂ ભરતભાઈ રાઠોડ ઘર પાસે રમી રહ્યો હતો. એ દરમિયાન રમતો રમતો આ અઢી વર્ષનો બાળક નાનખડ ખાડી ઉપર આવેલા ચેકડેમ પાસે પહોંચી ગયો હતો. આકસ્મિક રીતે બાળક ચેકડેમના પાણીમાં પડી ગયો હતો. હાજર લોકોએ બાળકને તાત્કાલિક બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ફૂલ જેવા દીકરાનું ડૂબી જવાથી મોત થતાં હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ ઘટનાની જાણ માંડવી પોલીસને કરાતાં માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાયણ સુગર નહેર કોલોની નજીક પડી ગયેલા આદિવાસી યુવકનું મોત
સાયણ: ઓલપાડ તાલુકાના સાયણ સુગર નહેર કોલોની નજીકના હળપતિવાસના રોડ ઉપર ઊંધો પડી ગયેલા એક આદિવાસી યુવકને આંખમાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.

સાયણ સુગર રોડ ઉપર આવેલી નહેર કોલોનીની ૨૮ નંબરની છાપરીમાં વિધવા કૈલાસબેન ગોમાનભાઈ વસાવા રહી સાયણ વિસ્તારના અર્જુન પાર્કના ટેક્સટાઇલ યુનિટમાં પલટી મશીન ચલાવવાનું કામ કરે છે. જ્યારે તેમનો ૨૧ વર્ષની ઉંમરનો પુત્ર કિરણ સહજ ટેક્સટાઇલમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. સોમવારે કિરણ મોડી રાત્રે છાપરીના દરવાજાનો આગળો બંધ કરી બહાર ગયો હતો. ત્યારે સાયણ નહેર કોલોની નજીકના હળપતિવાસની ખુલ્લી જગ્યામાં મુકેશભાઈના ઘર આગળના રોડ પર તે પડી જતા તેને ચહેરા ઉપર જમણી બાજુની આંખમાંથી લોહી નીકળી સુકાઈ ગયું હતું અને ચામડી પણ છોલાઈ ગઈ હતી. જો કે, તેની વિધવા માતાએ સવારે શોધખોળ કરતાં તે ઈજાગ્રસ્ત હાલતમાં ઊંધા માથે પડેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સાયણ ખાતેના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top