SURAT

દિવાળી વેકેશનમાં સુરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલા રત્નકલાકારો લૂંટાઈ રહ્યાં છે

સુરત: (Surat) દિવાળી વેકેશનમાં (Diwali Vacation) સૌરાષ્ટ્ર (Saurashtra) જઇ રહેલા રત્નકલાકારોના (Diamond Workers) પરિવારોને ખાનગી લક્ઝરી બસના (Luxury Bus) સંચાલકો બસ ભાડાના નામે લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કરી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને સુરતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સુરતથી 3 લાખથી વધુ રત્નકલાકારોના પરિવારો વતને જઇ રહ્યા છે ત્યારે એસટીની બસો ઓછી હોવાથી ખાનગી લક્ઝરી બસના સંચાલકો બમણા ભાડા વસૂલ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, ઉના, જૂનાગઢ અને જામનગર રૂટ માટે વધારાની એસટી બસ મુકવી જોઇએ જેથી મધ્યમવર્ગના પરિવારો એસટીના ભાડામાં વતને જઇ શકે.

કોરોના કાળના દોઢ વર્ષમાં રત્નકલાકારોનો પગાર અને મજૂરીનો દર ઘટ્યા છે ત્યારે તેમની પાસે બમણું ભાડું પડાવવું માનવતાની વિરૂધ્ધનું કૃત્ય છે. કલેક્ટરે આ મામલે ખાનગી લક્ઝરી બસના ભાડા આરટીઓ સાથે નક્કી કરવા જોઇએ જેથી સામાન્ય પરિવારો લૂંટાય નહીં. યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે વરાછા, કતારગામ અને કામરેજથી રત્નકલાકારો લક્ઝરી બસમાં વતને જઇ રહ્યા છે. તેમની પાસે રૂટીન કરતા બમણા ભાડા લેવામાં આવી રહ્યા છે. બે વ્યક્તિઓ માટેના પ્રવાસના 1000 થી 1200 રૂપિયાને બદલે 2400 રૂપિયા સુધી લેવામાં આવી રહ્યા છે. જ્યાં 500થી 550 રૂ. ભાડુ હતું ત્યાં 1200 અને 1000 રૂ. પ્રત્યેક વ્યક્તિએ લેવાઇ રહ્યા છે.

ડિઝલ અને સીએનજીના ભાવ ખૂબ વધી ગયા છે
આ મામલે લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણધણે જણાવ્યું હતું કે એસટીની બસમાં બેઠક મળી રહી નથી અને વતને જનારાની સંખ્યા વધુ છે. એસટીના ભાડામાં લક્ઝરી બસના સંચાલકોને પરવડી શકે તેમ નથી કારણકે ડિઝલ અને સીએનજીના ભાવ ખૂબ વધી ગયા છે. આ સ્થિતિમાં એક બસમાં 76 પેસેન્જર ન હોય તો ટ્રાવેલર્સ સંચાલકોને ખોટ જઇ શકે છે. વેકેશનના સમયગાળામાં જ ટ્રાવેલર્સની આવક થતી હોય છે. બાકીની સિઝન 56 પેસેન્જર પણ મળતા નથી. તેને લીધે 8 મહિના લક્ઝરી બસના સંચાલકો ખોટ વહન કરતા હોય છે. માત્ર ઉનાળુ અને દિવાળી વેકેશનમાં જે આવક થાય છે. તેનાથી ટ્રાવેલર્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પરિવારોનું ગુજરાન ચાલે છે રૂટીન દિવસોમાં સિંગ્લ સોફાનું ભાડુ જ્યાં 700 છે ત્યાં 1400 લેવામાં આવે છે અને ડબલ સોફાનું ભાડુ એ રીતે 2400થી 2800 વસુલવામાં આવે છે. એક ફેરામાં 76ને બદલે 56 પેસેન્જર બેસાડવામાં આવે તો લક્ઝરી બસ બંધ કરવી પડે. એસટી બસમાં આરામથી ઊંઘીને વતને જવાની વ્યવસ્થા નથી જે લક્ઝરી બસના સંચાલકો આપી રહ્યા છે.

  • લક્ઝરી બસના સંચાલકોએ આ પ્રકારે ભાડુ બમણુ કર્યું
  • વિસ્તાર જૂનુ ભાડુ નવું ભાડુ
  • રાજકોટ 550 1200
  • ભાવનગર 500 1000થી 1200
  • અમરેલી 500 1000થી 1200
  • જુનાગઢ 550 1200થી 1400

Most Popular

To Top