Gujarat

ભાવનગરના ઉમરાળા અને પાલીતાણામાં ભૂકંપનાં આંચકા, ચીખલીમાં પણ ધરા ધ્રૂજી

ભાવનગર: (Bhavnagar) ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપનો (Earth Quick) તિવ્ર આંચકો લોકોએ અનુભવ્યો હતો. લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં. આ તિવ્ર ઝટકાની નોંધ ભાવનગર સ્થિત યંત્રમાં થવા પામી ન હતી, પરંતુ ગાંધીનગર (Gandhinagar) સ્થિત કંટ્રોલરૂમમાં નોંધ થઈ હતી. ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો એક આંચકો નોંધાતાં લોકો ભયભીત થઈ ગયા હતા. છેલ્લા ઘણાં સમયથી ભાવનગર શહેર કે જિલ્લામાં ધરા ધ્રુજી હોય એવી સત્તાવાર માહિતી નથી મળી, ત્યારે રવિવારે રાત્રે પાલીતાણા તથા ઉમરાળા તાલુકામાં ભૂકંપનો તિવ્ર ઝટકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ સરકારી કચેરીમાં ફોન કર્યા હતાં, પરંતુ ભાવનગર શહેર સ્થિત ભૂકંપ માપક યંત્રમાં આ આંચકા સંદર્ભે કોઈ જ નોંધ થવા પામી ન હતી.

એકાદ કલાકના સમય બાદ ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરી ખાતે આ ભૂકંપની નોંધ થયાનું સત્તાવાર જાહેર થયું હતું. આ બંને ગામોમાં અભેરાઈ પર રહેલા વાસણો રણકવા સાથે નીચે પડ્યાં હતાં. તો બીજી તરફ પાલીતાણાના ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભૂકંપના આંચકા પૂર્વે ભૂગર્ભમાં તિવ્ર ગડગડાટ સાથે ધડાકો પણ સંભળાયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકા સિવાય અન્યત્ર કોઈ સ્થળે ભૂકંપના વાવડ ન હોવાનાં કારણે આ આંચકાને લઈને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ વિચાર મગ્ન બન્યાં છે.

ચીખલીના માંડવખડક ગામમાં રાત્રે ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટનો માહોલ

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના છેવાડાના માંડવખડક ગામે રાત્રિ દરમ્યાન ધરા ધ્રુજી ઉઠતા એક સમયે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. વાંસદા તાલુકાને અડીને આવેલા ચીખલી તાલુકાના છેવાડાના માંડવખડક ગામમાં રાત્રિના સાડા આટેક વાગ્યાના અને ધરા ધ્રુજી ઉઠતા ઘરમાં વાસણો પણ ખખડી ઉઠ્યા હતા. અને કેટલાક લોકોને ઘરની બહાર પણ નીકળી જવાની નોબત આવી હતી. જો કે આ ભૂકંપ પ્રકારના આંચકાનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા જાણી શકાઇ ન હતી. અને નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે માંડવખડકના નજીકના સારવણી ગામમાં પણ રાત્રિ દરમ્યાન જોરદાર આંચકો અનુભવાયો હતો. ખાસ કરીને આ વિસ્તાર કેલીયા ડેમની નજીકનો હોય અને દર વર્ષે કેલીયા ડેમમાં પાણી ભરાયા બાદ આ વિસ્તારમાં અવાર-નવાર આંચકા આવતા હોય છે. માંડવખડકના પૂર્વ સરપંચ રાકેશભાઇના જણાવ્યાનુસાર માંડવખડકમાં રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં જોરદાર આંચકો આવતા ઘરમાં વાસણો પણ રણકી ઊઠ્યા હતા અને એક સમયે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top