SURAT

તાપી નદીમાં ઉપરવાસમાંથી તણાઈ આવેલા ઝાડી ઝાંખરા ઈન્ટેકવેલમાં ફસાતા મુશ્કેલી

સુરત: (Surat) સુરત શહેરના પાણી પુરવઠાના (Water Supply) મુખ્ય સ્ત્રોત તાપી નદીમાં હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં ઝાડી-ઝાંખરા તણાઇને આવ્યા છે અને આ જળકુંભી, ઝાડી ઝાંખરાઓ નદીમાં (River) આવેલા ઇન્ટેકવેલમાં (Intakewell) ફસાઈ જવાથી ઇન્ટેકવેલોની પંપિંગ મશીનરી ખોટકાતા યોગ્ય માત્રામાં પાણીનો જથ્થો ઉપાડી શકાતો નથી. જેથી શહેરના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર રહેશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે. આવનારા બે દિવસ સુધી શહેરના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે તેમ જાણવામાં આવ્યું છે.

  • તાપી નદીમાં ઉપરવાસમાંથી તણાઈ આવેલા ઝાડી ઝાંખરા ઈન્ટેકવેલમાં ફસાતા મુશ્કેલી
  • પંપિંગ મશીનરી ખોટકાયા જેથી બે દિવસ પાણી પુરવઠો ઓછા પ્રેસરથી મળશે

ઈન્ટેકવેલમાં ફસાયેલા ઝાડી-ઝાંખરા દુર કરવા- સાફ સફાઈ માટે તાકીદે ડાઇવર્સની મદદથી રાત-દિવસ સતત સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આઠ ઇન્ટેકવેલો પૈકી રાંદેર ઇન્ટેકવેલ સિવાયના અન્ય કતારગામ, મોટાવરાછા, સરથાણા, વાલક ખાતેના ઉપરવાસના તમામ ઇન્ટેકવેલોમાં આ ઝાડી-ઝાંખરા ફસાવાને કારણે શહેરના પાણીપુરવઠાને અસર થઈ છે. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો અપૂરતો કે ઓછા દબાણથી આવશે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીનો જથ્થો તાપી નદીમાં આવી રહ્યો છે. જેથી હજી પણ વધુ ઝાડી ઝાંખરા આવવાની પુરેપુરી શક્યતા હોય, પાણી પુરવઠો ખોટકાશે તેમ જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top