SURAT

સુરતમાં સાંજે વરસાદનો રેપિડ રાઉન્ડ, બે કલાકમાં ત્રણ ઇંચ ઝીંકાયો

સુરત: (Surat) છેલ્લા એક લાંબા સમયથી સુરતમાં વરસાદ (Rain) વેકેશન ઉપર હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ રવિવારે વરસાદે રેપિડ રાઉન્ડ રમ્યો હતો. સવારથી જ શહેરમાં વાદળ છવાયેલું વાતાવરણ રહ્યું હતું. આખા દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ મોડી સાંજે દરેક ઝોનમાં દેમાર વરસાદ ઝીંકાતા રવિવારની રજા માણવા નિકળેલા લોકો અટવાયા હતા. માત્ર બે જ કલાકમાં શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મોટા ભાગના વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા.

શહેર ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારે સાંજના સમયગાળા દરમિયાન શરુ થયેલા વરસાદ દરમિયાન શહેરના વરાછા એ ઝોન અને બી ઝોનમાં સર્વાધિક 3 ઇંચ જેટલો વરસાદ ઝીંકાઈ ગયો હતો. બીજી તરફ શહેરના અન્ય ઝોન પૈકી કતારગામ ઝોનમાં દોઢ ઇંચ અને સેન્ટ્રલ ઝોનમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ લીંબાયતમાં 20 એમ.એમ, રાંદેર ઝોનમાં 14 એમએમ અને અઠવા ઝોનમાં માત્ર 1 એમએમ જેટલો ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. જયારે ઉધના ઝોનમાં નહિંવત વરસાદ નોંધવામાં આવ્યો હતો.

બંગાળની ખાડીમાં ઊભી થયેલી લો પ્રેશર સિસ્ટમને લીધે ગુજરાતમાં વરસાદ
ગાંધીનગર : ગાંધીનગર, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી હતી તે મુજબ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી ઉપર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ આ વરસાદ લાવવામાં કારણભૂત છે. હવે આ સિસ્ટમ એકાદ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. 25 થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થશે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં 94 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને છોટા ઉદેપુરના બોડેલીમાં 17 મીમી તથા મહીસાગરના વીરપુરમાં 15 મીમી , દાહોદના ઝાલોદમાં 14 મીમી અને વડોદરામાં 14મીમી વરસાદ થયો હતો. સાંજના અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થયો હતો. રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 80.84 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 136.06 ટકા , ઉત્તર ગુજરાતમાં 67.29 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 65.11 ટકા , સૌરાષ્ટ્રમાં 109.74 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.01 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top