SURAT

સુરતમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી તો હવે ખેર નથી..

સુરત: સુરત (Surat) માં ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસે (Police) લાલ આંખ કરી છે. ખાસ કરીને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પોલીસે આવા તત્વો સામે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ મોડી રાત્રે પોલીસે વ્હીકલ કોમ્બિંગ(Vehicle combing) હાથ ધર્યું હતું. જેમાં નિયમોનું પાલન નહિ કરનાર લોકોની ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. સુરતના ઉમરા, અલથાણ, અઠવા અને વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારનાં જુદા જુદા મુખ્ય પોઇન્ટ્સ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાઈ
પોલીસ અધિકારી ડીસીપી સાગર બગમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમે આ ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં મોડી રાત્રે રસ્તાઓ પર ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા, ત્રીપલ સીટ જતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકોની ગાડીઓ કબજે કરી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો જપ્ત કર્યા છે. આ ઉપરાંત તેઓએ શહેરીજનોને સુચના આપતા જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારને લઇ કોઈ સ્પીડમાં બાઈક નહિ ચલાવો ખાસ કરીને કોઈ રેસ લગાવશો નહિ. શહેરમાં ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારી અને જુદા જુદા ગ્રુપ બનાવી રેસ ડ્રાઇવિંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. કારણ કે આ પ્રકારના બાઈક ચાલકોનાં પગલે વ્યવસ્થિત રીતે જઈ રહેલા વાહન ચાલકોને નુકસાની પહોંચે છે,અકસ્માતનો ભોગ બનવું પડે છે. જેને લઇ સુરત પોલીસ દ્વારા રસ્તા પર ઉતરી સરપ્રાઈઝ વિહિકલ કોમ્બિંગ હાથ ધર્યું હતું.

ગ્રહ રાજ્યમંત્રીએ કરી હતી જાહેરાત
આ કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત બાદ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ સુરતમાં વેસુ પોલિસ મથકના ઉદઘાટન કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જાહેરાત કરી હતી. તેઓએ જાણાવ્યું હતું કે, શહેરમાં ધૂમ બાઇક ચલાવનાર અને ઓવર સ્પીડમાં બાઇક ચલાવનારાઓને છોડવામાં નહિ આવશે. આવા બાઈક ચાલકો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે ગતરોજ મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top