SURAT

સુરત પોલીસે રૂપિયા કમાવા હદ વટાવી, પ્રજાને આ રીતે ઉલ્લું બનાવી આઠ મહિના સુધી ભર્યા ગજવા

સુરત: (Surat) હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસને (Bus) અટકાવી એક હજારનો તોડ (Corruption) પાડતાં પોલીસ (Police) સામે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં પીઆઇડીની ગાડીનો ડ્રાઇવર અને ઓપરેટર સામે આ ગુના દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. લોકરક્ષકમાં ફરજ બજાવતા રમીઝ અનવર ઓપરેટર તરીકે, તાપભાઇ લખુભાઇ હાલમાં ડ્રાઇવર તરીકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

  • લક્ઝરી બસનો એક હજારનો ડુપ્લિકેટ મેમો બનાવી વેપલો કરનારા બે પોલીસ સામે ગુનો દાખલ
  • કાપોદ્રા પીઆઈની ગાડીના ડ્રાઈવર અને ઓપરેટર સામે ગુનો દાખલ
  • લક્ઝરી બસના ચાલકને ૧૦૦૦ રૂપિયાની ડુપ્લિકેટ રસીદ આપતાં ભાંડો ફૂટ્યો, તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

આ લોકોએ ડુપ્લિકેટ રસીદ બનાવીને હીરાબાગ પાસે લક્ઝરી બસને અટકાવી હતી તથા ડ્રાઇવરો પાસે એક હજારનો ડુપ્લિકેટ મેમો ફાડવાનું શરૂ કર્યુ હતું. પરંતુ બંનેએ પોતાના અંગત ફાયદા માટે પોલીસની ડુપ્લિકેટ રસીદ બુક બનાવી લીધી હતી. બાદ ડ્રાઇવરને શંકા જતાં તેમણે રસીદ બસના માલિકને મોકલી હતી. બસના માલિકને પણ રસીદ પર શંકા જતાં તેમણે ખરાઇ કરવા અન્ય પોલીસ અધિકારીને રસીદ મોકલતાં રસીદ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. જેથી આખરે આ મામલે અનાર્મ લોકરક્ષક કનુ દિનેશ ભાટી (રિજિયન-૧ સર્કલ ૧ સેમી સર્કલ ૨ ટ્રાફિક શાખા-સુરત)એ લોકરક્ષક રમીઝ અને લોકરક્ષક ­તાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બંને સામે બોગસ દસ્તાવેજના આધારે ગુનો નોંધ્યો હતો. કાપોદ્રામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.બી.બારોટને સોંપવામાં આવી છે.

ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું કે, લક્ઝરી બસચાલકને જે રસીદો આપવામાં આવતી હતી, તેના ઉપર પોલીસ કમિશનરનો સિક્કો ન હતો. આ ઉપરાંત આ લોકો દ્વારા છેલ્લા આઠ મહિનામાં આ રીતે ગોરખધંધો આચરાતો હતો તેમાં લાખો રૂપિયા ઓહિયા કર્યા હોવાની આશંકા છે. આ મામલે હાલમાં ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

દારૂ પી તોફાન મચાવનાર પીએસઆઈ પીપરીયાને સસ્પેન્ડ કરાયા
સુરત: કમિ. અજય તોમરે પીધ્ધડ પીએસઆઇ હાર્દિક પીપરિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં દારૂ પીને નોકરી કરતાં પોલીસમેનોને સખણા રહેવા માટે સલાહ આપી છે. દારૂ પીને મામાની વાડી પાલ પાસે છાકટા થયેલા પીએસઆઇ હાર્દિક પીપરિયાએ સ્થળ પર ભીખારીને ફટકારતાં સ્થાનિક યુવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતાં આ યુવાનોને પણ ફટકારી લીધા હતા. આ ઉપરાંત આ પીએસઆઇ હાર્દિક પીપરિયાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આટલેથી નહીં અટકતાં પીએસઆઇ હાર્દિક પીપરિયાએ અડાજણ પોલીસમથકમાં આવી તોફાન કર્યું હતું. આ વિડીયો બીજા દિવસે વાયરલ થતાં કમિ. અજય તોમરે ઇન્કવાયરી આપી હતી. તેઓએ જણાવ્યું કે, જો આ પ્રકારની અશિસ્ત દેખાઇ તો તેઓ છોડશે નહીં. આવા પીધ્ધડ પોલીસ જવાનોએ નોકરી જવાની તૈયારી રાખવી પડશે. હાર્દિક પીપરિયાના દારૂ પીધા પછી જે રીતે તોફાન કર્યુ તેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

Most Popular

To Top