SURAT

સુરત પોલીસ ઊંઘતી રહી ને વહેલી સવારે પકડાયુ કંઈક એવુ કે હોશ ઉડી ગયા

સુરત : સુરત (Surat) પોલીસની (Police) તમામ બ્રાન્ચોને (Branch) ઊંઘતી ઝડપીને અમદાવાદની (Ahmedabad) નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે લાજપોર (Lajpor) ચોકડી પાસેથી રૂા. 35 લાખથી વધુનો 724 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ગાંજાનો જથ્થો ટ્રેન નહીં પરંતુ ટ્રક મારફતે 1500 કિલોમીટરનું અંતર કાપીને ઓરિસ્સાથી સુરત લવાયો હતો. વહેલી સવારે ગાંજો ભરેલો ટ્રક સુરતમાં એન્ટર થાય ત્યાં જ પોલીસે તેને પકડી પાડીને સાતની ધરપકડ કરી એક ટ્રક, ફોરવ્હીલર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર એસ.કે. મિશ્રા અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે તેઓએ સચીનની લાજપોર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રિના સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મહારાષ્ટ્ર તરફથી એક ટ્રક નં. એચઆર-64-બી-2691 આવી હતી, આ સાથે જ એક રેનોલ્ટ ડસ્ટર ગાડી નં.એમએચ-એએલ-7082 પણ આવી હતી. આ ઉપરાંત બીજા ત્રણ યુવકો આવ્યા હતા અને તેઓ ટ્રકમાંથી ગાંજાનો જથ્થો ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યાં જ એનસીબીએ રેડ પાડીને ટ્રકના ડ્રાઇવર સહિત કુલ્લે સાત વ્યક્તિને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં આગળના ભાગે એક ચોરખાનું બનાવ્યું હતું, જેમાં પ્લાસ્ટીકના કોથળા પણ મળી આવ્યા હતા. પોલીસે આ કોથળામાં ચેક કરતા કુલ્લે 17 પ્લાસ્ટીકનો કાથળોમાં 243 પેકેટમાં 724 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 35 લાખથી વધુની કિંમતનો ગાંજો કબજે કર્યો હતો.

એનસીબીએ નાસિકમાં રહેતો હેમરાજ ઠાકરે, રૂસ્તમપુરામાં રહેતા ફારૂક શેખ, શકીલ શેખ, શબ્બીર શેખ, ફરહાન પઠાણ તેમજ ઓરિસ્સામાં રહેતો અરૂણ ગૌડાને પકડી પાડ્યો હતો. આ તમામની પાસેથી ગાંજો, ટ્રક અને ફોરવ્હીલર કબજે કરી તમામની ધરપકડ કરીને સચીન પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અરૂણ ગૌડા ડ્રાઇવર હેમરાજ ઠાકરેની સાથે મળીને છેક ઓરિસ્સાથી 1500 કિલોમીટરનું અંતર કાપીને ટ્રકમાં ગાંજો લાવ્યો હતો. ઓરિસ્સાથી ગુજરાત અને સુરત સુધી પહોંચવામાં અનેક ચેકપોસ્ટ છતાં પણ ગાંજો છેક સુરત સુધી આવી ગયો હતો અને સુરતમાં જ એનસીબીએ રેડ પાડીને તમામને પકડી પાડ્યા હતા.

અરૂણ ગૌડા ગાંજાનો મોટો વેપારી
પોલીસના જણાવ્યા પ્રમાણે સુરત પોલીસના ચોપડે અરૂણ ગૌડા ગાંજાનો મોટો વેપારી હોવાનું કહેવાઇ રહ્યું છે. ભૂતકાળમાં કતારગામના ઉત્કલનગર ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારમાં આ અરૂણ ગૌડાએ અનેકવાર ગાંજાનો મોટો જથ્થો મોકલ્યો હોવાનું પણ કહેવાય છે. અત્યાર સુધી પોલીસથી ભાગીને ફરતો અરૂણ ગૌડા હવે એનસીબીના હાથે પકડાયો છે, ત્યારે તેની પુછપરછમાં અનેક મોટા માથાઓના નામો પણ બહાર આવે તેવી શક્યતા છે. હાલ તો સચીન પોલીસે આ સાતેય ગાંજાના વેપારીની ધરપકડ સાથેનો રિપોર્ટ કરીને આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરી છે.

ટ્રકના આગળના ભાગે પુષ્પા ફિલ્મ સ્ટાઇલથી ચોરખાનુ બનાવ્યું હતુ
પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ ગાંજોને છેક સુરત લાવવા માટે પુષ્પા મુવીની સ્ટાઇલથી ચોરખાનુ બનાવ્યું હતું. ટ્રકના આગળના ભાગે જે પાટેશન હોય તેવું જ એક પાટેશન તૈયાર કરીને ચોરખાનુ તૈયાર કરાયું હતું અને તેમાં પ્લાસ્ટીકના કુલ્લે 243 પેકેટમાં ગાંજો સંતાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ચોરખાનુ બંધ કરી દેવાયું હતું. જો કોઇ પોલીસ તપાસ કરે તો તેને એવું જ લાગે કે ટ્રકનો ભાગ છે, પરંતુ ખરેખર અંદર ગાંજો સંતાડેલો હતો. પોલીસે ફિલ્મી સ્ટાઇપથી જ ટ્રકમાં ઠોક-ઠાક કરીને ગાંજાને પકડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top