Sports

આયરલેન્ડ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાને સુકાની બનાવાયો, રાહુલ ત્રિપાઠીને પહેલીવાર તક

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની હાલમાં જ પુરી થયેલી સિઝનના વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આયરલેન્ડ સામે રમાનારી બે ટી-20 મેચની સીરિઝ (Series) માટે ટીમ ઇન્ડિયાનો (Team India) કેપ્ટન જાહેર કરાયો છે. આયરલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટેની ટીમની આજે જાહેરાત (Announce) કરવામાં આવી હતી, જેમાં એકમાત્ર નવા ચહેરા તરીકે રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ઇજાને કારણે અધવચ્ચેથી આઇપીએલમાંથી આઉટ થયેલો અને હાલની દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી બાકાત રહેલા સૂર્યકુમાર યાદવની સાથે જ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનની ટીમમાં વાપસી થઇ છે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવાનું ઇનામ રાહુલ ત્રિપાઠીને મળ્યું છે. ઝઢપી બોલર ભુવનેશ્વર કુમારને આ સીરિઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. ટીમના ઝડપી બોલીંગ આક્રમણમાં કોઇ ફેરફાર કરાયો નથી અને ઉમરાન મલિક તેમજ અર્શદીપ સિંહને ટીમમાં જાળવી રખાયા છે. ભારત અને આયરલેન્ડ વચ્ચે 26 અને 28 જૂને બે ટી-20 મેચ રમાશે. આ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ ઇંગ્લેન્ડ પ્રવાસે હશે. ભારતીય ટીમે 1 જુલાઇથી ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ રમવાની છે.

આયરલેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

આઇપીએલ મીડિયા રાઇટ્સથી બીસીસીઆઇ બખ્ખાં થઇ ગયા
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ) 2023થી 2027ની સિઝન માટેના મીડિયા રાઇટ્સ રૂ. 48,390 કરોડમાં વેચાયા છે, તેની સાથે જ બીસીસીઆઇને તેનાથી બખ્ખાં થઇ ગયા છે. આઇપીએલમાં ફેંકાતા એક બોલથી બીસીસીઆઇને રૂ. 49 લાખની કમાણી થશે અને એ હિસાબે દર ઓવરના બીસીસીઆઇને રૂ. 2.95 કરોડ મળશે. મીડિયા રાઇટ્સ જે વિક્રમી કિંમતે વેચાયા છે તેના કારણે બીસીસીઆઈને 2023થી આઇપીએલની એક મેચમાંથી રૂ. 118 કરોડની કમાણી થશે. 2018માં સ્ટાર ઇન્ડિયા દ્વારા મેળવાયેલા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ અનુસાર ભારતની દરેક ડોમેસ્ટિક મેચનું સરેરાશ મૂલ્ય રૂ. 60 કરોડ છે.

ખાસ તો બીસીસીઆઇ 2018થી 2022ની પાછલી સાયકલમાં આઇપીએલની દરેક મેચમાંતી લગભગ રૂ. 55 કરોડ કમાતું હતું. બીસીસીઆઇએ પહેલીવાર આઇપીએલના ટીવી અને ડિજીટલ રાઇટ્સને અલગઅલગ કર્યા છે અને તેની સાથે જ બીસીસીઆઇ દ્વારા પહેલીવાર મીડિયા રાઇટ્સ માટેના ચાર અલગઅલગ પેકેજ બનાવાયા હતા. જેમાં ટીવી રાઇટ્સનું પેકેજ-એ રૂ. 23,575 કરોડમાં, ડિજીટલ રાઇટ્સનું પેકેજ બી 20500 કરોડમાં, નોન એક્સક્લુઝીવ રાઇટ્સનું પેકેજ સી 2991 કરોડમાં જ્યારે વિદેશી ટીવી અને ડિજીટલ રાઇટ્સનું પેકેજ ડી રૂ. 1057 કરોડમાં વેચાયું હતું.

Most Popular

To Top