Dakshin Gujarat

સુરતીઓને ફરવા માટે વધુ એક બીચ મળશે: ઓલપાડના ડભારીના ભાગીવાળી બીચનો રસ્તો બનાવાશે

ઓલપાડ ટાઉન: (Olpad) સુરતીઓ જેઓ દરિયા કિનારે ફરવાના શોખીન તેવા પ્રવાસીઓ (Tourists) માટે રાહતના સમાચાર છે. ઓલપાડના ડભારીના ભાગીવાળી બીચનો રસ્તો બનાવાશે જે પહેલા જર્જરિત હાલતમાં હતો. સુરત શહેર અને જિલ્લાના સહેલાણીઓ માટે સૌથી લોકપ્રિય અરબી સમુદ્રના કાંઠે આવેલા ડભારી બીચને (Dabhari Beach) જોડતા માર્ગનો (Road) ડામર સપાટી વડે નવીનીકરણ માટે રાજ્યના કેબિનેટ-માર્ગ મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રાજ્યના કૃષિ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના અંતિમ છેવાડાના ડભારી ખાતે આવેલો ભાગીવાળી બીચ સૌથી સુરક્ષિત અને સ્વચ્છ બીચ છે. વીક એન્ડમાં અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ દરિયાની સહેલગાહે આવે છે. પરંતુ રસ્તો જર્જરીત હોવાથી સહેલાણીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જેથી કાંઠા વિસ્તારના પ્રજાજનો અને પર્યટકોની દરિયા કિનારે જવા માટે વર્ષોજૂની માંગણી હતી. જે આજે પરિપૂર્ણ થઈ રહી છે.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ માર્ગ મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ૧૭૦ લાખના ખર્ચે ૨.૭૦ કિ.મી.ના ડભારી બીચને જોડતા માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાને અડીને કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવા જઈ રહી છે. આ માર્ગથી દરિયા કાંઠે આવેલા તમામ બીચોનો સુપેરે વિકાસ થશે અને કાંઠાના લોકો માટે રોજગારીની અનેક તકો ઊભી થશે. ડુમસ, સુંવાલી અને સાથે સાથે ડભારી બીચનો પણ પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવશે.

પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે રજૂઆત કરી હતી
મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકારો સાથે વાતચીતમાં ડભારી બીચ માટે સૌપ્રથમ રજૂઆત કરનાર સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલને યાદ કરી જણાવ્યું હતું કે, ઉષાબેને તત્કાલીન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડભારી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રજૂઆત કરી હતી. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ‘મન કી બાત’માં પણ કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય મંત્રી મુકેશભાઈ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષની સફળ રજૂઆત હોવાનું પણ જણાવ્યું હતું.

Most Popular

To Top