SURAT

સુરતની નવી સિવિલમાં 5 અંગોના દાનથી અનેકને મળ્યા નવજીવન

સુરત : માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ તરીકે ખ્યાતિ પામનાર સુરત (Surat) અંગદાન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આજે શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે દિવાસાનાં પાવન પર્વે વધુ એક અંગદાન (Organ Donation) નોંધાયું હતું. શહેરના ઉધના (Udhana) ખાતે રહેતા 43 વર્ષીય બ્રેઇનડેડ હિનાબેન હિતેશભાઇ સોજીત્રાની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 33મું અંગદાન થયું હતું. અષાઢી અમાસ એવા દિવાસાનાં શુભ પર્વે સુરતના સત્યનગર, ઉધના (મૂળ. ભાવનગર) ખાતે રહેતા 43 વર્ષીય હિનાબેન હિતેશભાઈ સોજિત્રા 15મી જુલાઈના રોજ તેમની દિકરીઓને ઉધનાગામ સ્થિત મીરાનગર પ્રાથમિક શાળાએ લેવા ગયા હતા. તે સમયે ચક્કર આવવાથી તેઓ બેભાન થયા હતા. જે પછી તેમને તાત્કાલીક બપોરે 12 વાગ્યે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ 17મીએ એટલેકે આજ સવારે 9:44 કલાકે ન્યુરોફિઝિશિયન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક અને ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પરિવારજનોને સોટોની ટીમના RMO ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી સ્વ.હિનાબેનનાં પતિ હિતેશભાઈએ અંગદાનની સમંતિ આપી હતી. સ્વ. હિના બહેનના પરિવારમાં તેમના પતિનું હિતેશભાઇ સુરેશભાઇ સોજીત્રા, 11 વર્ષીય ક્રુપાબેન તથા 4 વર્ષીય વૈભવીબહેન છે. બ્રેઈનડેડ સ્વ.હિનાબેનના બે કિડની, એક લીવર તથા બે ચક્ષુનું દાન લેવામાં આવ્યું હતું. જેમાં કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. આમ સ્વ. હિનાબેનના પાંચ અંગદાનથી પાંચ જિંદગીઓને નવજીવન આપવાનું સેવાકાર્ય થયું હતું.

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, સર્જરીના હેડ ડૉ. નિમેશ વર્મા, ટીબી વિભાગના વડા ડૉ. પારૂલ વડગામા, ડૉ. લક્ષ્મણ તહેલાની, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફના પ્રયાસો થકી એક વધુ અંગદાન સફળ બન્યું હતું.

Most Popular

To Top