SURAT

આજથી શહેરમાં શેરી ગરબાની રમઝટ જામશે, ખૈલૈયાઓમાં ભારે થનગનાટ

સુરત: શક્તિ અને ભક્તિના પર્વ મનાતા નવરાત્રિપર્વ(Navratri)નો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઈ ખૈલેયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે તેમજ માતાજીની ભક્તિનું પણ પર્વ હોય આસ્થાળુઓ માટે પણ આ નવ દિવસ ભક્તિ અને પુજનના દિવસો બની રહેશે. આ વખતે ખૈલૈયાઓ માટે આનંદની વાત એ છે કે પુરેપુરા નવ દિવસની નવરાત્રિમાં રમવાનું મળી રહેશે. વળી સરકારે પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાત્રે 12 વાગ્યા સુધી ગરબા(Garba) રમવાની છુટ આપી હોય મોડે સુધી રમઝટ ચાલુ રહેશે.

શેરીઓમાં તડામાર તૈયારીઓ
છેલ્લા થોડા વરસોથી શહેરમાં પ્રોફેશનલ ગરબાના આયોજનોનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. હવે ઇન્ડોર સ્ટેડીયમ સહીત પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાએ યોજાતા પ્રોફેશન ગરબા સિમિત થઇ ગયા છે. માત્ર ત્રણ ચાર જગ્યાએ પ્રોફેશનલ આયોજનો છે. જો કે શેરીએ શેરીએ અને મહોલ્લાઓમાં નવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ હોય આ વરસે સુરતમાં શેરી ગરબાઓ ધુમ મચાવશે અને લોકો ઘર આંગણે પરંપરાગત ગરબીઓનું પણ વ્યાપક પ્રમાણમાં આયોજન કરી રહ્યા છે.

‘ગુજરાતમિત્ર’ અને મેન ઈઝ હા ગ્રુપ આયોજીત શેરી ગરબાનો આજથી પ્રારંભ
મા-અંબાની ભક્તિનું પર્વ એટલે નવરાત્રીમાં અંબાની આરાધના કરી આજથી ‘ગુજરાતમિત્ર’ અને મેન ઈઝ હા ગ્રુપ આયોજીત શેરી ગરબા સ્પર્ધા-2022નો આજથી શુભારંભ થશે. ગુજરાતમિત્ર, મેન ઈઝ હા ગ્રુપ, રીયલ ચેનલ, ઈન ન્યુઝ ગુજરાત ચેનલ સુરત આયોજીત આ સ્પર્ધા આ 25માં વર્ષમાં પ્રવેશી છે. આ 25માં વર્ષ અંતર્ગત શેરીગરબા-2022માં સાદાગરબા, દોઢિયા રમઝટ, રાશરમઝટ, શેરી શણગાર, આરતી શણગાર, માટલી શણગાર, રંગીલો સુરતી અને માતાજીની આરતી એમ આઠ સ્પર્ધા રમાડવામાં આવશે. સ્પર્ધા દરમિયાન તમામ ખેલૈયાઓને અગાઉથી આપવામાં આવેલા બેચને આધારે નિર્ણાયકો દ્વારા વિજેતા નક્કી કરીને સ્થળ પર જ ઈનામો આપવામાં આવશે. દરેક જગ્યાએ 20 થી વધુ ઇનામો અપાશે. દરેક શેરી મોહલ્લો સોસાયટી કે એપાર્ટમેન્ટમાં આ સ્પર્ધા દરમ્યાન ‘દાદા-દાદી’થી લઇને પૌત્ર-પૌત્રી સુધીની 3 પેઢી એક સાથે રમતા હોય છે. સ્થળ પર હાજર તમામ વ્યકિતઓ એક સાથે માતાજીની આરતી ઉતારે છે અને માતાજીની આરતી ગાવામાં આવે છે સાથે ઢોલ, મંજીરા જેવા વાજીંત્રો વગાડી, ધુપ સળગાવી સમગ્ર વાતાવરણને પવિત્ર સાત્વીક અને ધાર્મિક બનાવવામાં આવે છે. ત્યાર બાદ સ્પર્ધાની શરૂઆત થાય છે.

Most Popular

To Top