Business

2022ના વર્ષમાં ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો તે ધોવાઇ ગયો

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલી લડાઇનો અંત આવતો નથી, ત્યારે રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી છે, તેવા સંજોગોમાં મોંઘવારી દર વધુને વધુ ઉંચકાતો જોવા મળી રહ્યો છે, જેના લીધે અમેરિકા સહિત પશ્ચિમી દેશો મોંઘવારી દરને નાથવા નિષ્ફળ નીવડી રહ્યા છે તેની સાથે સાથે ચીનમાં ચાલી રહેલા સ્લોડાઉનના પરિણામે વિશ્વભરના ઇકવીટી બજારો ઉપર કરેકશન જોવા મળતું હતું અને ખાસ કરીને પશ્ચિમી દેશોના શેરબજારોમાં ભારે કરેકશન આવ્યું છે, પરંતુ આ તમામ સંકેતો વચ્ચે પણ ભારતીય શેરબજાર ટકી રહ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ દિવસના કડાકા બાદ ભારતીય શેરબજારમાં પણ કરેકશન જોવા મળી રહ્યું છે અને 2022ના વર્ષમાં શેરબજારમાં જે ઉછાળો આવ્યો હતો, તે ધોવાઇ જવા પામ્યો છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદર વધારવાની જાહેરાતના પગલે કરન્સી બજારમાં અફરાતફરી જોવા મળી હતી અને રૂપિયો ઐતિહાસિક નીચે ઉતરીને 81ની આસપાસ બોલાતો જોવા મળ્યો છે. જેને ઇન્ટ્રાડેમાં 81ની સપાટી કુદાવી દીધી હતી. જેના પરિણામે ભારતીય શેરબજારમાં ગાબડું પડયું હતું.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના આઉટલુકના પગલે બજારમાં ચિંતા વધતી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં વિતેલા સપ્તાહમાં વેચવાલીનું દબાણ રહેતાં ટેકનીકલ રૂપે ડીએમએની નીચે બંધ રહ્યા હતા. જેમાં એક બેરીયશ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશનનો બ્રેકડાઉન જોવા મળ્યો હોવાથી હજુય ભારતીય શેરબજારમાં કરેકશન ચાલુ રહે તેવી સંભાવના છે. જેથી ભારતીય શેરબજારમાં 17000 પોઇન્ટની સપાટી તોડીને નીચે ઉતરશે. જોકે, 16800 પોઇન્ટની સપાટી તોડશે તો શેરબજારમાં વધુ મંદી જોવા મળ્યો હતો. જ્યારે 17100 પોઇન્ટની ઉપર ટકેલું રહેશે તો સપોર્ટ લઇને બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. પરંતુ વૈશ્વિક સંકેતોને જોતાં ભારતીય શેરબજારમાં વધઘટે નરમાઇ તરફી ઝોક રહી શકે છે.

અમેરિકાના ફેડરેટ વધ્યા બાદ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તથા સ્વીટઝરલેન્ડ દ્વારા પણ 75 બેસીસ પોઇન્ટના વ્યાજદરમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને આ મહિનાના અંતે ભારતીય રિઝર્વ બેન્કની પણ બેઠક મળનારી છે અને આ બેઠકમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો થવાના સંકેત મળી રહ્યા છે. અગાઉ 35 બેસીસ પોઇન્ટની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે મોંઘવારી દરના ડેટા જોવા મળી રહ્યા છે, તેને અનુલક્ષીને ભારતીય રિઝર્વ બેન્ક 50 બેસીસ પોઇન્ટનો વધારો કરે તેવી શક્યતા છે અને ત્યારબાદ પણ વ્યાજદરમાં વધારો ચાલુ રહે તેવું પણ અનુમાન કરાઇ રહ્યું છે. બીજી તરફ, ભારતીય શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી બેઉતરફી વધઘટ સાથે કરેકશન ચાલી રહ્યું હોવાની સાથે કરન્સી બજારમાં પણ અફરાતફરી જોવા મળી હતી

અને રૂપિયો સતત તૂટતો જોવા મળી રહ્યો છે. જે આવનારા દિવસોમાં પણ ફેડરેટ વધવાના કારણે ડોલર ઇન્ડેક્સ ઉંચકાતા ડોલરમાં મજબૂતાઇ આગળ વધે તેવું માની રહ્યા છે. જેની પ્રતિક્રિયા ભારતીય શેરબજારમાં જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાંથી રોજેરોજ વિદેશી રોકાણકારોની એકઝીટ થતી જોવા મળી રહી છે. જે ચિંતાનો વિષય ગણી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનાથી એફઆઇઆઇની ખરીદી શરૂ થઇ હતી, તે ફરીથી વેચવાલ થતાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આમ, ભારતીય શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી અને તેની સામે ડીઆઇઆઇની નહિંવત ખરીદી બજારમાં મંદીનો ઝોક દર્શાવે છે. આમ, વૈશ્વિક નકારાત્મક સંકેતો, વધતી જતી મોંઘવારી સામે વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા અવિરત વ્યાજદરોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે બજારમાં ઘટાડાની ચાલને આગળ ધપાવશે અને વિશ્વભરના શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ વધઘટે નરમાઇનો ઝોક જોવા મળી શકશે. એક તબક્કે ભારતીય શેરબજારમાં નિફ્ટી 17000 પોઇન્ટની સપાટી તોડીને 16800 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. જોકે, આ દરમ્યાન કોઇ સકારાત્મક ઘટના બની જાય તો બજારમાં યુટર્ન આવી શકે છે, પણ હાલના તબક્કે બજારમાં કોઇ સુધારાની શક્યતા દેખાતી નથી.

Most Popular

To Top