Business

સ્માર્ટ સુરતના આ વિસ્તારમાં રોજ સાંજે થાય છે એવું કે લોકો ઘરની બહાર પણ નથી નિકળી શકતા

સુરત: (Surat) શહેરના ભાઠેના ખાતે આવેલા રઝા નગરના (Raza Nagar) રહીશો હાલ પોતાના વિસ્તારમાં પાણી ભરાવાની (Water Logging) સમસ્યાને કારણે પરેશાન છે. વરસાદ વગર પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો રહે છે. સ્થાનિકોનું કહેવું છે કે દરરોજ સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી આ પરિસ્થિતિ રહે છે. વિસ્તારમાં પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. જેને કારણે સ્થાનિકોએ અનેકવાર ડ્રેનેજ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું.

ભાઠેનાનું પંપીગ સ્ટેશનની બાજુમાં આવેલો રઝા નગર વિસ્તાર જ્યાં દરરોજ સાંજે પીવાનું પાણી સપ્લાય થાય છે ત્યાં છેલ્લા દોઢ મહિનાથી રહીશો પરેશાન છે. લગભગ સવાસો મકાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંજનાં પાણીનું સપ્લાય થતાં જ આ વિસ્તારમાં પાણીનું તળાવ બની જાય છે. જેને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે આમ તો આ સમસ્યા લાંબા સમયથી છે પરંતુ છેલ્લા દોઢ બે મહિનામાં આ સમસ્યા ઓર વધી ગઈ છે. અહીં ગંદુ પાણી જમા થવાને કારણે દુર્ગંધથી પણ લોકો પરેશાન છે. લોકોનું કહેવું છે કે સાંજે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ પરિસ્થિતિ રહે છે. જેના કારણે લોકો ઘરની બહાર પણ નિકળી નથી શકતા. બાળકો રમી શકતા નથી, વૃદ્ધોને પણ અવર જવરમાં તકલીફ પડે છે.

પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવ કરીશું – અસલમ સાયકલવાલા, પૂર્વ નગરસેવક
આશરે ૭ હજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી તેમજ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં બીજા ક્રમે આવતી અને કહેવાતી સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાનાં લીંબાયત ઝોનમાં આ પરિસ્થિતિ છે. હાલ આ મામલે સ્થાનિકોએ ઝોન પર રજુઆત કરી છે. જો બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું સ્થાનીય લોકો સાથે પમ્પિંગ સ્ટેશનનો ઘેરાવ કરીશ.

શુક્રવાર સુધીમાં રીકેજ રિપેરિંગ પુરું કરી દેવાશે- ભૈરવ દેસાઈ, ઓફિસર, ડ્રેનેજ વિભાગ
ભાઠેના પમ્પિંગની અંદર ખાડીનું પાણી આવતું હતું. જેને કારણે ડ્રેનેજમાં પાણીની આવક વધી જાય છે. આગળ પંપ મુકેલા છે. પીક અવર્સમાં બંને પાણી ભેગા થાય છે. અમે આખા પંપિંગનું રીહેબીલીટેશનનું કામ હાથ પર લીધુ હતું. પરંતુ પાછલા દિવસોમાં હેવી વરસાદને કારણે જે ખાડીઓ ઉભરાઈ હતી તે સમયે એક લીકેજ થયું છે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. જેનું રિપેરિંગ કામ શુક્રવાર સુધી પુરું કરી દેવાશે. બીજી તરફ આ વિસ્તારમાં પાણી પૂરવઠાના સમય દરમ્યાન ત્રણ કલાક વિસ્તારના નળ ખુલ્લા રહે છે. જેને કારણે ડ્રેનેજમાં પાણીની આવક વધી જાય છે.


Most Popular

To Top