Gujarat Election - 2022

સુરતમાં એક મહિનાના નવજાત શિશુ સાથે માતાએ કર્યું મતદાન

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાનમાં આજે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી જ વિવિધ મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. વૃદ્ધો વ્હીલચેરમાં બેસી ગયા હતા તો કેટલાંક ગ્રુપ ઢોલ નગાડા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે સુરતમાં એક માતા 1 મહિનાના નવજાત શિશુને લઈ મતદાન કરવા પહોંચી હતી.

સવારથી જ સુરત શહેરના અનેક મતદાન મથકો પર મતદારોએ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનીનું પ્રથમ તબક્કાનું મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોચ્યાં હતા. ત્યારે 168-ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ડિંડોલીની રામી પાર્ક ખાતે આવેલી સનરાઈઝ વિદ્યાલયના મતદાન મથકે પોતાના એક મહિનાના નવજાત શિશુ સાથે માતા તનુ મિશ્રા લોકશાહીના તહેવારમાં પોતાનું યોગદાન આપવા પહોચ્યા હતા.

  • સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક મહિનાના નવજાત શિશુ સાથે જનેતા તનુ મિશ્રાએ કર્યું મતદાન
  • વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ અવરોધો નડતા નથી
  • મતદાન સૌની નૈતિક ફરજ, દીકરી સાથે મતદાન મથકે પહોચવું અનેરો ઉત્સાહનો અનુભવ: માતા તનુ મિશ્રા

મૂળ ઉત્તરપ્રદેશ અને વર્ષોથી સુરતના દેલાડવા ખાતે રહેતા 26 વર્ષીય તનુ સંતોષ મિશ્રાએ જણાવ્યું કે,જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. મતદાન કરવું એ સૌની નૈતિક ફરજ છે. હું વહેલી સવારે મારી એક મહિનાની દીકરી વર્ષા મિશ્રા અને પરિવાર સાથે મતદાન મથકે પહોચી ત્યારે હાજર લોકોએ આવકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપતા ખુબ ઉત્સાહ અને ખુશીનો અનુભવ થયો હતો. તેમણે અન્ય મહિલાઓને પણ પોતાના મતનો અચૂક ઉપયોગ કરવા સંદેશ પાઠવ્યો હતા.

વોટિંગ બાદ બર્થ ડે સેલિબ્રેશન
સુરતમાં આ વખતે 100 ટકા વોટિંગનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વિવિધ સોસાયટીના રહીશો એકજૂટ થઈ ઢોલ નગારા સાથે વોટિંગ કરવા જતા જોવા મળ્યા હતા. અબ્રામા રોડની શાંતિનિકેતન ફ્લોર સોસાયટીના નાગરિકોએ ઢોલ નગાડા સાથે વોટિંગ કર્યું હતું. સિટીલાઈટ રોડની સૂર્યપ્રકાશ રેસીડેન્સીના નાગરિકો 100 ટકા વોટિંગની અપીલના બેનરો લઈ એકસાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા. આ સોસાયટીમાં રહેતા એક મહિલાનો આજ રોજ જન્મ દિવસ છે તેથી તે મહિલાએ મતદાન કર્યા બાદ મતદાન મથક બહાર કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો.

Most Popular

To Top