SURAT

સુરત: કતારગામ દરવાજાના કર્મચારી આવાસો ખાલી કરવા અંગેની નોટિસથી હોબાળો, પરિવારોમાં ફફડાટ

સુરત : કતારગામ (Katargam) દરવાજા ખાતે 20 વર્ષ પહેલા બનેલા કર્મચારીઓ આવાસો જર્જરિત થઇ જતાં તેને ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં આવી હોય, ચોમાસાની (Monsoon) જમાવટ વચ્ચે રાતોરાત રસ્તા (Road) પર આવી જવાના ભયથી અહી રહેતા પરિવારોમાં ફફડાટ મચી ગયો હતો. તેમજ યુનિયનના અગ્રણીઓની ઉપસ્થિતીમાં હોબાળો કરાયો અને મનપા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. આ મામલે આગામી દિવસમાં મનપા કમિશનરને પણ તેઓ રજૂઆત કરવા પણ તૈયારી કરાઇ છે.

  • ચોમાસાની જમાવટ વચ્ચે રાતોરાત રસ્તા પર આવી જવાના ભયથી અહી રહેતા પરિવારોમાં ફફડાટ મચી ગયો
  • આ મામલે આગામી દિવસમાં મનપા કમિશનરને પણ તેઓ રજૂઆત કરવા પણ તૈયારી કરાઇ

વિસ્તૃત વિગતો મુજબ કતારગામ દરવાજા નજીક સફાઈ કામદારો અને બેલદારોના આવાસ છે જેમં ૪૪ રૂમમાં ૨૮થી વધુ પરિવાર રહે છે. આ આવાસો 20 વર્ષ પહેલા અહીની ઝુંપડપટ્ટી હટાવી બનાવાયા હતા અને સફાઇકામદારો તેમજ બેલદારોને ફાળવાયા હતા. હવે ચોમાસું જમાવટ લઇ ચુકયુ છે ત્યારે જ મનપા દ્વારા ખાલી કરવા માટે નોટિસ અપાતા કામદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. યુનિયન અગ્રણી ભાઇલાલ વૈષ્ણવ સહીતના આગેવાનો અહી પહોંચી ગયા હતા. અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમને અહીં જ રહેવા દેવા જોઈએ તેવી માંગણી ઉઠાવી હતી. યુનિયનના આગેવાનોએ અગાઉ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઝૂંપડપટ્ટીના બદલામાં આવાસ ફાળવવામાં આવ્યા છે. ત્યારે અમે આવાસો રૂપિયા આપીને ખરીદેલા છે. અહીં તોડીને નવા બને એનો અમને વાંધો નથી. નવા બને તેમાંથી અમને મકાન આપવા જોઈએ. અમને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ અને ન થાય ત્યાં સુધી રહેવા દેવા જોઈએ. અમારી માગ છે કે, અમને ભાડું આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે.જો એમ નહીં કરી આપવામાં આવે તો અમે પાલિકા કમિશનરને તથા ઉપર પણ રજૂઆત કરીશું.

Most Popular

To Top