SURAT

કાપોદ્રાના રહીશોએ રસ્તાનું એવું તો કેવું નામ પાડ્યું કે મનપાના કર્મચારી શરમાઈ ગયા

સુરત : વરાછા ઝોનના કાપોદ્રા વિસ્તારમાં નિલકંઠ સોસાયટીના રસ્તા મુદ્દે અગાઉ વિવાદ થયો હતો. વરસોથી આ રસ્તો કોર્ટ કેસના કારણે બનતો નથી. તેથી આમ આદમી પાર્ટીના સ્થાનિક નગર સેવકો દ્વારા આ રસ્તાને મેયર હેમાલી બહેનના નામ સાથે જોડીને અહીં ‘બોઘાવાલા રોડ’ નામ આપી નવતર વિરોધ નોંધાવ્યો હતો તેમજ હવે તો અહીં મેયરનું નામ જોડાયું તેથી રસ્તો બનાવો તેવી માંગણી કરી હતી.

જો કે આ વિવાદના મહિનાઓ બાદ ગુરૂવારે વરાછા ઝોનની ટીમ રસ્તો બનાવવા ગઇ હતી. જો કે રસ્તા મુદ્દે કોર્ટ કેસ હોવાથી વિવાદી જમીનને બાદ કરી જે રસ્તો બચતો હતો ત્યાં રસ્તો બનાવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ટોળે વળીને મનપાની ટીમને ઘેરી લીધી હતી તેમજ જ્યાં સુધી આખો રસ્તો નહીં બનાવો ત્યાં સુધી જવા નહીં દેવાઇ તેવું કહીં બે કલાક સુધી મનપાના અધિકારીઓને બાનમાં લીધા હતા. અહી અગાઉ જે રસ્તો હતો તેનો અમુક ટી.પી.માં વેરીએશન આવતા ખાનગી માલિકને ફાળવી દેવાયો હતો અને રસ્તો સામેની જગ્યા પર સીફટ થયો હતો. જો કે સોસાયટીના લોકોએ તેનો વાંધો ઉઠાવતા કોર્ટમાં કેસ કર્યો છે અને જુના રસ્તાની જે જગ્યા મળી છે તે જમીન માલિક ત્યાં રસ્તો રીપેર કરવા સામે કંટેમ્ટ ઓફ કોર્ટની ચિમકી આપે છે. તેથી મનપાના તંત્રની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ છે. જો કે સ્થાનિક રાજકીય નેતાઓના દબાણના પગલે ખાનગી માલિકને ફાળવાયેલી જગ્યાને બાદ કરી અન્ય રસ્તાને રીપેર કરવાનું શરૂ થતાં જ લોકોએ આખો રસ્તો બનાવવાની માંગ સાથે હોબાળો કરતા પોલીસની મદદથી મનપની ટીમ માંડ માંડ બહાર નિકળી શકી હતી.

Most Popular

To Top