Dakshin Gujarat

વલસાડમાં ડ્રેનેજ પ્રોજેકટ અઘુરો: જો આ સુવિઘા શરૂ થાય તો પાલિકાની લાખો રૂપિયાની આવક વઘી શકે

વલસાડ : વલસાડ મોગરાવાડી-અબ્રામા વિસ્તારને પાલિકામાં આવીને 15 થી વધુ વર્ષનો સમય થઇ ગયો છે, પરંતુ આ બે વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા આપવામાં પાલિકાને વર્ષો લાગી રહ્યા છે. જેના માટે ગુજરાત સરકારે રૂ. 55 કરોડનો એક પ્રોજેક્ટ વર્ષ 2010માં શરૂ કર્યો હતો. જેને 11 વર્ષ પુરા થઇ ગયા છતાં હજુ સુધી તે પૂરો થઇ શક્યો નથી. જેના કારણે હજુ ત્યાંના મિલકતધારકો ખાડકુવાનો જ ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાત સરકારના જીયુડીસી દ્વારા વલસાડમાં સમાવેશ થયેલા અબ્રામા અને મોગરાવાડી વિસ્તારને ડ્રેનેજની સુવિધા આપવા રૂ. 55 કરોડ ફાળવ્યા હતા. આ તમામ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખી તેમને ખાળકુવા વાળી ડ્રેનેજ પદ્ધતિમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ થયો હતો. જેના માટે વર્ષ 2010માં વર્ક ઓર્ડર આપી આખો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ શરૂ થતાં ડ્રેનેજ લાઇન નાખતા જ 4 વર્ષ વીતી ગયા હતા. ત્યારબાદ પમ્પિંગ સ્ટેશનના અભાવે આ ડ્રેનેજ લાઇન ધૂળ ખાઇ રહી હતી અને આ પ્રોજેક્ટ ટલ્લે ચઢી ગયો હતો. હાલ છેલ્લા બે વર્ષથી પમ્પિંગ સ્ટેશન માટે જગ્યાની ફાળવણી થઇ ગઇ હતી અને તેની કામગીરી પણ શરૂ થઇ ગઇ હતી, પરંતુ હજુ સુધી આ ડ્રેનેજ લાઇન શરૂ થઇ શકી નથી. હજુ આ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનો સંપૂર્ણ પણે કાર્યરત થઇ શક્યા નથી.

મોગરાવાડી અને અબ્રામામાં 50 હજારની વસ્તી છે. આ વિસ્તાર 4.5 કિમી જેટલો ફેલાયેલો છે. જ્યાં અહીં 7 જેટલા પમ્પિંગ સ્ટેશનો બનવાના હતા. જેમાં હજુ સુધી 4 પમ્પિંગ સ્ટેશન જ બન્યા છે. હજુ પણ 3 પમ્પિંગ સ્ટેશન બનવાના બાકી હોય આ આખો પ્રોજેક્ટ કાર્યવંત થઇ શક્યો નથી. જેના કારણે પરિસ્થિતિ હજુ પણ જેમની તેમ જોવા મળી રહી છે.

અનેક લોકોએ ગેરકાયદેસર જોડાણ કરી દીધું
મોગરાવાડી અબ્રામા વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ સુવિધા અપાઇ નથી. જેના માટે પાલિકા દ્વારા હજુ સુધી કોઇ પણ ટેક્સની વસૂલાત થઇ રહી નથી. તેમ છતાં અનેક નવા મકાન ધારકોએ ખાળકુવા સિસ્ટમના બદલે ડ્રેનેજ લાઇનમાં જ પોતાનું કનેક્શન આપી દીધું છે. પાલિકાના ડ્રેનેજ વિભાગના કેટલાક અધિકારીઓએ જ રૂ. 10 થી રૂ. 15 હજાર લઇ તેમને આવા કનેક્શન આપી દીધા હોવાની જાણકારી સૌને છે, પરંતુ તેની સામે કોઇ અવાજ ઉઠાવતા નથી.

આ સુવિધા શરૂ થાય તો પાલિકાની લાખો રૂ. ની આવક વધી શકે
વલસાડ નગરપાલિકા દ્વારા હાલ અબ્રામા અને મોગરાવાડીના અંદાજીત 18,500 જેટલા મિલકતધારકો પાસેથી ડ્રેનેજ વેરાની વસૂલાત થતી નથી. તેમ છતાં અનેક મિલકતધારકો ગેરકાયદેસર રીતે આ ડ્રેનેજ લાઇનો ઉપયોગ કરી રહ્યા છે. જો આ પ્રોજેક્ટ પૂરો થાય અને કાયદેસર રીતે તેમને કનેક્શન અપાય તો તેમની પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનો ડ્રેનેજના વેરાની આવક થઇ શકે એમ છે.

અબ્રામા મોગરાવાડી માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન પણ તૈયાર
વલસાડના અબ્રામા મોગરાવાડીની ભૂગર્ભ ગટર યોજના(ડ્રેનેજ લાઇન) માટે વલસાડમાં 30 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનવાનો હતો. જોકે, આખો પ્રોજેક્ટ ઘોંચમાં પડતા આ પ્લાન્ટ 20.20 એમએલડીનો તૈયાર થયો હતો. જોકે, આ પ્લાન્ટ હાલ તૈયાર થઇ ગયો છે, પરંતુ પ્રોજેક્ટ હજુ સુધી પૂરો થઇ શક્યો નથી.

Most Popular

To Top