SURAT

કોરોનાનો કહેર જતા જ એક વર્ષમાં દક્ષિણ ગુજરાતના CMAના ફાઇનલ રિઝલ્ટમાં 24 ટકાનો વધારો

સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન-2022માં લેવામાં આવેલી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એટલે કે સીએમએની (CMA) ફાઇનલ અને ઇન્ટરમીડિએટ ની પરીક્ષાનું (Exam) પરિણામ (Result) મંગળવારે મોડી સાંજે જાહેર થયું હતું. આ પરીક્ષામાં સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતનું ફાઇનલનું પરિણામ 42% આવ્યું છે. જે ડિસેમ્બર-2021ની સરખામણીમાં 24% વધ્યું છે. આમ, કોરોના વાયરસની મહામારી જતા વિદ્યાર્થીઓના પરિણામમાં સુધાર આવ્યો હોવાનું જણાય છે.

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના સુરત સહિત દક્ષિણ ગુજરાત ચેપ્ટરના સીએમએ નેન્ટી શાહે જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતના 131 વિદ્યાર્થીઓએ જૂન-2022ની ફાઇનલ પરીક્ષા આપી હતી. જેમાંથી 36 વિદ્યાર્થી કમ્પલિટ પાસ થયા છે એટલે કે બંને ગ્રુપમાં પાસ થયા છે. જ્યારે 19 વિદ્યાર્થી એક જ ગ્રુપમાં પાસ થયા છે. આમ, સુરત સહિત દક્ષિણ ગુજરાતનું પરિણામ 42% રહ્યું છે. તેવી જ રીતે વર્ષ-2021ની વાત કરીયે તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના 110 વિદ્યાર્થીઓએ ડિસેમ્બરની ફાઇનલ પરીક્ષા આપી હતી. જેમાં 11 વિદ્યાર્થીઓ કમ્પલિટ પાસ થયા હતા અને 13 વિદ્યાર્થી એક ગ્રુપમાં પાસ થયા હતા. જે સમયે સુરત સહિત દક્ષિણ ગુજરાતનું પરિણામ 18% આવ્યું હતું. અહીં તજજ્ઞો જણાવે છે કે કોરોના વાયરસની મહામારીમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન અપાઇ રહ્યું હતું. જેને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકયા ના હતા. પણ હાલમાં ઓફલાઇન એજ્યુકેશન અપાય રહ્યું છે. જેને કારણે વિદ્યાર્થીઓને ફાયદો થયો હોવાનું જણાય આવે છે.

ઇન્ટરમિડિયેટના પરિણામમાં 2% વધારો
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ જૂન-2022ની ઇન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ પણ મંગળવારે મોડી સાંજે જાહેર કર્યું હતું. જેમાં સુરત સાથે દક્ષિણ ગુજરાતનું પરિણામ 33% રહ્યું છે. આ પરીક્ષા અપાવનારા 237માંથી 30 વિદ્યાર્થી કમ્પલિટ પાસ થયા છે. જ્યારે 48 વિદ્યાર્થી એક ગ્રુપમાં પાસ થયા છે. જો કે, ડિસેમ્બર-2021ની ઇન્ટરમિડિયેટ પરીક્ષામાં 211માંથી 42 વિદ્યાર્થી કમ્પલિટ પાસ થયા હતા અને 24 વિદ્યાર્થી એક ગ્રુપમાં પાસ થયા હતા. આમ, સુરત સાથે દક્ષિણ ગુજરાતનું પરિણામ 31% રહ્યું હતું.

માત્ર 20 વર્ષના જ શશાંકે સીએ, સીએસ અને સીએમએની ડિગ્રી મેળવી દેશમાં રેકોર્ડ કર્યો!
જૂન-2022ની સીએમએની ફાઇનલ પરીક્ષામાં શશાંક તંબોલી 462 માર્ક્સ સાથે દેશમાં 13માં નંબર પર આવ્યો છે. જો કે, શશાંક માત્ર 20 વર્ષ અને 9 મહિનાનો છે તેમજ તેણે સીએમએ પહેલા સીએ અને સીએસની ડિગ્રી પણ મેળવી છે. દેશમાં અત્યાર સુધીમાં કોઇ પણ વિદ્યાર્થીએ આટલી નાની ઉંમરમાં ત્રણેય ડિગ્રી નહીં મેળવી હોવાની એટલે કે દેશમાં રેકોર્ડ કર્યો હોવાની વાત છે. શશાંક તંબોલીના માતા-પિતા રાજસ્થાનના ભિલવાડામાં રહે છે અને તે પણ એક ભાડાના ખોલીમાં રહે છે. ખોલીમાં એક રૂમ તથા એક રસોડું જ છે. શશાંકના પિતા તંબોલી ઓટો રિક્ષા ચલવીને આખા પરિવારનું ભરણપોષણ કરે છે. ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ શશાંકે હિન્દી મીડિયમની સરકારી સ્કૂલમાં લીધું છે. જે પછી શશાંક સી.એ.ના અભ્યાસ માટે એકલો જ સુરત આવ્યો હતો. જ્યાં તેની મુલાકાત સી.એ. રવિ છાંવછરિયા સાથે થઈ હતી. જેમણે સી.એ.સ્ટાર્સ પ્રોગ્રામમાં શશાંકને પ્રવેશ આપ્યો હતો.

માત્ર અભ્યાસ જ નહીં, પણ રહેવા અને જમવાની સુવિધા પણ રવિએ વિના મૂલ્યે શશાંકને આપી હતી. માત્ર 19 વર્ષની ઉમરે શશાંકે સીએની જૂન-17માં સીપીટીની પરીક્ષામાં 152 માર્ક્સ, મે-18 ઇન્ટરમીડિએટમાં 437 માર્ક્સ અને જૂલાઇ-21 ફાઇનલમાં 480 માર્ક્સ લાવ્યો હતો. એવી જ રીતે સીએસ એક્ઝિક્યુટિવની ડિસે-20ની પરીક્ષામાં 541 માર્ક્સ સાથે દેશમાં 9માં નંબર પર આવ્યો હતો.જ્યારે પ્રોફેશનલ ડિસે-21ની પરીક્ષામાં 493 માર્ક્સ લાવ્યો હતો. ઉપરાંત સીએમએમાં જૂન-19 ઇન્ટરમીડિએટમાં 531 માર્ક્સ સાથે દેશમાં 28 અને જૂન-22 ફાઇનલમાં 462 માર્ક્સ સાથે દેશમાં 13માં નંબર પર આવ્યો છે. શશાંક તંબોલીને હવે ભવિષ્યમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઇએએસ બનવું છે. સાંભળવામાં આવ્યું છે કે શશાંક પોતાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવશે.

Most Popular

To Top