સુરતની સરદાર માર્કેટ પાસે ડુક્કર ગેંગનો આતંક: યુવકને લોખંડના પાઈપથી મારી લોહીલુહાણ કર્યો

સુરત: (Surat) રીંગરોડ (Ring Road) ઉપર તેમજ સરદાર માર્કેટ પાસે મજૂરીકામ કરતા લોકો ઉપર ડુક્કર ગેંગએ (Dukkar Gang) ભારે આતંક મચાવ્યો છે. આ ગેંગ દ્વારા એક યુવકને ક્યાં જાય છે તેમ પુછીને લોખંડના પાઇપ (Pipe) વડે હુમલો (Attack) કરાયો હતો. જેમાં યુવકને ગંભીર રીતે ઇજા થતા નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બેગમપુરામાં મોટી ટોકીઝની પાછળ આવેલ ઝાલાવાડ ટેકરા પર રહેતો ૨૫ વર્ષીય મહોમદ સુલતાન મહોમદ ફારૂક અંસારી છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. શુક્રવારે રાત્રે એક વાગ્યાના અરસામાં મોહમ્મદ સુલતાન સરદાર માર્કેટ નજીક ધનીયા માર્કેટ ખાતે ઓટો રીક્ષામાંથી ઉતર્યો હતો. આ સમયે વિજય ઉર્ફે ડુક્કરએ મોહંમદ સુલતાનને કહ્યું કે, ક્યાં ચાલ્યો..? આ દરમિયાન મોહંમદ સુલતાને કહ્યું કે તારે શું કામ છે, હું જ્યાં જાવ ત્યાં. સુલતાનનો આ જવાબ સાંભળીને વિજય ઉર્ફે ડુક્કર ઉશ્કેરાયો હતો અને સુલતાનને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. સુલતાન સરદાર માર્કેટથી આગળ ગયો ત્યારે ઓર્ચિડ ટાવર નજીક વિજય અને તેના માણસો રામા ડુક્કર તથા અનીલ ડુક્કર આવ્યા હતા. તેઓએ સુલતાનને લોખંડના પાઇપ મારીને લોહીલુહાણ કરી દીધો હતો. સુલતાનને નવી સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાપોદ્રામાં રહેતા ટ્રાન્સ્પોર્ટરની પાસેથી બે ટ્રક ખરીદ્યા બાદ પેમેન્ટ આપવામાં નહીં આપતા પોલીસ ફરિયાદ

સુરત: કાપોદ્રામાં રહેતા ટ્રાન્સ્પોર્ટરની પાસેથી લોકડાઉનમાં રૂા. 27 લાખની કિંમતની બે ટ્રક ખરીદ્યા બાદ પેમેન્ટ આપવામાં નહીં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ટ્રાન્સ્પોર્ટરે લોકડાઉનમાં ધંધાકીય નુકસાનીને લઇને બંને ટ્રક વેચી નાંખી હતી, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવીને પુણાના બે યુવકોએ ઠગાઇ કરી હતી.
કાપોદ્રા લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતા અર્કેશ ભીખાભાઈ કિકાણી(ઉ.વ.૩૧) જય માતાજી રોડ વેઝ નામે ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે, તેઓના ટ્રકો પુણા કેનાલ રોડ બાપા સીતારામ પાર્કિંગમાં પાર્ક કરાયા હોય છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે લોકડાઉન આવતા ટ્રાન્સપોર્ટનું કામ ઠપ્પ થઇ ગયું હતું, જેમાં અર્કેશભાઇને ખુબ મોટુ નુકસાન થયું હતું. અર્કેશભાઇએ આ અંગે પોતાના મિત્રોને વાત કરીને પોતાની બે ટ્રકો વેચવા માટે કાઢી હતી. દરમ્યાન સરથાણા અમીદીપ પેટ્રોલપંપની પાછળ શક્તિવિજય સોસાયટીની બાજુમાં વાસણની દુકાન ધરાવતા તેના મિત્ર સુરેશ ચૌધરી મારફતે પ્રભુરામ માધારામ ચૌધરી (રહે, ખુની નિમ્બાવસ જાલોર રાજસથાન)એ ટ્રક ખરીદી હતી. પ્રભુરામે ૧૪,૦૨,૨૦૦નો સોદો કરી રોકડા ૭૩,૮૦૦ આપ્યા હતા, જ્યારે બાકીના ૧૩,૨૮,૪૦૦ ટ્રકની લોન ચાલુ હોવાથી અર્કેશના બેન્કના ખાતામાં દર મહિને ગાડીનો હપ્તો આપી દેવા જણાવ્યું હતું. જેમાં અર્કેશભાઇના ખાતામાં દર મહિને રૂા. 36900નો હપ્તો આપી દેવાનું નક્કી કરાયું હતું. જ્યારે અર્કેશની બીજી ટ્રક પુણાગામના દિનેશ આહીરની મધ્યસ્થીમાં કતારગામ ગોતાલાવાડી સોસાયટીમાં જ્યોતિ સોસાયટીમાં રહેતા કનકિસંહ ગોહિલને રૂા. 14.50 લાખમાં આપી દીધી હતી. કનકભાઇએ પણ રૂા. 70 હજાર રોકડા આપ્યા હતા, અને બાકીના રૂા. 13.80 લાખની રકમની જવાબદારી દિનેશે સ્વીકારી હતી. જો કે, સમયાંતરે બંનેએ રૂપિયા ચૂકવ્યા ન હતા. વારંવાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા પ્રભુરામ ચૌધરી અને કનકસિંહ ગોહિલે ગાળાગાળી કરીને છેતરપીંડિ કરી હતી. બનાવ અંગે બંનેની સામે પુણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top