SURAT

મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટના કૌભાંડમાં ડ્રેનેજના કૌભાંડીઓના ધમપછાડા યથાવત્, સુરતમાં ફરી આ ખેલ રચાયો

સુરત : મળ સાફ (Stool clean) કરવાના કૌભાંડમાં (Scam) સુરત મનપાના (SMC) ડ્રેનેજ વિભાગના (Drainage) અધિકારીઓ દ્વારા હાથ ગંદા કરવાના કૌભાંડમાં હજુ પણ અધિકારીઓ સુધર્યા નથી. પોતાના માનીતા ઈજારદારને ઘુસાડવા માટે ફરી મનપાના શાસકોને અધિકારીઓ દ્વારા ઉઠા ભણાવવામાં આવ્યા છે. કોર્ટના રૂલિંગના નામે અધિકારીઓ દ્વારા ત્રીજા પ્રયત્નનાં ટેન્ડરમાં પણ પોતાના માનીતા ઈજારદારને ઘુસાડવા માટેનો ખેલ રચીને તેનાં ટેન્ડરો ખોલવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં કરાવી દીધો છે. ત્યારે હવે આ આખો મામલો આગામી દિવસોમાં કોર્ટમાં ફરી જાય અને તેમાં કૌભાંડી અધિકારીઓ ભેરવાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકેલા મનપાના ડ્રેનેજ વિભાગમાં ચેમ્બરોમાં એકઠા થતાં મળને સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા ખેલને અગાઉ ‘ગુજરાતમિત્ર’ દ્વારા ઉઘાડા કરવામાં આવ્યા જ છે. જેના પગલે અધિકારીઓ ભેરવાઈ ગયા છે. અગાઉ અધિકારીઓ દ્વારા ત્રીજું ટેન્ડર મંગાવવામાં આવ્યું હોવા છતાં પણ બીજા ટેન્ડરમાં ખેલ કરીને ઈજારદાર વિનોદને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો.

જો કે, આ ખેલ પકડાઈ જતાં અધિકારીઓ દ્વારા નવો એવો ખેલ રચવામાં આવ્યો કે ત્રીજા ટેન્ડરમાં એકમાત્ર ઈજારદારને કામ સોંપવાને બદલે ઈજારદાર વિનોદ દ્વારા કોર્ટમાં રિટ પિટિશન કરાવવામાં આવી અને બાદમાં સ્થાયી સમિતીમાં દરખાસ્ત કરવામાં આવી કે હાલમાં કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. જેના પગલે આજે સ્થાયી સમિતિમાં દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હાલમાં ત્રીજા ટેન્ડરના એકમાત્ર ઈજારદાર દરબાર વેસ્ટ કોર્પોરેશનનું ટેન્ડર મંજૂર કરવું નહીં અને ત્રીજી વખતના ટેન્ડર માટે વિનોદ સહિતના જે કોન્ટ્રાક્ટર ડિસક્વોલિફાય થયા છે તેમને પણ ગણવા.

જો કે, સ્થાયી સમિતિના આ નિર્ણયની વચ્ચે હવે મામલો એવી રીતે ઊભો થયો છે કે, કોર્ટ દ્વારા ઈજારદાર દરબાર વેસ્ટ કોર્પોરેશનને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેથી હવે અધિકારીઓ દ્વારા કૌભાંડની જે માયાજાળ રચવામાં આવી છે તે આગામી દિવસોમાં કોર્ટમાં ઉઘાડી પડે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં મનપાના ડ્રેનેજ વિભાગના કૌભાંડી અધિકારીઓ જરૂરથી ભેરવાશે તે નક્કી છે.

Most Popular

To Top