SURAT

લાયસન્સ અને આરસી બુક નથી, ડોન્ટ વરી!: ગુજરાતના કમિશનરનો આ નિર્ણય જાણી લેશો તો દંડ ભરવો નહીં પડે

સુરત: તમારી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે આરસી બુક નથી. તો ચિંતા કરશો નહીં. ગુજરાતના વાહનવ્યવહાર કમિશનરે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કમિશનરે તાજેતરમાં લીધેલા નિર્ણયને તમે જાણી લેશો તો તમારે ટ્રાફિક પોલીસ સામે આજીજી કરવી પડશે નહીં. દંડ પણ ભરવો નહીં પડે, બસ ગુજરાત વાહનવ્યવહાર કમિશનરે જે સૂચના આપી છે તેનું તમે પાલન કર્યું હશે તો ટ્રાફિક પોલીસ પણ તમારું કંઈ બગાડી શકશે નહીં.

સર્વરની ખામીને લીધે સ્માર્ટકાર્ડ (Smart card ) સ્વરૂપનાં ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) અને આર.સી. બુક (R.C.Book) વાહનચાલકોને આપવામાં થઇ રહેલા વિલંબને પગલે વાહનચાલકો દંડાઇ રહ્યા છે તેવી ફરિયાદો મળ્યા પછી રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આર.સી. બુકની ડાઉનલોડ કરેલી પીડીએફ તથા A-4 સાઇઝની પ્રિન્ટ માન્ય રાખવા તમામ આર.ટી.ઓ.ને ૨૧ ડિસેમ્બરના રોજ પરિપત્ર મોકલ્યો છે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ડાઉનલોડ કરેલા દસ્તાવેજ માન્ય રાખવા પડશે. વાહન હાંકનાર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આર.સી.) બુક સાથે રાખવી ફરજિયાત છે. જો કે, સરકારે હવે ફિઝિકલ સ્વરૂપે આ દસ્તાવેજ રાખવાની મરજિયાત કર્યું છે. તેના સ્થાને આ ડોક્યુમેન્ટ ડિજિટલી રાખવામાં આવશે તો પણ માન્ય ગણવું પડશે.

ડ્રાઈવીંગ લઈસન્સની A-4 સાઈઝ પ્રિન્ટ અથવા પીડીએફ બતાવી શકાશે

વાહન વ્યવહાર કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છે કે, અરજદારનું ડ્રાઇવિંગ લાઇસન્સ અરજી મંજૂર થયા પછી નોંધાયેલા સરનામે પહોંચે એ પહેલાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સનું A-4 સાઇઝની ડાઉનલોડ કરેલી પીડીએફ બતાવી શકે છે. અથવા A-4 સાઇઝ ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રિન્ટ પણ દર્શાવી શકે છે. અરજદારને અરજી મંજૂર થયા પછી મોબાઇલ નંબર પર એપ્લિકેશન એપ્રૂવલ એસએમએસ લિંકથી અથવા પ્રિન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી લાઇસન્સ ડાઉનલોડ કરી શકે છે. આ દસ્તાવેજ મોટર વ્હિકલ રૂલ્સ-૧૯૮૯ અંતર્ગત માન્ય રહેશે.

પોલીસ એપ્લીકેશનની મદદથી લાઈસન્સ અને આરસી બુકની ખરાઈ કરશે

આ પ્રકારનાં ડોક્યુમેન્ટ દર્શાવનાર સામે પોલીસ કે આરટીઓએ કાર્યવાહી કરવાની રહેશે નહીં. કોઇ સંજોગોમાં લાઇસન્સ કે આરસી બુક શંકાસ્પદ જણાય તો પોલીસ અને આરટીઓ એમ-પરિવહન અને ડીજી લોકરમાં જઇ ડિજિટલ સ્વરૂપે ડોક્યુમેન્ટની ખાતરી કરી શકે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લાઇસન્સ, આરસી બુક, પીયુસી અને વિમાની નકલો રાખવામાં વાહનચાલકોને ખૂબ મુશ્કેલી નડે છે. સરકારે તેને લઇને એમ-પરિવહન અને ડીજી લોકરની ડિજિટલ સેવાઓ અગાઉથી માન્ય રાખી છે. તેમ છતાં પણ પોલીસ વાહન માલિકોની હેરાનગતિ કરતી જોવા મળે છે.

Most Popular

To Top