Business

સુરતમાં મોટા વરાછામાં પરિવારની મરજી વિરુદ્ઘ પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના જ માતા-પિતા ઉંચકી ગયા

સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે રહેતી યુવતીએ અમરોલીમાં (Amroli) રહેતા યુવક સાથે પરિવારની (Family) સંમતિ વગર મંદિરમાં પ્રેમલગ્ન (Love Marriage) કર્યા હતા. જેથી ગત 3 મેંના રોજ યુવતીના માતા-પિતાએ બળજબરી તેના સાસરે આવીને તેણીને ઉંચકીને લઈ જઈ સંતાડી દીધી હતી. યુવકે તેની પત્નીના માતા-પિતા (Parents) અને બે અજાણ્યા સામે અપહરણની ફરિયાદ (Complaint) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

અમરોલી ખાતે સાઈ લક્ઝરીયા સૃષ્ટિ રો હાઉસમાં રહેતો 22 વર્ષીય પ્રિંકેશભાઈ રમેશભાઈ રાશીયા ગૃહમ એમ્પાયર ખાતે ઓનલાઈન બિઝનેઝની દુકાન ચલાવે છે. તથા કતારગામ ખાતે હીરામાં નોકરી પણ કરે છે. પ્રિકેંશને મોટા વરાછા પુનિતધામ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઇની દિકરી હેમાંશી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ હતો. પરિવારનો વિરોધ હોવાથી બંને જણાએ ગત 30 માર્ચ 2022 ના રોજ પાલ આર.ટી.ઓ પાસે આવેલા મેલડી માતાના મંદિર ખાતે લગ્ન કર્યા હતા. જેની લગ્ન નોંધણી 1 એપ્રિલે કરાવી હતી. ત્યારથી હેમાંશી તેના પતિ પ્રિકેંશ સાથે રહેતી હતી.

દરમિયાન ગત 3 મેંના બપોરે હેમાંશીને તેના માતા-પિતા તથા તેમની સાથે બે અજાણ્યા માણસો આવી બળજબરી પૂર્વક ઘરમાં ઘુસી સફેદ કલરની નંબર વગરની કારમાં ઉપાડી લઇ ગયા હતા. જેથી પ્રિકેંશની બહેને આ અંગે તેના ભાઈને ફોન પર જાણ કરતા તે ઘરે દોડી આવ્યો હતો. બનાવની જાણ કરતા પોલીસ પણ ઘરે પહોંચી ગઈ હતી. અમરોલી પોલીસે હેમાંશીની માતા દિપાલીબેન તથા તેના પિતાજી રાજેશભાઇ તથા બે અજાણ્યા માણસો વિરુધ્ધ અપહરણનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ફ્લેટ જોવાના બહાને પહેલા બે અજાણ્યા અંદર ઘુસ્યા
પહેલા બે અજાણ્યા માણસો આવ્યા હતા અને ઘરમાં આવીને અમારે તમારો ફ્લેટ જોવો છે તેમ કહ્યું હતું. ફ્લેટનો દરવાજો ખોલતાની સાથે જ હેમાંશીના મમ્મી-પપ્પા અચાનક ઘરમાં ઘુસી આવ્યા હતા. અને સીધા બેડરૂમમાં જઇ હેમાંશીને હાથપગ પકડીને ટીંગા-ટોળી કરીને નીચે લઇ આવ્યા હતા. બળજબરીથી સફેદ કલરની નંબર વગરની ગાડીમાં બેસાડીને ઉપાડી લઈ ગયા હતા.

હેમાંશીને માતા-પિતા છુપાવી રાખી હતી
શરૂઆતમાં પ્રિકેંશે હેમાંશીને તેના માતા-પિતા ઘરે લઈ ગયા હોવાનું માન્યું હતું. પરંતુ ઘરે જઈને તપાસ કરતા હેમાંશી તેના માતા-પિતાના ઘરે નહોતી. જેથી તેના માતા-પિતાનો સંપર્ક કરતા કોઈ સંપર્ક થયો નહોતો. પ્રિકેંશે બે દિવસ શોધખોળ કરતા તેની પત્ની હેમાંશીનો કોઇ પત્તો લાગ્યો નહોતો.

Most Popular

To Top