SURAT

સુરત ડાયમંડ એસો.ની બિલ્ડિંગમાં વિનામૂલ્યે યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ શીખવવાનું શરૂ

સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ (Jewelry Manufacturers) એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો (Jewelry designing) ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું છે. વિનામૂલ્યે યુવાનોને સુરત ડાયમંડ એસોસિએશનની બિલ્ડિંગમાં આ કોર્સ શીખવવામાં આવી રહ્યા છે. મુંબઇ, કોલકાતા, જયપુર અને રાજકોટ પછી સુરત પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું છે. છેલ્લાં ૫ વર્ષમાં સુરતમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટોની સંખ્યા વધીને ૩૫૦ થઇ છે. પરંતુ કોરોનાની પ્રથમ અને બીજી લહેર પછી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના કુશળ કારીગરો (Skilled craftsmen) ૩૦ ટકાથી વધુ સંખ્યામાં સુરત પરત નહીં આવતાં સુરત અને રાજકોટમાં કુશળ કારીગરોની અછત ઊભી થઇ છે. તેના લીધે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિદેશના ઓર્ડર સમયસર પૂરા કરી શકતા નથી.

  • જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એકમોને સુરત-રાજકોટમાં કુશળ કારીગરો ન મળતાં વિનામૂલ્યે તાલીમ અપાશે
  • જ્વેલરી ડિઝાઇનિંગ માટેનો ૩૫૦૦૦ રૂપિયાની ફીવાળો કોર્સ જ્વેલરી મેન્યુ. એસો. વિનામૂલ્યે શીખવશે અને સ્ટાઇપન્ડ સાથે ઇન્ટર્નશીપ અપાવવામાં પણ મદદરૂપ થશે
  • વર્લ્ડ બેંકની સહાય સાથે યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપવાનું શરૂ કરાયું
  • સુરતમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટોની સંખ્યા વધીને ૩૫૦ થઇ પરંતુ કુશળ કારીગરોની અછત
  • જે કારીગરો મેન્યુફેક્ચરિંગમાં થોડુંક પ્રેક્ટિકલ નોલેજ મેળવી લે છે તેમને ૭૦૦૦ના માસિક સ્ટાઇપન્ડ પર ઇન્ટર્નશીપ પણ મળશે

આ સંદર્ભમાં વર્લ્ડ બેંક દ્વારા જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કુશળ કારીગરો ઊભા કરવા ગ્રાન્ટ આપવામાં આવતાં સરકારના આદેશને પગલે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું છે. સાથે સાથે જે કારીગરો મેન્યુફેક્ચરિંગમાં થોડુંક પ્રેક્ટિકલ નોલેજ મેળવી લે છે તેમને ૭૦૦૦ના માસિક સ્ટાઇપન્ડ પર ઇન્ટર્નશીપ પણ શોધી આપે છે. તેના લીધે શિક્ષિત બેરોજગાર યુવાનો આ કોર્સ તરફ આકર્ષાઇ રહ્યા છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, સરકારના સહયોગથી વિનામૂલ્યે યુવાનોને સુરત ડાયમંડ એસોસિએશનની બિલ્ડિંગમાં આ કોર્સ શીખવવામાં આવી રહ્યા છે. ૧૫ જાન્યુઆરી પછી મેન્યુઅલ ડિઝાઇન અને હેન્ડ સ્કેચ ડિઝાઇનનાં કોર્સ શરૂ કરવાનું આયોજન છે. શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓને વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ આપી રહ્યા છે.

Most Popular

To Top