SURAT

એવું શું થયું કે સિટી બસના ડ્રાઈવરોએ બસોને લગાવી દીધી બ્રેક!

સુરત: સુરત (Surat) શહેરમાં દોડતી સિટી બસના (City Bus) ડ્રાઈવરોને (Driver) બે મહિનાથી પગાર મળ્યો નહીં હોઈ આજે સોમવારે ડ્રાઈવરો હડતાળ (Strike) પર ઉતર્યા હતા. જેના પગલે બસમાં મુસાફરી કરતા શહેરીજનો હેરાન થયા હતા.

સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના એક બાદ એક અનેક વિવાદો થતા રહે છે. આડેધડ બસ દોડાવી સિટી બસના ચાલકો અકસ્માતો કરતા હોવાની ફરિયાદો થતી રહી છે. તો બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરો સાથેના મેળાંપીંપણાના પણ આક્ષેપો થતા રહે છે, ત્યારે હવે નવી વાત સામે આવી છે.

સ્માર્ટ સિટી સુરતમાં સિટી બસ ચલાવતા ડ્રાઈવરોને બે મહિનાથી પગાર મળ્યો નથી. પગારની માંગણી સાથે આજે બસ નહીં ચલાવી ડ્રાઈવરોએ રસ્તા પર ઉતરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આ અગાઉ ગયા મહિને પણ ડ્રાઈવરોએ પગારના મામલે વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારે તેઓને સમજાવી લેવાયા હતા. જોકે, આજે ડ્રાઈવરો હડતાળના મૂડમાં હતા. શહેરના અંતિમ બસ સ્ટેન્ડ સચિન બીઆરટીએસ સ્ટેશન ખાતે ડ્રાઈવરોએ બસના પૈંડા અટકાવી દીધા હતા અને પગાર ન મળે ત્યાં સુધી બસ નહીં ચલાવીએ તેવું એલાન કર્યું હતું. તેના પગલે સચિન બીઆરટીએસ સ્ટેશન પર બસની લાંબી લાઈન લાગી ગઈ હતી.
બીજી તરફ બસ સેવા બંધ થઈ જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. રોજ મોટી સંખ્યામાં સચિન-ઉધના દરવાજા રૂટ પર મુસાફરો બસ સેવાનો લાભ લેતા હોય છે, તે મુસાફરો અટવાયા હતા.

Most Popular

To Top