SURAT

અમેરિકાના ડલાસ અને એટલાન્ટામાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો’ યોજાશે

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત યુએસએ (USA) ખાતે આગામી એપ્રિલ અને મે–2023 દરમિયાન પ્રથમવાર ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો’નું (Expo) આયોજન કરવામાં આવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં તા.27, 28 અને 29 એપ્રિલ-2023 દરમિયાન એસએલપીએસ ઇવેન્ટ સેન્ટર, ડલાસ ખાતે ત્રિદિવસીય એક્ઝિબિશન યોજાશે. જ્યારે યુએસએમાં તા.4, 5 અને 6 મે 2023 દરમિયાન ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટર હોલ ડી, અટલાન્ટા ખાતે પણ ત્રણ દિવસ માટે ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો’ યોજાશે. આ એક્ઝિબિશનના આયોજન માટે અમેરિકાના સૌથી વિશાળ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)નો સહયોગ પ્રાપ્ત થયો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, સામાન્યપણે અમેરિકામાં ફર્નિચર એક્ઝિબિશનો થતાં હોય છે, પરંતુ ભારતથી પ્રથમ વખત એક્સક્લુસિવ ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો થવા જઇ રહ્યો છે. યુએસએ ખાતે બે જુદાં–જુદાં શહેરોમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો’ યોજાશે. જેમાં ભારતભરમાંથી 100 જેટલા એક્ઝિબિટર્સ ભાગ લઇ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરથી એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટ્‌સ રજૂ કરશે. આ એક્ઝિબિશન બીટુબી ધોરણે યોજાશે.

યુએસએ ખાતે આ એક્ઝિબિશનના આયોજનમાં આહોઆ સહભાગી બન્યું છે, જે ચેમ્બર ઓફ કોમર્સ માટે સૌથી મોટું જમા પાસું છે. કારણ કે, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)માં 34,000થી વધુ ડાયરેક્ટ સભ્યો છે. આ બધા સભ્યો અમેરિકામાં 20,000થી પણ વધુ હોટેલના માલિકો છે. જેને કારણે અમેરિકાની વિશાળ ચેઇન સેવન સ્ટાર હોટલોના વેન્ડર્સ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે. સાથે જ અમેરિકામાં વિવિધ એરિયામાંથી આહોઆ એસોસિએશનોના સભ્યો પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં હોટલ બનાવનારા આર્કિટેક્ટ, ઇન્ટિરિયર્સ, ફર્નિચર, હોમ ટેક્સટાઇલ્સના આયાતકારો તથા મોટી સંખ્યામાં અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પણ એક્ઝિબિશનની વિઝિટ કરશે.

અમેરિકામાં હોટેલ્સ પ્રોડક્ટ અને ફર્નિચરમાં ચીન, વિયેટનામના પ્રભાવ સામે ભારતનો એક્સપોર્ટ માત્ર 676 મિલિયનનો
અમેરિકામાં હોટેલ્સ માટે જેટલી પણ પ્રોડક્ટની જરૂરિયાત ઊભી થાય છે એ તમામ હોટેલના માલિકો દ્વારા આયાત કરવામાં આવે છે. અમેરિકામાં હોટેલ્સ પ્રોડક્ટ અને ફર્નિચરમાં ચીન, વિયેટનામના પ્રભાવ સામે ભારતનો એક્સપોર્ટ માત્ર 676 મિલિયનનો છે. સુરત હવે હોસ્પિટાલિટી ફેબ્રિક્સ અને ફર્નિચર મેન્યુફેક્ચરિંગનું પણ હબ બની રહ્યું છે. ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્સ્પો’ના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, વોલમાર્ટ, કોસ્ટકો, હોમ ડીપો, મેનાર્ડસ, આઇકિયા જેવી મેગા સ્ટોર કંપનીઓના પરચેઝ એજન્ટ્‌સ જે ફર્નિચર, હોમ ટેક્સટાઇલ્સ એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સની ખરીદી માટે વિઝિટ કરશે. આ એક્ઝિબિશનમાં મુખ્યત્વે ફર્નિચર મેન્યુફેક્ચરર્સ જેવાં કે હોટેલ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, મોડ્યુલર કિચન, ડોમેસ્ટિક અને કોમર્શિયલ મળીને તમામ પ્રકારનાં ફર્નિચર બનાવનારા ભાગ લઇ રહ્યા છે.

હોસ્પિટાલિટી ફેબ્રિક્સ અને ફર્નિચરને લગતી સુરતની આ પ્રોડક્ટ્સ અમેરિકાના એક્સ્પોમાં પ્રદર્શિત થશે એક્સ્પોના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે, હોમ ટેક્સટાઇલ્સમાં બેડિંગ એન્ડ કર્ટેન્સ, સ્લીપિંગ બેગ્સ, હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સ, બેડસ્પ્રીડ્‌સ, બ્લેન્કેટ્‌સ, પીલો એન્ડ પીલો કવર્સ, ક્યુશન એન્ડ ક્યુશન કવર્સ, કાર્પેટ્‌સ એન્ડ રગ્સ, સોફા બનાવવા ઉપયોગમાં લેવાતું ફેબ્રિક્સ એન્ડ કવર્સ, ટોવેલ અને મેટ્રેસ મેન્યુફેક્ચરર્સ દ્વારા તેમની પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે. બાથરૂમ ફિટિંગ્સમાં સિરામિક ટાઇલ, વોલ અને ફલોર તથા વુડન ફ્લોરિંગ, વોલપેપર, પ્લાયવૂડ મેન્યુફેક્ચરર્સ પાર્ટીસીપેટ કરી રહ્યાં છે. લાઇટિંગ સોલ્યુશન્સમાં હોમ આર્ટ લાઇટ, ગ્લેમટ્યુબ્સ, સ્માર્ટ લાઇટિંગ, એલઇડી રિસેસ પેનલ્સ, એલઇડી સ્પોટલાઇટ, એલઇડી કોબ, ડાઉન લાઇટર, સ્પોટ લાઇટ્‌સ, પેનલ લાઇટ્‌સ અને એલઇડી લેમ્પ્સ બનાવનારા પણ ભાગ લેશે. જ્યારે લોન્ડ્રી એન્ડ ક્લીનિંગ ઇક્વિપમેન્ટ્‌સમાં વોશર્સ, ડ્રાયર્સ, ક્લિનિંગ કેમિકલ્સ, પ્રેસેસ એન્ડ સ્ટીમર્સ, સોર્ટિંગ બિન્સ, હેન્ગર્સ, ગારમેન્ટ કવરિંગ એન્ડ રેકસ વગેરે બનાવનારા ભાગ લઇ રહ્યા છે. આર્ટ એન્ડ ક્રાફટમાં ટેક્સટાઇલ, ડેકોરેટિવ, પેપર, ફંક્શનલ એન્ડ ફેશન ક્રાફ્ટ્‌સ તથા પેઇન્ટિંગ્સ, શો પીસ, કટલરી એન્ડ ક્રોકરી બનાવનારા, હાઉસ કીપિંગ પ્રોડક્ટ્‌સમાં ગ્લાસ ક્લીનર્સ, ફ્લોર ક્લીનર્સ, કારપેટ એન્ડ રગ ક્લીનર્સ, ડસ્ટિંગ પ્રોડક્ટ્‌સ અને ફર્નિચર ક્લીનર્સ એન્ડ પોલિશર્સ પણ પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરશે.

Most Popular

To Top