SURAT

સુરતના બ્રિજ પર વિચિત્ર અકસ્માત, ટ્રકની ટક્કરથી યુવકનું મોત, ટ્રક ડ્રાયવર પણ કેબિનમાં ફસાયો

સુરત: (Surat) ઇચ્છાપોરમાં એનટીપીસી (NTPC) પાસેના બ્રિજ (Bridge) પર આગળ જતી ટ્રકને પાછળથી આવેલા ટ્રકના ડ્રાઇવરે (Truck driver) ટક્કર મારતા એક યુવકનું મોત નિપજ્યું હતું. આગળ જતી ટ્રક ધીરે ચાલતી હોવાથી ટ્રકમાંથી ઉતરેલો કર્મચારી ટ્રકની પાછળ જઈને આવતા વાહનોને લાલ કપડું બતાવી રહ્યો હતો ત્યારે જ પાછળથી આવેલી ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતા લાલ કપડું બતાવનારનું મોત નિપજ્યું હતું. તેના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

  • ઇચ્છાપોરમાં એનટીપીસી પાસેના બ્રિજ પર આગળ જતી ટ્રકની પાછળ બીજા ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતા એકનું મોત
  • આગળ જતી ટ્રક ધીરે જતી હોવાથી ટ્રકમાંથી કર્મચારી ઉતરીને પાછળ જઈ લાલ કપડું બતાવતો હતો ત્યારે લાલ કપડું બતાવનારનું મોત,શરીરના બે ટૂકડા થઈ ગયા

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો રાજેશકુમાર મંગલસિંગ પરતે હાલમાં એસ્સાર કોલોની મોરા ભાગળ પાસે રહે છે.તેની સાથે કિશનકુમાર પ્રમોદ સહાની ( 25 વર્ષ) રહે. એસ્સાર કોલોની મોરા ભાગળ) પણ રહે છે. રાજેશકુમાર ટ્રક ડ્રાઇવર છે. મંગળવારે મોડી રાત્રે રાજેશ અને કિશનકુમાર તેમનું કામ પુર્ણ કરીને તેમની ટ્રક લઈને મોરાગામ જતા હતા. એનટીપીસી પાસેના બ્રિજ પહોંચા ત્યારે ચઢતીના કારણે ગાડી ધીરે ચાલતી હતી.

તે સમયે પાછળથી આવતા કોઈ વાહનને અકસ્માત ન થાય તે માટે કિશનકુમારને લાલ કપડુ લઈને તેમની ગાડીની પાછળ ચાલવાનું કહ્યું. તે કિશનકુમાર લાલ પકડું પાછળથી આવતા વાહનોને બતાવતો હતો જેથી કોઈ અકસ્માત ન થાય. તેજ સમયે પાછળથી ટાટા કંપનીની ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક ચલાવી લાવી રાજેશકુમારની ટ્રકને ટક્કર મારી હતી. તેમાં કિશનકુમાર બંને ટ્રકની વચ્ચે આવી ગયો હતો. કિશનકુમારના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા. રાજેશકુમારે ટક્કર મારનાર ટ્રકની ડ્રાઇવર શ્રીકાંત બ્રીજેશ ત્રિદેવ વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ડ્રાઇવર શ્રીકાંત પણ કેબીનમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડની મદદથી બહાર કઢાયો
આરોપી શ્રીકાંતે રાજેશકુમારની ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. તેમાં કિશનકુમારનું તો મોત નિપજ્યું હતુ પરંતુ શ્રીકાંત પોતે ફસાઈ ગયો હતો. જોરથી ટક્કર મારી હોવાથી શ્રીકાંત પોતાની ટ્રકની કેબીનમાં ફસાઈ ગયો હતો. તે હલી શકે એવી સ્થિતી પણ ન હતી. 108,પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કટરથી ટ્રકની કેબિનમાં અમુક ભાગ કાપીને શ્રીકાંતને બહાર કાઢ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

Most Popular

To Top