SURAT

સુરતની આ બેંકમાં સંચાલકનાં લમણે તમંચો મુકી લૂટેરાઓ લૂંટ કરી ગયા

સુરત: (Surat) લિંબાયત ખાતે આવેલા બીઓબી (BOB) ગ્રાહક સેવા કેન્દ્રમાં આજે સાંજે મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ સંચાલકના લમણે તમંચો મુકીને 2.50 લાખની લૂંટ કરી હતી. લિંબાયત પોલીસે લૂંટની (Loot) ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • તમંચો બતાવી બીઓબીના ગ્રાહક સેવા કેન્દ્રમાં ત્રણ શખ્સોએ 2.50 લાખની લૂંટ ચલાવી
  • મોપેડ પર આવેલા ત્રણ જણાની લિંબાયતમાં સંચાલક સાથે ઝપાઝપીમાં બે કારતૂસ ઓફિસમાં જ પડી ગઈ
  • ભાગતી વખતે મોપેડ સ્લીપ થઈ, લોકોની ભીડ ઘેરાતા ત્રણેય તમંચો બતાવી ભાગી ગયા

લિંબાયત ખાતે મંગલપાંડે હોલ પાસે બીઓબી ગ્રાહક સેવા કેન્દ્ર આવેલું છે. સત્યલાલ મોર્યા દ્વારા આ ગ્રાહક કેન્દ્રમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરવામાં આવે છે. આજે સાંજે પોણા પાંચ વાગ્યે મોપેડ ઉપર ત્રણ અજાણ્યા આવ્યા હતા. બે જણાએ ઉતરીને સત્યલાલને પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. સત્યલાલે વિગતો માંગી તો ગુગલથી ટ્રાન્સફર કરી આપવાનું કહ્યું હતું. પરંતુ સત્યલાલ ગુગલથી ટ્રાન્સફર નહીં થાય તેમ કહેતા હતા. એટલીવારમાં બે જણા વાતવાતમાં અંદર ઘુસી ગયા હતા. અને ત્રીજાએ ઓફિસનો દરવાજો બંધ કરી લીધો હતો.

બાદમાં સત્યલાલના લમણે તમંચો મુકીને ડ્રોઅર ખોલીને પૈસા કાઢતા હતા ત્યારે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને તેમાં તમંચામાંથી બે કારતૂસ નીચે પડી ગઈ હતી. બાદમાં 2.50 લાખ કાઢી લીધા પછી ત્રણેય મોપેડ પર બેસીને ભાગી ગયા હતા. આ દરમિયાન સત્યલાલે બૂમો પાડી તેમની પાછળ પત્થર ફેંક્યો હતો. અને થોડે આગળ જઈને તેમની મોપેડ સ્લીપ થતા લોકોની ભીડ ભેગી થઈ હતી. પરંતુ તમંચો બતાવીને ત્યાંથી ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતા લિંબાયત પોલીસનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

લિંબાયતમાં ચેન્નાઈ અને લખનઉ વચ્ચે ઓનલાઈન સટ્ટો રમાડતા એક ઝડપાયો
સુરત : લિંબાયત ખાતે માર્કડેશ્વર મંદિર પાસેથી મોબાઈલમાં આઈપીએલની ચેન્નાઈ અને લખનઉ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી રહેલા એકને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો. તેને આઈડી પાસવર્ડ આપનાર બુકીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લિંબાયત માર્કડેશ્વર મંદિર પાસેથી મુજ્જમીલ હસન શાહ (ઉ.વ.૨૦.૨હે, બેન્ક ઓફ બરોડાની સામે લાલા ટી- સેન્ટરની ગલીમાં ખાનપુરા લિંબાયત)ને ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરીને આરોપીને ઝડપી પાડી તેનો મોબાઈલ ચેક કરતા આઈપીએલની ચેન્નાઈ અને લખનઉ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મુજ્જમીલ ટીવાયઆર 35 નામની આઈડી તથા મુજુ 1753 નામના પાસવર્ડના માધ્યમથી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 20 હજારનો મોબાઈલ કબજે કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં આ માસ્ટર આઈડી દિનેશ નામના બુકી પાસેથી લીધી હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો છે.

Most Popular

To Top